જ્ઞાનેશ કુમાર રહેશે કે જશે ?
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ સહિતના વિપક્ષો અને કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના આંદોલનના કારણે અત્યારે આ મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનેશ કુમાર લાંબા સમયથી વિવાદોમાં છે અને ભાજપના એજન્ટ તરીકે વર્તતા હોવાના આક્ષેપો લાંબા સમયથી થાય જ છે પણ સામાન્ય લોકોને તેમાં રસ નહોતો પડતો. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે જાણીતા અતિ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે ચૂંટણી પંચમાં મતભેદો અંગે રીપોર્ટ છાપ્યો એ સાથે જ લોકોને જ્ઞાનેશ કુમારમાં રસ પડી ગયો છે.
આ રીપોર્ટને આધારે જ્ઞાનેશ કુમારને હટાવવા માટે વિપક્ષો મેદાનમાં આવ્યા ને ખાસ તો કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ આંદોલન શરૂ કર્યું પછી જ્ઞાનેશ કુમાર છવાઈ ગયા છે. સીજેપીએ નવી દિલ્લીમાં ઉગ્ર દેખાવો પણ કર્યા. સીજેપીમાં જેન-ઝી વધારે છે અને જેન-ઝી સોશિયલ મીડિયા પર એકદમ સક્રિય હોવાથી સોશિયલ મીડિયા પર તો જ્ઞાનેશની જ ચર્ચા છે. સીજેપી ધર્મેન્દ્ર પ્રધાનને મોદી સરકારમાંથી રાજીનામું અપાવવામાં સફળ રહી પછી મીડિયા પણ સીજેપીના આંદોલનોને ગંભીરતા લે છે તેથી મીડિયામાં પણ જ્ઞાનેશની ચર્ચા છે.
વિપક્ષોનું કહેવું છે કે, જ્ઞાનેશે ચૂંટણી પંચને સ્વાયત્ત ના રહેવા દેતાં ભાજપની બી ટીમ બનાવી દીધી છે. ચૂંટણી પંચ ‘મત ચોરી’ના પાપમાં ભાગીદાર બનીને ભાજપને જીતાડવાના કારસામાં ભાગીદાર છે. અંગ્રેજી અખબારે સ્ફોટક રીપોર્ટ આપ્યો છે કે, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેન્દ્ર કુમારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની પ્રક્રિયામાં મનમાની કરી હતી અને બાકીના બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીના વાંધાને ઘોળીને પી ગયા હતા. અલગ અલગ રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ ૧૩ કરોડ મતદારોનાં નામ કમી કરાયાં છે. આ મતદારો ભાજપને મત નહોતા આપતા તેથી તેમનાં નામ કાઢી નંખાયાં એવો વિપક્ષોનો દાવો છે.
બીજી તરફ ધર્મેન્દ્ર પ્રધાનના કિસ્સામાં બનેલું એમ આ કિસ્સામાં પણ ભાજપ જ્ઞાનેશનો બચાવ કરી રહ્યો છે. ભાજપનું કહેવું છે કે, વિપક્ષોને જનસમર્થન નહીં હોવાથી ચૂંટણી જીતી શકતા નથી તેથી પાણીમાંથી પોરા કાઢીને ચૂંટણી પંચ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. બાકી ચૂંટણી પંચે કશું ખોટું કર્યું નથી ને ભાજપને કોઈ ખોટી મદદ પણ કરી નથી.
બંનેમાંથી સાચું કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે પણ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના કારણે ચૂંટણી પંચ ચર્ચામાં આવી ગયું છે તેમાં બેમત નથી.
વિવાદના કેન્દ્રમાં રહેલા જ્ઞાનેશ કુમાર કોણ છે ?
જ્ઞાનેશ કુમાર ૧૯૮૮ની કેરળ કેડરના આઈએએસ અધિકારી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલા કુમારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી IIT, કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. જ્ઞાનેશ કુમારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ્સ ઓફ ઇન્ડિયામાં બિઝનેસ ફાઇનાન્સનો અભ્યાસ પણ કર્યો છે.
