અપ્પુ નામનો એક નટખટ હાથી. તેને રમવું, કૂદવું અને જાતજાતની મીઠાઈઓ ખાવી બહુ ગમતી. એમાંય જો એને લાડુ મળી જાય તો એ રાજીના રેડ થઈ જતો. લાડુ તો એને બહુ જ ભાવે!
એક દિવસ જંગલમાં મીઠાઈનો મેળો ભરાયો. રીંછકાકાએ એક મોટ્ટો, ગોળમટોળ અને મીઠો લાડુ બનાવ્યો. લાડુ એટલો મોટો અને મસ્ત હતો કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય!
અપ્પુએ લાડુ જોયો અને તેની આંખો ચમકી ઊઠી. “વાહ! આવો લાડુ તો મેં ક્યારેય જોયોય નથી કે ક્યારેય ખાધોય
નથી! આજે તો આ મોટ્ટો મોટ્ટો લાડુ ખાવાની મજા પડી જશે!” અપ્પુ બોલ્યો.
રીંછકાકાએ હસીને કહ્યું, “ભાઈ અપ્પુ, આ લાડુ તારા માટે જ છે. પણ જરા ધીમેધીમે ખાજે હોં!”
ઝટપટ લાડુ લઈને અપ્પુ એક ઝાડ નીચે બેઠો. તેણે લાડુ સૂંઢમાં પકડ્યો અને મોઢું ખોલ્યું. – “હમ્મ… આ લાડુ કેટલો
સરસ હશે! ચાલ હવે ખાઈ જ લઉં!”
એટલામાં અચાનક તેની સૂંઢમાં સળવળ થઈ. અને જોરદાર છીંક આવી. “આ… આ… આ… છીંક!” એની છીંકથી આખુંય જંગલ ધણધણી ઊઠ્યું. એની છીંકથી લાડુ ઉછડ્યો અને સીધો તેની લાંબી સૂંઢ પર જઈને ચોંટી ગયો!
“અરે બાપ રે! આ શું થયું?”
અપ્પુએ સૂંઢ હલાવી, પણ લાડુ સૂંઢ પરથી ન હલ્યો કે ન પડ્યો!
તેણે માથું હલાવ્યું, પણ લાડુ સૂંઢ પરથી ન હલ્યો કે ન પડ્યો!
અપ્પુ ગોળ ગોળ ફર્યો, પણ લાડુ સૂંઢ પરથી ન હલ્યો કે ન પડ્યો!
લાડુ તો હજુય સૂંઢ પર જ હતો!
“અરે કોઈ તો મને બચાવો! જુઓ તો ખરા, આ મારો લાડુ મારી સૂંઢ પર ઘર બનાવીને બેસી ગયો છે!”
આ જોઈને ઝાડ પર બેઠેલો ટપ્પુ વાંદરો ખડખડાટ હસવા લાગ્યો.
“હા… હા… હા! અપ્પુભાઈ, હવે તમારી સૂંઢ લાડુવાળી સૂંઢ બની ગઈ!”
અપ્પુ બોલ્યો, “ટપ્પુ, તું હસવાનું બંધ કર! પહેલાં આ લાડુ સૂંઢ પરથી ઉતારવામાં મારી મદદ કર!”
ટપ્પુ ઝાડ પરથી કૂદ્યો. તેણે લાડુ ખેંચ્યો. પણ અરે! લાડુ તો વધુ જોરથી ચોંટી ગયો!
પછી ચકુ ચકલી આવી. તેણે પોતાની નાની ચાંચથી લાડુને ટકોરો માર્યો.
“ટક! ટક! ટક!”
પણ લાડુ જરાય ન હલ્યો કે ખસ્યો. ટપ્પુ બોલ્યો, “અપ્પુભાઈ, એક કામ કરો. તમે જોરથી છીંક ખાઓ!”
અપ્પુએ નાક ખેંચ્યું.
“આ… આ… આ…”
બધાં મિત્રો બોલ્યાં, “છીંક! છીંક! જલદી છીંક!”
“આચ્છૂઊઊ!”
અપ્પુએ એવી જોરદાર છીંક ખાધી કે લાડુ હવામાં ઊછળ્યો!
લાડુ ગોળ ગોળ ફરતો નીચે આવ્યો અને સીધો ટપ્પુના માથા પર પડ્યો.
“ધબ્બ!”
ટપ્પુના માથા પર લાડુની ટોપી બની ગઈ!
ચકુ ચકલી હસતાં હસતાં બોલી, “વાહ ટપ્પુ! હવે તું વાંદરો નહીં, પણ લાડુરાજા લાગે છે! ચાલ હવે જલદી લાડુ નીચે ઉતાર!”
બધાં મિત્રો ખડખડાટ હસવા લાગ્યાં.
ટપ્પુએ લાડુ ઉતાર્યો.
અપ્પુએ લાડુના નાના નાના ટુકડા કર્યા. બધાં મિત્રોએ સાથે મળીને લાડુ ખાધો.
ટપ્પુ બોલ્યો, “અપ્પુભાઈ, કાલે ફરી પાછા મોટ્ટો મોટ્ટો લાડુ લાવજો હોં!”
અપ્પુ તરત બોલ્યો, “જરૂર લાવીશ હોં! પણ આ વખતે લાડુ સૂંઢ પર નહીં, પણ માથા પર રાખીશ!”
ફરી બધાં હસી પડ્યાં અને આનંદથી નાચવા લાગ્યાં.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭







































