ગુજરાત વિધાનસભા દ્વારા ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચારા અને ખનિજ મિશ્રણ વિધેયક-૨૦૨૬’ તથા ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક-૨૦૨૬’ પસાર કરવામાં આવ્યા છે. ભાજપ કિસાન મોરચાના હિરેન હિરપરાએ આ બંને વિધેયકોને ખેડૂતો અને પશુપાલકોની આજીવિકા તથા સમયની બચત માટે ઐતિહાસિક ગણાવીને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.નવા જમીન મહેસૂલ સુધારા વિધેયક મુજબ, સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ, તમામ ખાતેદારોની સંમતિ અને વિવાદરહિત જમીન વ્યવહાર હોય તેવા કિસ્સામાં તે જ દિવસે ફેરફાર નોંધ પાડીને પ્રમાણિત કરવામાં આવશે. ઉપરાંત, અદાલત કે ટ્રિબ્યુનલના આદેશના આધારે થતી નોંધો પણ હુકમ મળતા જ તાત્કાલિક નોંધાશે.બીજી તરફ, પશુઆહાર વિધેયક દ્વારા પશુપાલકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત પશુઆહાર મળી રહે તે માટે જરૂરી નિયમન કરવામાં આવ્યું છે, જેથી પશુઓના આરોગ્યનું રક્ષણ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયોથી લાંબી વહીવટી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને જમીન હકની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.