કુમારે કારકિર્દીની શરૂઆત એર્નાકુલમમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કરી હતી અને પછી પ્રમોશન મેળવતા ગયા. કેરળ સરકારના જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યુડી)માં સેક્રેટરી રહી ચૂકેલા જ્ઞાનેશ કુમારને કોંગ્રેસ સરકાર દિલ્લી લઈ આવી અને અત્યારે કોંગ્રેસ જ તેમની સામે પડી છે. કેરળના મુખ્યમંત્રી રહી ચૂકેલા એ.કે. એન્ટની ડો. મનમોહનસિંહની સરકારમાં સંરક્ષણ મંત્રી હતા ત્યારે જ્ઞાનેશ કુમારે સંરક્ષણ મંત્રાલયમાં સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. એન્ટનીના માનીતા જ્ઞાનેશે ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.૨૦૧૪માં ભાજપ સરકાર આવી ત્યારે જ્ઞાનેશને સંસદીય બાબતોના મંત્રાલયમાં મૂકી દેવાયેલા. સંસદીય બાબતોના મંત્રાલયમાં તેમણે ભાજપ સાથે ઘરકોબો કેળવ્યો. ખાસ કરીને અમિત શાહ સાથે નિકટતા કેળવી તેમાં અમિત શાહે જ્ઞાનેશને કલમ ૩૭૦ની નાબૂદી માટેના કાયદાનો ડ્રાફ્ટ બનાવવાનું કામ સોંપેલું. આ કામ સારી રીતે કરતાં ખુશ થયેલા અમિત શાહ જાન્યુઆરી ૨૦૨૦માં જ્ઞાનેશને ગૃહ મંત્રાલયમાં લઈ ગયા. ત્યાં જ્ઞાનેશ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ની સ્થાપનાની પ્રક્રિયામાં સામેલ હતા. ૨૦૨૩માં અમિત શાહ તેમને સહકાર મંત્રલાયમાં લઈ ગયા અને નિવૃત્તિ પછી ચૂંટણી કમિશનર બનાવી દીધા. જ્ઞાનેશ કુમાર ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા એ પહેલાં લગભગ ૧ વર્ષ સુધી ચૂંટણી કમિશનર રહેલા અને રાજીવ કુમારની
નિવૃત્તિ પછી તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવાયેલા.
કેરળમાં જ્ઞાનેશ કુમાર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટમાં હતા ત્યારે લી બીન સીન નામના મલેશિયનના આપઘાતના કેસમાં તેમનું નામ આવેલું. જ્ઞાનેશ સામે વિજિલન્સની તપાસ પણ થયેલી પણ કોંગ્રેસી એન્ટનીના માનીતા હોવાથી કશું ના થયું. હવે ૨૦ વર્ષ પછી પોતાને નડ્યા હોવાનું લાગતાં કેરળની કોંગ્રેસ સરાકરે તેમની સામેનો કેસ ફરી ખોલ્યો છે.
કાનૂની રીતે જ્ઞાનેશ કુમારને હટાવી શકાય ?
ભાજપ જ્ઞાનેશની તરફેણમાં હોવાથી કાનૂની રીતે જ્ઞાનેશ કુમારને હટાવી શકાય તેમ નથી. મોદી સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, ૨૦૨૩ની કલમ ૧૬ હેઠળ જ્ઞાનેશ કુમાર સામે સત્તાવાર હોદ્દા પર હોય ત્યાં સુધી કોઈ ફોજદારી કાર્યવાહી કરી શકાય તેમ નથી. આ જોગવાઈ પ્રમાણે, મુખ્ય ચૂંટણી કમિશનર કે કમિશનર સત્તાવાર ફરજો બજાવતી વખતે નિર્ણય લે કે કામ કરે એ બદલ તેમની વિરુધ્ધ કોઈ દીવાની અથવા ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય નહીં. આ જોગવાઈના કારણે સુપ્રીમ કોર્ટ પણ જ્ઞાનેશ કુમારની સામે કેસ કરવાની મંજૂરી ના આપી શકે .
બંધારણની કલમ ૩૨૪ (૫) મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર મહાભિયોગ હેઠળ જ હટાવી શકાય તેથી જ્ઞાનેશ કુમાર સામે ઈમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગની દરખાસ્ત લાવવાનો વિકલ્પ છે પણ વિપક્ષો પાસે બહુમતી નથી તેથી મહાભિયોગ દ્વારા જ્ઞાનેશને હટાવી ના શકાય. મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં ૧૦૦ અને રાજ્યસભામાં ૫૦ સાંસદોના સમર્થનની જરૂર પડે . લોકસભામાં સ્પીકર અને રાજ્યસભામાં ચેરપર્સન પાસે મહાભિયોગની દરખાસ્ત એટલે કે ઇમ્પીચમેન્ટ મોશનને સ્વીકારવી કે નહીં એ નક્કી કરવાની સત્તા છે. બંને ઇમ્પીચમેન્ટ મોશનને સ્વીકારે તો પણ પસાર ના થાય કેમ કે લોકસભામાં ૩૬૨ સાંસદો અને રાજ્યસભામાં ૧૬૪ સાંસદોનું સમર્થન હોવું જોઈએ. વિપક્ષ પાસે સંસદમાં અત્યારે આટલા સભ્યો નથી તેથી જ્ઞાનેશ કુમારને ના હટાવી શકાય.
