સોનિયા ગાંધી ફરી ચર્ચામાં છે. સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલોંગિંગઃ અ જર્ની આૅફ લવ’ (Belonging: A Journey of Love) પ્રકાશિત થઈ એ સાથે જ ચર્ચામં છે. ૧૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ આ પુસ્તકનું ઔપચારિક રીતે વિમોચન થયું એ પહેલાં જ તેની ચર્ચા ચાલુ થઈ જ ગયેલી પણ પુસ્તક બહાર પડ્યું પછી ખરેખર તેમાં શું લખાયું છે તેની લોકોને ખબર પડી તેથી વ્યક્તિગત અને રાજકીય પ્રત્યાઘાતો આવવા માંડ્યા તેમાં આ પુસ્તક ચર્ચાસ્પદ બની ગયું છે.
સોનિયાએ લગભગ ૧૦ વર્ષમાં આ પુસ્તક લખ્યું છે. ૨૦૧૫માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સોનિયાને આત્મકથા લખવા માટે વિનંતી કરી પછી સોનિયાએ લખવાની શરૂઆત કરી અને ૧૦ વર્ષની મહેનત પછી ૫૪૪ પાનાંનું પુસ્તક લખાયું. સોનિયાએ પુસ્તકમાં અંગત જીવન, રાજકીય સફર તેમજ રાજીવ ગાંધી સાથેની પ્રેમકથા અને દામ્પત્ય જીવન વિશે ભાવુક લાગણીસભર વાતો લખી છે. સોનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ (RSS), ભાજપ તેમજ ૨૦૦૨ના ગુજરાત રમખાણો અને ગોધરાકાંડ અંગેના વિચારો દ્વારા ભાજપ-સંઘની ટીકા કરી છે તો ૧૯૭૫માં લદાયેલી કટોકટી અને ૧૯૮૪માં કોંગ્રેસ શાસનમાં થયેલા સીખોના હત્યાકાંડનો બચાવ પણ કર્યો છે. સોનિયાના આ રાજકીય વિચારોની ટીકા થઈ રહી છે તો બીજી તરફ તેમના અંગત જીવનનાં સંસ્મરણો લોકોને પસંદ પણ આવી રહ્યાં છે.
સોનિયાએ બચ્ચન પરિવારને વખાણ્યો છે.
સોનિયા ગાંધી ૧૯૬૮માં રાજીવ ગાંધીને પરણીને ભારત આવ્યાં ત્યારે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચને કઈ રીતે સોનિયાને પોતાની દીકરી જ હોય એ રીતે રાખ્યાં હતાં તેની હૃદયસ્પર્શી વાતો સોનિયાએ લખી છે. હરિવંશરાયે સહજ વાતોમાં જ સોનિયાને ભારતીય જીવનની વાસ્તવિકતાઓ કઈ રીતે સમજાવેલી ને તેજીએ કઈ રીતે સતત પ્રેમ વરસાવીને પોતાને પરિવારની ખોટ ના સાલવા દીધી તેની વાતો પણ સોનિયાએ કરી છે.
સોનિયાનું પુસ્તક પૂર્વગ્રહોથી ભરેલું છે.
સોનિયાએ દાવો કર્યો છે કે, આ રાજકીય પુસ્તક નથી પણ આ વાત ખોટી છે. આ પુસ્તકમાં કટોકટી બાદની ચૂંટણીમાં હાર, ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો, સંઘની વિચારધારા અંગે પોતાના વિચારો, કટોકટી અને શીખો હત્યાકાંડ સહિતના ઘણા વિષયો એવા છે કે જે સંપૂર્ણપણે રાજકીય છે.
સોનિયાના પુસ્તકમાં ભયંકર પ્રર્વગ્રહો પણ દેખાય છે. કોંગ્રેસે કરી એ લીલા ને બીજાંએ કર્યું એ છિનાળું એવી માનસિકતા ઠેર ઠેર છતી થાય છે. પુસ્તકમાં સોનિયાએ પોતાના રાજકીય હરીફોના શાસનમાં ભ્રષ્ટાચાર થયાનું લખ્યું છે. ભાજપ શાસનમાં દંભ અને જાહેર જીવનનાં મૂલ્યોનું પતન થયું એ વિશે ઘણું લખ્યું છે પણ કોંગ્રેસના સત્તાકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર વિશે મૌન છે. સોનિયાની નજીકના લોકોએ ચલાવેલી લૂંટ, મોટાં કૌભાંડો અને ભ્રષ્ટાચાર વિશે સોનિયા મૌન છે. સોનિયા ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણોની ટીકા કરે છે પણ ૧૯૮૪નાં સીખ વિરોધી રમખાણોની ટીકા કરતાં નથી. નરેન્દ્ર મોદીના શાસનમાં જાહેર જીવનનું સ્તર નીચું ઉતર્યું હોવાની ટીકા કરે છે પણ ઈન્દિરાએ લાદેલી કટોકટીનો બચાવ કરે છે.
આ પૂર્વગ્રહો નથી તો બીજું શું છે ?
