‘કરું પ્રશંસા કઈ રીતે એ ખાનારાની સાથે’
કેળું રાત્રે તો શું વહેલી સવારે ખાઈ ગયો છું.
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છેઃ એક જે ઘોરતા હોય છે અને બીજા જે એમને જોઈને બળતા હોય છે. હું બીજા પ્રકારમાં આવું છું, કારણ કે હું સમાચારો સાથે સંકળાયેલો છું. પત્રકાર હોવું એટલે મગજમાં ૨૪ કલાક ન્યૂઝ પટ્ટી ચાલતી હોવી. સતત સમાચાર લખ્યા કરવાના અને એનાથી પણ વધુ એને જીવ્યા કરવાના. સામાન્ય માણસ માટે અકસ્માત એ હેડલાઈન છે, પણ અમારા માટે એ એક ‘વળગાળ’ છે. ઘણીવાર કોઈ ઘટના આપણને એવી રીતે વળગી જાય છે કે જાણે એણે આપણા મગજમાં ભાડે ઘર ન રાખ્યું હોય! હું સમાજમાં વળગાળ વિરુધ્ધ જરૂર લખું છું, અંધશ્રધ્ધા નિર્મૂલનના લેખો ફટકારું છું, પણ મારે કોઈને એમ કેમ કહેવું કે મને અમુક ઘટનાઓ જ વળગી જાય છે? અને એના કારણે કલાકો સુધી મારી ઊંઘ હરામ થઈ જાય છે. જ્યારે આખું જગત મધરાતે સપનામાં એન્જલીના જોલી કે ઢોસા-સંભારના સપના જોતું હોય, ત્યારે પત્રકાર ઊંઘવું જરૂરી હોય ત્યારે પણ ઊંઘી શકતો નથી. વર્ષોથી આવું જ બને છે. લોકોને એમ હોય કે પત્રકારો ઘટનાઓ સાથે મજા કરે છે, પણ લાગણીશીલ પત્રકારો અનેક ઘટનાઓથી અંદરખાને ખંડાયા કરે છે, એની બહુ ઓછા લોકોને ખબર હોય છે. આવતીકાલે ચૂંટણીનું પરિણામ આવવાનું હોય (અને એક્ઝિટ પોલ ખોટા પડવાના ડર હોય!), કોર્ટનો કોઈ ઐતિહાસિક ચુકાદો આવવાનો હોય, કે ક્રાઈમની કોઈ તડાફડી બોલી જાય એવી ઘટના બની ગઈ હોય… આ તમામ ઘટનાઓના સ્પંદનો મને ઊંઘવા દેતા નથી. મગજમાં એનાલિસિસના એવા ઘોડા દોડે કે ઊંઘ બિચારી ઘોડા નીચે ચગદાઈ જાય!
આ સ્થિતિમાં માણસ શું કરે? મેં વર્ષો સુધી એક આઈડિયા અજમાવ્યો હતો. જો કે, હું ના ઊંઘવાની કોઈ સીધી દવા (Sleeping Pills) ક્યારેય લેતો નથી, કારણ કે એમાં તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ અને પત્રકારને પ્રિસ્ક્રિપ્શન લેવા જવાનો ટાઈમ ક્યાં હોય? એટલે મેં દેશી જુગાડ કર્યો હતોઃ ઊંઘ ના આવે તો પેરાસીટામોલની બે થી ત્રણ ગોળી ફાકી જવાની. આમ તો આ ગોળી તાવ માટે છે, પણ પત્રકારના મગજનો તાવ ઉતારવા માટે પણ એ સડસડાટ ઊંઘ લાવી દેતી. પણ સાહેબ, મનમાં પેલો ડર તો રહે જ કે પેરાસીટામોલ કિડનીને નુકસાન કરે છે. મનમાં એ વાત જરૂર હોય કે હું જે દવા ઊંઘ માટે અપનાવી રહ્યો છું તે અલ્ટીમેટલી નુકસાનકારક છે. ક્યારેક વળી પ્રિગાબાલીન દવાનો ઓવરડોઝ પણ કામ આવે છે એનો પણ મને અનુભવ છે. અને જ્યારે પ્રિગાબાલીન ખૂટી જાય ત્યારે એના વિકલ્પે ગાબાપેન્ટિંન પણ કામ કરે છે. આ બધું વાંચીને તમને લાગશે કે હું પત્રકાર છું કે ફાર્માસિસ્ટ? પણ સાચું કહું તો, સમાચારની દુનિયામાં ટકી રહેવા માટે અમે શરીરને કેમિકલની ફેક્ટરી બનાવી દીધું હતું. પણ હમણાં હમણાં છેલ્લા કેટલાક સમયથી મને કુદરતનું એક નવું રહસ્ય જાણવા મળ્યું. આ રહસ્ય શોધવામાં મારા પરમ મિત્ર અને માર્ગદર્શક બુબૂનો મોટો હાથ છે. બન્યું એવું કે, મોડી રાત્રે ખાવાનું કંઈ બચ્યું નહોતું. ભૂખ અને ઊંઘ વચ્ચે યુધ્ધ ચાલતું હતું. રસોડામાં તપાસ કરી તો આપણી વાડીના બગીચાના કેળાં હાજર હતા. અને બુબૂ, તને ખૂબ ભાવતા પોપૈયા પણ ત્યાં હાજર હજૂર જ હતા. મેં વિચાર્યું કે ગોળીઓ ગળવા કરતા આ કુદરતી લાકડીઓ (કેળા) કેમ ન અજમાવાય?