કાનૂની રીતે જ્ઞાનેશને હટાવવા શક્ય નહીં હોવાથી છેલ્લો રસ્તો જનઆંદોલનનો જ રહે છે અને વિપક્ષો એ જ રસ્તે ચાલી રહ્યા છે.
ચૂંટણી પંચમાં વિવાદો નવા નથી પણ આ વિવાદ અનોખો છે. અત્યાર લગી એવું બનતું કે, ચૂંટણી કમિશનરો સખતી બતાવે તેથી સરકાર સાથે તેમના ટકરાવના કારણે વિખવાદ થતો. આ વખતે સ્થિતી અલગ છે અને વિપક્ષો મુખ્ય ચૂંટણી કમિશનરને સરકારના એજન્ટ ગણાવી રહ્યા છે તેમાં વિવાદ થઈ ગયો છે.
ભૂતકાળમાં ચૂંટણી પંચ ચર્ચામાં આવ્યું હોય એવા બે મોટા વિવાદ પેરી શાસ્ત્રી અને ટી.એન. શેષાનના છે. આર. વી. એસ. પેરી શાસ્ત્રી ૧૯૮૯માં મુખ્ય ચૂંટણી કમિશનર હતા. એ વખતે ચૂંટણી પંચમાં એક જ કમિશનરની નિમણૂક થતી. મૂળ આંધ્ર પ્રદેશના પેરી શાસ્ત્રીને રાજીવ ગાંધીએ જ ચૂંટણી પંચમાં નિમેલા પણ ૧૯૮૯ની લોકસભા ચૂંટણી વખતે રાજીવ ગાંધીએ મતદાનનો સમય લંબાવવા માટે કહ્યું એ વાત પેરી શાસ્ત્રીએ નહોત માની. રાજીવે ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપ્યો, તેથી મોટી સંખ્યામાં નવા મતદારો ઉમેરાયા એટલે મતદાનનો સમય લંબાવવા કહેલું પણ શાસ્ત્રીએ આડોડાઈ કરતાં તેમની સત્તાઓ પર કામ મૂકવા ચૂંટણી પંચમાં એસ. એસ. ધનોઆ અને વી. એસ. સીગલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી દીધી હતી. એકહથ્થુ સત્તાનો અંત આવતાં પેરી શાસ્ત્રી નાખુશ હતા અને મોટો આંતરિક વિવાદ સર્જાયો હતો. બીજા બે ચૂંટણી કમિશનરે રાજીવની ઈચ્છા પ્રમાણે વર્તીને શાસ્ત્રીને નહોર વિનાના વાઘ બનાવી દીધેલા.
ટી. એન. શેષનનો કાર્યકાળ તો વિવાદોથી ભરપૂર હતો. ૧૯૯૦થી ૧૯૯૬ દરમિયાન ચૂંટણી કમિશનર રહેલા શેષાને ચૂંટણી પ્રક્રિયાને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા લીધેલા સખત વલણના કારણે નરસિંહરાવની સરકાર સાથે તેમને ભારે ટકરાવ થયો હતો. કડક નિયમ પાલન માટે જાણીતા ટી. એન. શેષનની સત્તાઓ પર કાપ મૂકવા નરસિંહરાવ સરકારે ચૂંટણી પંચને કાયમી ધોરણે ત્રણ સભ્યોનું બનાવ્યું તેની સામે શેષાને શિંગડાં ભેરવેલાં તેથી વિવાદ થયેલો. સરકારે સુપ્રીમ કોર્ટના આદેશો અને વટહુકમો દ્વારા શેષાનને પછાડ્યા પછી બાકીના કમિશનરો સાથે શેષાનના વિખવાદના કારણે પણ પંચ સતત ચર્ચામાં રહ્યું હતું.
sanjogpurti@gmail.com








































