બગસરા શહેરની શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રની અત્યંત મહત્વપૂર્ણ નર્સિંગ સ્કૂલ બંધ કરીને તેને રાજકોટ તબદીલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. સ્થાનિક દીકરીઓને ઘરઆંગણે જ ઉત્તમ તબીબી શિક્ષણ આપતી આ સરકારી સંસ્થાનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. પ્રશાસને આ ઇમારતનું યોગ્ય સમારકામ કે નવેસરથી નિર્માણ કરવાને બદલે સમગ્ર શાળા જ રાજકોટ ખસેડી લેવાનો આસાન રસ્તો અપનાવ્યો છે. તંત્રની આ અણધડ નીતિને કારણે બગસરાને મળતી વધુ એક મહત્વની જાહેર સુવિધા છીનવાઈ ગઈ છે. ભૂતકાળમાં પણ આવી સુવિધાઓ અન્યત્ર ખસેડાતાં સ્થાનિક વિકાસ અને રોજગારી પર વિપરીત અસર પડી છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે રાજકોટ જેવા દૂરના શહેરમાં જઈને અભ્યાસ કરવો આર્થિક રીતે અત્યંત મુશ્કેલ બનશે, જેથી અનેક દીકરીઓ શિક્ષણથી વંચિત રહેવાની ભીતિ છે. આ નિર્ણય સામે સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. લોકોની માગણી છે કે નર્સિંગ સ્કૂલ માટે નવી બિલ્ડિંગ મંજૂર કરીને તેને પુનઃ બગસરામાં જ શરૂ કરવામાં આવે. જો સરકાર આ નિર્ણય પર તાત્કાલિક પુનઃવિચાર નહીં કરે, તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.









































