ભરૂચમાં નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. નર્મદા મૈયા બ્રિજ પાસેથી પસાર થતી એક રીક્ષામાંથી ૯ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે.એસઓજીની ટીમે આ કાર્યવાહીમાં રૂ.૪.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમીના આધારે ભરૂચ એસઓજીની ટીમે નર્મદા મૈયા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીક્ષાને રોકીને તપાસ કરતાં તેમાંથી ૯ કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા સાથે રીક્ષા સહિતનો કુલ રૂ.૪.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહીમાં પોલીસે સદરૂદ્દીન દિવાન નામના આરોપીને ઝડપી લીધો છે. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ભરૂચમાં કોને સપ્લાય કરવાનો હતો. આ મામલે સી ડિવિઝન પોલીસ મથકે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાના નેટવર્કની અન્ય કડીઓ શોધવા માટે તપાસ શરૂ કરી છે, જેમાં વધુ કેટલાક શખ્સોની સંડોવણી સામે આવવાની શક્યતા છે.








































