ઉના તાલુકાના ગાંગડા ગામેથી પસાર થતા વેરાવળ-ભાવનગર નેશનલ હાઈવે પર યોગ્ય બસ સ્ટેન્ડ કે પીકઅપ સ્ટેન્ડના અભાવે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ માર્ગ પરથી આસપાસના ૨૦ થી ૨૫ ગામોના લોકો અવરજવર કરે છે. હોસ્પિટલે જતા દર્દીઓ, વિદ્યાર્થીઓ તેમજ રોજગારી અર્થે જતા નાગરિકોને ખુલ્લા આકાશ નીચે ઊભા રહી વાહનોની રાહ જોવી પડે છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું, દરેક ઋતુમાં મુસાફરો માટે ખુલ્લામાં ઊભા રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ગાંગડા ગામે બસ સ્ટોપ હોવા છતાં મુસાફરોની સુવિધા માટે યોગ્ય શેડ કે સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને મુસાફરોએ સરકાર તથા નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ ગાંગડા ગામે તાત્કાલિક ધોરણે સુવિધાયુક્ત પીકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરવાની માંગ કરી છે.