માણસ જન્મે ત્યારથી જ સુખની શોધમાં ફાંફા મારતો હોય છે, પણ કાઠિયાવાડના કણ કણમાં એક અનોખી ફિલોસોફી વણાયેલી છે-ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણો હાથ ઉપર જ રહેવો જોઈએ! થોડીવાર પહેલાં હું જમી-કારવીને પલંગમાં આડો પડ્યો, ત્યાં જ અચાનક મારી જમણી આંખે ‘ચક્ષુ-તાંડવ’ શરૂ કર્યું, એટલે કે આંખ ફરકવા માંડી. સામાન્ય માણસ હોત તો કદાચ ડાક્ટર પાસે દોડત, પણ આપણા લોહીમાં તો પરંપરા અને સ્માર્ટનેસ વણાયેલાં છે. જમણી આંખ ફરકી એટલે જૂની ટ્રેડિશનલ માન્યતા મુજબ સીધો ધન લાભ જ દેખાય! મનમાં થયું કે આજે તો કુબેરજી ઓનલાઈન ટ્રાન્સફર કરવાના મૂડમાં લાગે છે અને દિવસ એકદમ મજાનો જવાનો છે. આ ઘટનાએ મને સાયકોલોજીના એક બહુ મોટા નિયમ ‘ઓપ્ટિમિઝમ બાયસ’ની યાદ અપાવી દીધી, જેમાં માણસ હંમેશાં પોતાની તરફેણમાં જ વિચારે છે. જો ભૂલેચૂકે ડાબી આંખ ફરકી હોત, તો આપણે તરત જ વિજ્ઞાનની ઢાલ આડી ધરી દીધી હોત કે, ‘આ તો ભાઈ અપૂરતી ઊંઘ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ અને આંખના સ્નાયુઓનું ખેંચાવું છે, બાકી શુકન-અપશુકન જેવું કંઈ હોતું નથી!’ આને જ કહેવાય વિજ્ઞાન અને વેદાંતનો પરમ સુમેળ, જેમાં ગમે તે આંખ ફરકે, આપણા બંને હાથમાં લાડુ જ રહેવાના!
આ અદ્ભુત ફિલોસોફી મને સીધી કુરુક્ષેત્રના મેદાનમાં લઈ ગઈ, જ્યાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ધર્મસંકટમાંથી ઉગારવા માટે ગીતાજીનું જ્ઞાન આપતાં કહ્યું હતું કે, હે અર્જુન! જો તું યુધ્ધમાં હણાઈશ તો તને સ્વર્ગનું રાજ મળશે અને જો તું જીતીશ તો પૃથ્વી ભોગવીશ, એટલે કે તારા બંને હાથમાં લાડુ છે. બસ, આપણે પણ ડાબી અને જમણી આંખ વચ્ચે એવી જ ગોઠવણ કરી લીધી છે. જમણી આંખ ફરકે તો જ્યોતિષ સાચું અને ધન લાભ પાકો, અને જો ડાબી ફરકે તો મેડિકલ સાયન્સ સાચું! મોજ એવી છે કે જો જ્યોતિન્દ્ર દવે કે વિનોદ ભટ્ટ જેવા હાસ્યસમ્રાટો આજે આપણી વચ્ચે હોત, તો એ આના પરથી નવો સિધ્ધાંત આપત કે જો આંખ ફરકવાથી જ લક્ષ્મીજી પ્રસન્ન થતા હોત, તો શેરબજારના દલાલો રાત્રે સૂતી વખતે આંખમાં તીખું મરચું નાખીને સૂતા હોત જેથી આખી રાત ચક્ષુ-નૃત્ય ચાલુ રહે અને સવારે કરોડો રૂપિયાનો ફાયદો થઈ જાય! પત્નીઓની દ્રષ્ટિએ વળી આનો આખો પ્રોટોકોલ અલગ જ હોય છે. પુરુષ જમણી આંખ ફરકાવીને રાજી થાય, પણ જો પત્નીની નજર પડી જાય કે પતિદેવ વારંવાર આંખ પટપટાવે છે, તો ધન લાભના બદલે સીધો ‘વેલણ લાભ’ થવાની પૂરેપૂરી સંભાવના ઊભી થઈ જાય છે, કારણ કે સ્ત્રીઓ માટે વળી ડાબી આંખ શુભ ગણાય છે!