સોનિયાએ દરેક મુદ્દે કોંગ્રેસનો ખુલ્લેઆમ બચાવ પણ કર્યો છે તો પછી તેને રાજકીય પુસ્તક કઈ રીતે ના ગણી શકાય ? સાથે સાથે સોનિયાએ સંજય ગાંધીનું નિધન, ઇન્દિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની હત્યા અને પોતાને કેન્સર હોવાનું જાણવા મળ્યું સહિતની અંગત અને પારિવારિક વાતોને પણ આવરી લીધી છે એ જોતાં આ પુસ્તકને સેમી પોલિટિકલ કહી શકાય.
સોનિયાના દેરાણી મેનકા સાથે સંબધો કેવા હતા ?
૧૯૭૩ના અંતમાં સંજય ગાંધી અને મેનકા વચ્ચે મુલાકાત થઈ. એક વર્ષમાં બંનેનાં લગ્ન થઈ ગયાં ત્યારે મેનકા માત્ર ૧૮ વર્ષનાં હતાં. સોનિયાના મતે, એ વખતે મેનકા મળતાવડાં હતાં અને ખૂબ વાતો કરતાં, ફુલ ઓફ એનર્જી હતાં. મેનકાના આગમનથી ઘરનું વાતાવરણ બદલાયું અને તેમને નાની બહેન જેવી દેરાણીનો સાથ મળ્યો. સોનિયા લખ્યું છે કે, ઘણી વાર પોતે ખડખડાટ હસતાં મેનકાનું હાસ્ય સાંભળીને તેમના રૂમમાં પહોંચી જતાં ને વાતોમાં જોડાઈ જતાં. પ્રિયંકા પણ કાકીની ખૂબ જ નજીક હતી અને મેનકાના રૂમમાં કલાકો સુધી બેસી રહેતી.
સોનિયા લખે છે કે, થોડા સમય પછી ઘરમાં નાની-નાની વાતો અંગે ઝગડા શરૂ થયા ને તણાવ વધવા લાગ્યો. તણાવ ઘટાડવા સંજય મેનકાને રાજકીય કાર્યક્રમોમાં લઈ જવ લાગ્યા પછી મેનકા હળવાં થયાં પણ ઝગડાના કારણે મેનકા સાથેના તેમના સંબંધોમાં અંતર આવી ગયું.
સંજય ગાંધીનું ૨૩ જૂન, ૧૯૮૦ના રોજ વિમાન દુર્ઘટનામાં મોત થયું પછી મેનકા કોંગ્રેસમાં હોદ્દો ઈચ્છતાં હતાં પણ ઈન્દિરા તેની વિરૂદ્ધ હતાં. મેનકા તેને અવગણીને રાજકીય કાર્યક્રમોમાં જવા માંડ્યાં પછી ઝગડો વધ્યો. ઇંદિરા ગાંધી સરકારી પ્રવાસે લંડન ગયેલાં ત્યારે મેનકાએ ઘરેથી પોતાનો સામાન બીજે ખસેડાવી દીધો હતો.
લંડનથી પાછાં આવ્યા પછી ઇંદિરા ગાંધીએ મેનકાને રાજકીય પ્રવૃત્તિઓ બંધ કરે, અથવા બીજે રહેવા માટે કહી દીધું.
મેનકાએ જવાબમાં ઇંદિરા ગાંધીને પત્ર લખીને અનેક આક્ષેપો કર્યા. તેના કારણે વિસ્ફોટ થઈ ગયો ને છેવટે મેનકા ઘર છોડીને જતાં રહ્યાં. મેનકા જઈ રહ્યાં હતાં ત્યારે ઇંદિરા ગાંધી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ વખતે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ઘરમાં હાજર નહોતાં છતાં પાછળથી મેનકાએ પોતાને કાઢી મૂકાયાં એ માટે ઇંદિરા, રાજીવ અને સોનિયાને દોષિત ઠેરવ્યાં હતાં.
સોનિયાએ નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં છે.સોનિયાના પુસ્તકમાં મોદી વિશે ઘસાતું લખાયું હોવાના દાવા થયા છે તેથી ભાજપના નેતા સોનિયા પર પ્રહારો કરી રહ્યા છે પણ વાસ્તવમાં સોનિયાએ મોદીનાં વખાણ પણ કર્યાં છે. વાંચીને આશ્ચર્ય થશે પણ સોનિયાએ પોતાનામાં અને મોદીમાં એક સમાનતા હોવાનું પણ લખ્યું છે.
સોનિયાએ મોદીની અને પોતાની વિચારધારા બિલકુલ અલહ હોવાનો સ્વીકાર કરીને મોદીની વિચારધારાની ટીકા કરી છે. મોદીની વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની કટ્ટરવાદને પ્રોત્સાહન આપતી વિચારધારા હોવાનો ઉલ્લેખ કરીને સોનિયાએ લખ્યું છે કે, આ વિચારધારામાં પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બાકીની તમામ બાબતોથી ઉપર છે. મોદીની વિચારધારા ભારત પર વર્ચસ્વ જમાવવાની છે જ્યારે સોનિયાનું ભારત ‘વર્ચસ્વની વિરુધ્ધ’ છે. સોનિયાએ લખ્યું છે કે, મારા ભારતમાં ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાય તથા બધાંને સમાનતા સર્વોપરિ છે.