મેં પ્રયોગ કર્યો. ત્રણ કેળાનો ડોઝ લીધો અને ચમત્કાર! મને એવી ઊંઘ આવી ગઈ કે જાણે હું કુંભકર્ણનો પિતરાઈ ભાઈ ન હોઉં! આજે સવારે જાગીને તરત જ નાસ્તો બનાવવાની મને આળસ ચડી (જે પત્રકારોનો જન્મસિધ્ધ અધિકાર છે). એટલે ફરીથી ત્રણ કેળા ઝાપટી ગયો. આરામ માટે ખાટલામાં પડવાનું મન થયું અને અરેરે… જબરદસ્ત ઊંઘ આવી ગઈ! બે-ત્રણ સપનાઓ પણ હાઈ-ડેફિનેશન (HD) માં રિલીઝ થઈ ગયા. સપના જોવાની એવી મજા પડી ગઈ કે મને થયું, આ તો ઓસ્કાર વિજેતા ફિલ્મ જેવો અનુભવ છે! બુબૂ, મેં તો ઊંઘવાની ઓર્ગેનિક દવા શોધી કાઢી છે! આ કોઈ કેમિકલ નથી, આ તો પ્રકૃતિનું વરદાન છે. આનાથી શરીરને કોઈ નુકસાન કે આડઅસર થતી નથી. ઉલટું, મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે કેળામાંથી ઇન્સ્યુલિન પ્રગટ થાય છે! હા, ભલે આ વાત મેડિકલ બુકમાં ન હોય, પણ મારા અનુભવની લેબોરેટરીમાં તો આ સત્ય છે. ઉપરાંત, વિટામિન બી-સિક્સ (B6) પણ કેળામાં હાજરાહજૂર હોય છે.
આનો સીધો મતલબ એ થયો કે જે લોકો પર ‘ડાયાબીટેશ્વર મહાદેવ’ ના તાંડવની અસર સતત રહેતી હોય, એટલે કે જેમના લોહીમાં ખાંડના ઉછાળા આવતા હોય, એવા લોકોને પણ કેળા ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. કેળા તો ઇન્સ્યુલિનનું કારખાનું છે, એટલે ડાયાબિટીસવાળા પણ હવે નિફિક્ર થઈને કેળાવાદી બની શકે છે! ચાલો બબુડા નાથ! હવે સમય પાકી ગયો છે. વિશાળ જનહિતાર્થે મહાન લેખક અને વૈજ્ઞાનિક પત્રકાર નારન બારૈયાની આ શોધને વિશ્વ સમક્ષ રજૂ કરો. હવે ઊંઘવાની મોંઘીદાટ દવાઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓને ભલે કરોડોની ખોટ જાય, આપણે તો સમાજને ‘કેળાવાદી’ બનાવી મૂકવો છે. જે લોકો ફક્ત ઊંઘવા માટે જ દારૂના પેગ ભરે છે, જેમના સોફા નીચે ખાલી બોટલોનો ખડકલો છે, એવા શોખીન લોકોને પણ કેળાવાદની ફિલોસોફી સમજાવો. ભલા માણસ, દારૂ પીને લથડિયાં ખાવા કરતાં ત્રણ કેળા ખાઈને સપનામાં લથડિયાં ખાવા શું ખોટા છે? ઊંઘની દવાની જરૂર અત્યારે વિશ્વમાં ઠેર-ઠેર છે. વોશિંગ્ટનથી લઈને વડોદરા સુધી અને લંડનથી લઈને લાઠી સુધી. આ દવાને સર્વસુલભ બનાવી મૂકો.
આપણે એવો કેળાવાદી સમાજ બનાવવો છે જ્યાંઃ ઊંઘ દવાવાદી ડોક્ટરોની ડિગ્રીઓ શોભાના ગાંઠિયા જેવી બની જાય.
ફાર્મા કંપનીઓના ધંધાઓનું વિસર્જન થાય.
લોકો મેડિકલ સ્ટોરના બદલે રેકડીવાળા પાસે લાઈન લગાવે.
અંતિમ અપીલઃ
આજથી ડોક્ટરોના અઘરા અક્ષરોવાળા પ્રિસ્ક્રિપ્શન લઈને ફાર્માસિસ્ટો કે મેડિકલ સ્ટોરો સુધી ધક્કા ખાવાની જરૂર નથી. બસ, તમારી વાડીમાં કે તમારા બગીચામાં જ કેળના ઝાડ ફટાકારો. અને જો વાડી ન હોય, તો મેડિકલ સ્ટોરને બદલે પેલી રેકડી ઉપર ગોઠવાયેલો ફળફળાદીનો સ્ટોર શોધી લો. એ ગરીબ રેકડીવાળાને બે પૈસાનો ધંધો કરાવો અને તમે શાંતિની ઊંઘ માણો.
યાદ રાખજો, કેમિકલની ગોળી કિડની તોડશે, પણ કેળાની લારી ઊંઘ જોડશે! બોલો, શ્રી કેળેશ્વર મહાદેવની જય!
જય હો કેળાવાદ!








































