વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના વેચાણની બાતમીના આધારે એએનટીએફ (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) વડોદરા ઝોનની ટીમે દરોડો પાડીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પત્રકાર કોલોનીમાં આવેલી મદીના હોટલની ગલીમાં આવેલા આમેના ડુપ્લેક્ષમાંથી ૪.૪૬૩ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.૨.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એએનટીએફની ટીમ તાંદલજા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન પત્રકાર કોલોનીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે એ/૪ આમેના ડુપ્લેક્ષ, મદીના હોટલની ગલીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓના ઘરેથી ૪.૪૬૩ કિલોગ્રામ ગાંજા મળી આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોહમ્મદફૈઝલ અલ્તાફહુસૈન શેખ (ઉં.વ. ૨૬, રહે. બી/૬૦, ઝમઝમ પાર્ક, ફ્રેઝ સ્કૂલ પાસે, તાંદલજા) અને જુબેર નિઝામ પટેલ (ઉં.વ. ૩૪, રહે. એ/૪, આમેના ડુપ્લેક્ષ, તાંદલજા)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે બંને પાસેથી રૂ.૨.૨૩ લાખની કિંમતનો ૪.૪૬૩ કિલોગ્રામ ગાંજા, રૂ.૨૨ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રૂ.૧૧ હજાર રોકડ મળી કુલ રૂ.૨.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસની વધુ તપાસ જે.પી. રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.