સોનિયાએ મોદીનાં વખાણ કરીને લખ્યું છે કે, મોદીએ એક વંચિત વર્ગની દુનિયામાંથી બહાર આવીને સત્તા સુધી પહોંચવા માટે ચોક્કસપણે મહેનત કરી છે. સોનિયાએ મોદીની સમાજના કહેવાતા મોટા એટલે કે ભદ્ર વર્ગ સાથે નહીં ભળી શકવાની અસહજતાને પણ સ્વીકારી છે અને આ મામલે મોદી પોતાના જેવા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સોનિયાએ લખ્યું છે કે, મોદીની હાલના સત્તાધારી ભદ્ર વર્ગ પ્રત્યેની અસહજતાને પોતે સમજે છે કેમ કે દિલ્હીના વગદાર લોકોના ડ્રાઇંગ રૂમમાં તેમણે પણ અસહજતા અનુભવાતી હતી. આ વર્ગ દ્વારા થતી રાજકીય ચર્ચાઓ ‘ભારતની વાસ્તવિકતાથી ઘણી દૂર’ લાગતી હતી. મોદી જમીન સાથે જોડાયેલા નેતા છે અને ભારતની વાસ્તવિકતાને સમજે છે એવો સ્વીકાર મોદીનાં વખાણ ના કહેવાય ?
ભાજપના મોટા ભાગના નેતાઓએ સોનિયાનું પુસ્તક વાંચ્યું જ નહીં હોય. મીડિયામાં આવતા રીપોર્ટના આધારે ભાજપના નેતા રીએક્શન્સ આપી રહ્યા છે. તેમણે પુસ્તક વાંચવું જોઈએ, ટીકા કરવા જેવી બાબતોની ટીકા પણ કરવી જોઈએ પણ સોનિયાએ બતાવેલી ખેલદિલીની પ્રસંશા પણ કરવી જોઈએ.
સોનિયાની ભૂમિકા કોણ કરી શકે ?
સોનિયા ગાંધીની આ આત્મકથા પરથી ભવિષ્યમાં એક ફીચર ફિલ્મ એટલે કે બાયોપિક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેલંગાણા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જગ્ગા રેડ્ડીએ સત્તાવાર રીતે આ પ્રોજેક્ટની જાહેરાત કરીને ફિલ્મ નિર્માણ માટે કાર્યકરો પાસેથી આર્થિક સહયોગ માંગ્યો છે. ફિલ્મ નિર્માણ માટે ૫૦ સભ્યોની સમિતિ બનાવવાની દરખાસ્ત પણ તેમણે મૂકી છે.
જગ્ગા રેડ્ડીની અપીલને પગલે કોંગ્રેસ નેતા જુલકાંતિ અંજનેયુલુએ ૨ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી નાંખી. બીજા નેતાઓએ પણ ફંડ આપવા માંડતાં જાહેરાત કરાઈ છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના હાથે શૂટિંગની શરૂઆત કરાવાશે. આ ફિલ્મ સોનિયા ગાંધીના ભારત પ્રવેશથી શરૂ થશે. ગાંધી પરિવારમાં સોનિયા ગાંધીના આગમનથી શરૂ કરીને દેશના ટોચના રાજકીય નેતા બનવા સુધીની સફરને ફિલ્મમાં દર્શાવાશે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા પછીનો મુશ્કેલ સમય, બાળકોના ઉછેર અને રાજકીય જવાબદારીઓ સંભાળી પછીના પડકારોને હાઈલાઈટ કરાશે. સોનિયા ગાંધીએ તક હોવા છતાં બે વાર વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહીં તેને કેન્દ્રમાં રાખીને સોનિયાની ત્યાગમૂર્તિ તરીકેની ઈમેજ બતાવાશે. સવાલ એ છે કે, ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા કોણ કરશે ? અત્યારે તો રામાયણ ફિલ્મમાં મા સીતાની ભૂમિકા કરનારાં સાઈ પલ્લવીનું નામ ચર્ચામાં છે પણ કશું નક્કી નથી કેમ કે ફિલ્મ ખરેખર બનશે કે નહીં એ જ નક્કી નથી. ભૂતકાળમાં પણ સોનિયા ગાંધી પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરાયેલી પણ એ પ્રોજેક્ટ અભરાઈ પર ચડી ગયેલો. પત્રકાર રશીદ કિદવાઈએ લખેલી સોનિયા ગાંધીની જીવનકથા પરથી ૨૦૦૬માં જગમોહન મુંધરાએ ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી. સોનિયા ગાંધીના જીવન પરની આ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા ભજવવા માટે ઈટાલિયન અભિનેત્રી મોનિકા બેલુચીની પસંદગી કરવામાં આવી હતી પણ આ ફિલ્મ કદી બની જ નહીં.આશા રાખીએ કે, આ વખતે એવું ના થાય.
sanjogpurti@gmail.com














