આ ચક્ષુ-પુરાણે મને પ્રાથમિક શાળાના એ ભોળા દિવસોની સ્મૃતિઓમાં પણ લાવીને મૂકી દીધો. સ્કૂલમાં પાછલી પાટલીએ બેસીને અમે ભાઈબંધો આવી માન્યતાઓની ભારે ચર્ચા કરતા. કોઈ ભાઈબંધ ગર્વથી કહેતો કે ‘આજે મારી જમણી આંખ ફરકે છે, નક્કી બાપા સાંજે પિપરમિંટ અપાવશે!’ અને જો કોઈની ડાબી આંખ ફરકી હોય તો બિચારો આખો દિવસ ક્લાસમાં ફફડતો ફરે કે આજે સાહેબ લેસન ન કરવા બદલ ફૂટપટ્ટીના શુકન કરાવશે. અમારા હાઈસ્કૂલના જમાનામાં બોલિવૂડની ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મનું પેલું સુપરહિટ ગીત બહુ વાગતુંઃ “કુછ આજ હોને વાલા હૈ, મેરી આંખ ફડકતી હૈ… કોઈ જન્નત કી વો હૂર નહીં, મેરે કોલેજ કી એક લડકી હૈ…” એ સમયે અજય દેવગનની જેમ બે બાઈક પર પગ રાખીને સ્ટંટ કરવાના કોડ જાગતા. પરંતુ, હવે સમયનું ચક્ર એવું ફર્યું છે કે આપણે યુવાની વટાવીને બુઢાપા તરફ ગતિ કરી રહ્યા છીએ. માથાના વાળમાં ધોળા કંકુ છંટાઈ ગયા છે, એટલે હવે જો કોઈ કોલેજની લડકી સામે જુએ તો ‘કાકા’ કહીને નમસ્કાર જ કરે! તેથી જ હવે જો આંખ ફરકે, તો કોઈ કોલેજની છોકરીની આશા રાખવાને બદલે જન્નતની હૂર જ ડાયરેક્ટ સુગર-ફ્રી લાડુ લઈને આવે તો નસીબદાર ગણાઈએ, બાકી કોલેજવાળી વાતમાં હવે દમ રહ્યો નથી.
આંખ ફરકવાનો આવો જ એક ક્લાસિક અને રમુજી કિસ્સો આપણને સુપરહિટ ફિલ્મ ‘હેરા ફેરી’માં જોવા મળે છે, જ્યાં બાબુરાવ આપ્ટે (પરેશ રાવલ) ને જ્યારે લોટરી કે કરોડો રૂપિયાની વાત સાંભળવા મળે છે ત્યારે તેની આંખ અચાનક ફરકવા માંડે છે. પછી તો રાજુ અને શ્યામ સાથે મળીને જે ધમાલ મચાવે છે, તે આખી ફિલ્મ જ આંખ ફરકવા અને ‘ધન લાભ’ના એ રોંગ નંબરવાળા કનેક્શન પર આધારિત છે. જૂની સાયલન્ટ અને ચાર્લી ચેપ્લિન સ્ટાઈલની ફિલ્મોમાં પણ આવું બહુ થતું, જ્યાં બિચારો હીરો આંખના સ્નાયુ ખેંચાવાના લીધે આંખ પટપટાવતો હોય અને આજુબાજુવાળા એને ‘લાઈન મારે છે’ એમ સમજીને બરાબરનો ધોઈ નાખતા! આપણી સંસ્કૃતિના મહાકાવ્ય રામાયણમાં પણ આનો ઉલ્લેખ છે, જ્યાં પ્રભુ શ્રી રામ જ્યારે લંકા તરફ ચઢાઈ કરે છે ત્યારે સીતાજીની ડાબી આંખ ફરકે છે જે સ્ત્રી માટે વિજય અને શુભ સંકેત છે, જ્યારે રાવણની ડાબી આંખ ફરકે છે જે પુરુષ માટે વિનાશનું પ્રતીક છે. આ બધી વાતો વચ્ચે સરવાળે એટલું જ સમજાય છે કે મોજમાં રહેવું! હવે બગીચાનું કામકાજ પતાવી, મસ્ત જમી-કરીને આરામથી ઊંઘી જવું છે, કારણ કે આંખ ભલે ગમે તે સંકેત આપે, બપોરની મીઠી ઊંઘથી મોટો બીજો કોઈ ધન લાભ આ દુનિયામાં નથી!










































