નિતેશ તિવારી દિગ્દર્શિત અને નમિત મલ્હોત્રા નિર્મિત ‘રામાયણ’ જોઈને એટલું તો કહેવું પડે કે પૈસા પડદા પર બોલે છે. હોલીવુડ સ્ટાઇલના જોરદાર ફહ્લઠ અને દમદાર સિનેમેટોગ્રાફીએ આખી ફિલ્મને એવી ભવ્ય બનાવી છે કે આંખો પલકારો મારવાનું ભૂલી જાય. સંગીતની વાત કરીએ તો ગીતોના શબ્દો ઉત્તમ છે, પણ ઓસ્કર વિજેતા સંગીતકારો એ. આર. રહેમાન અને હાન્સ ઝીમરની જોડી પાસેથી જે અપેક્ષા હતી તે એકાદ ગીત સિવાય પૂરી થતી નથી. ગીતો ફોર્મ્યુલા જેવાં અને નીરસ લાગે છે, એટલે થિયેટરની બહાર નીકળ્યા પછી કોઈ ગીત હોઠે ચડતું નથી. હા, બેકગ્રાઉન્ડ સ્કોર જરૂર સારો છે અને દ્રશ્યોની ગંભીરતા સાચવી રાખે છે.
ફિલ્મની સૌથી મોટી ખામી સંવાદોમાં છે. પૌરાણિક અને સંસ્કૃતનિષ્ઠ વાતાવરણ ઊભું કર્યા પછી રાક્ષસો પ્રભુ રામ (રણબીર કપૂર) સામે ઊભા રહીને ‘પહેલે તેરી પત્ની કો કિડનેપ હોતા હુઆ દેખ…’ બોલે, ત્યારે લાગે કે લંકામાં કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખૂલી ગઈ છે. એવી જ રીતે માતા સીતા (સાઈ પલ્લવી) રામના વિરહમાં ‘તુમ્હારે બીના મેરે જીવન મેં કોઈ નૂર નહીં’ કહે છે. અયોધ્યા અને જનકપુરીના સનાતન તેજની વચ્ચે ઉર્દૂ-અરબી મૂળનો ‘નૂર’ શબ્દ સાંભળીને કાન પણ પૂછે કે આ શબ્દ અહીં વિઝા વગર કેવી રીતે આવી ગયો. આવા આધુનિક બોલચાલના શબ્દો ફિલ્મના શાસ્ત્રીય વાતાવરણની ગંભીરતા નબળી પાડે છે.
અભિનયમાં રણબીર કપૂરે પ્રભુ રામના પાત્રમાં રાબેતા મુજબ સરસ કામ કર્યું છે અને પાત્રની સૌમ્યતા તથા ગરિમા સુંદર રીતે જાળવી છે. પરંતુ આ વખતે રાવણ એક ડગલું આગળ નીકળી જાય છે. ટીવી સિરિયલમાં અરવિંદ ત્રિવેદીનો રાવણ કે ‘આદિપુરુષ’માં સૈફ અલી ખાનનો રાવણ આપણે જોયો છે, પણ યશે ભજવેલો રાવણ અત્યાર સુધીનો સૌથી પ્રભાવશાળી અને આકર્ષક રાવણ સાબિત થાય છે. વાર્તા રાવણના બાળપણથી શરૂ થતી હોવાથી દર્શકો સહજતાથી સમજી શકે છે કે એક પરમ જ્ઞાની પંડિતને રાવણ કેમ બનવું પડ્યું. સ્ક્રિપ્ટમાં તેની અનેક સારી બાજુઓ બતાવાઈ છે અને બ્રહ્માજી તથા શિવજી બંનેના વરદાનનો ઉલ્લેખ વાર્તાને મજબૂત પીઠિકા આપે છે.
ફિલ્મની બીજી મોટી તાકાત નારી ગૌરવ છે. સાઈ પલ્લવીએ સીતાના પાત્રમાં અદભુત અભિનય કર્યો છે. અહીં સીતાજી રડતી-કકળતી ‘અબળા’ નથી, પણ આત્મવિશ્વાસ અને સન્માનથી છલકતી સશક્ત નારી છે. રાવણની માતા કૈકસીના પાત્રમાં જાણીતાં અભિનેત્રી શોભનાએ પણ ગરિમા અને મક્કમતાથી ભરપૂર અભિનય કર્યો છે. રામાયણ પરની અગાઉની ફિલ્મો કરતાં આ ફિલ્મમાં નારી ગૌરવ સર્વોચ્ચ સ્તરે દેખાય છે. આ ગરિમા શૂર્પણખાના પાત્રમાં પણ જોવા મળે છે, જેને માત્ર ક્રૂર રાક્ષસી તરીકે નહીં, પણ ગરિમાપૂર્ણ સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.
ટેકનોલોજીની વાત કરીએ તો રાવણ સીતાજીનું અપહરણ કરવા જે વિમાન વાપરે છે તે જોતા રહી જઈએ તેવું છે. વિમાન જોઈને એ જમાનાની ટેકનોલોજી ગળે ઉતરે તેવી લાગે છે. રાવણનું એવિએશન એન્જિનિયરિંગ અને કુટીર બાબતમાં રામ અને સીતાનું સિવિલ એન્જિનિયરિંગ પણ ખૂબ રસપ્રદ છે. કેટલાક ભાષાકીય લોચા બાદ કરીએ તો આખેઆખી ફિલ્મ રસપ્રદ છે. મજબૂત અભિનય અને અદભુત ટેકનોલોજીના કારણે આ એક શાનદાર ફિલ્મ છે, જે થિયેટરમાં જ માણવા જેવી છે.
naranbaraiya277@gmail.com












































