દિવાળી પર્વમાં ઘરે આવનારા મહેમાનો માટે નાસ્તાની ખરીદીની ચિંતા સાથે એ આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત હશે કે નહીં..તેની ચિંતા રહે છે. જો આટલા મોંઘા નાસ્તા ખરીદ્યા પછી પણ એનો સ્વાદ, ગુણવત્તા કે વાસી હોય તો આરોગ્યને હાનિ પહોંચાડે છે, ક્યારેક જીવલેણ પણ નિવડે છે. ત્યારે ગુણવત્તાયુક્ત સામગ્રી લાવી, તમારા હાથે જ તાજા અને ટેસ્ટફુલ નાસ્તા બનાવી મહેમાનોનું મોં તીખું કરાવી સંબંધની ગરિમા જાળવો.
ક્રિસ્પી ઘઉં રોલ
– સામગ્રીઃ ઘઉંનો લોટ-૨ કપ, રવો-૪ ચમચી, મીઠું સ્વાદાનુસાર, અધકચરા વાટેલાં લાલ મરચાં-૨ ચમચી કે ચિલી ફ્લેક્સ, તેલ-મોણ માટે-૪ ચમચી, કોથમીર સમારેલી-૪ ચમચી, ટોમેટો કેચઅપ, લીલી ચટણી.
– પૂરણ માટેઃ બાફેલા બટાકા-૪ નંગ,લીલાં મરચાં-૪ નંગ, મરચું પાવડર-૨ ચમચી, ગરમ મસાલો-૧ ચમચી, શેકેલું જીરું પાવડર-૧ ચમચી, ચાટ મસાલો-૧ ચમચી.
– રીતઃ (૧) ઘઉંના લોટમાં ઉપરની બધી વસ્તુ ભેળવી દો. (૨) આ લોટમાંથી ૫-૭ ચમચી લોટને એક વાટકીમાં એક બાજુએ કાઢી રાખો. (૩) લોટના મિશ્રણમાં થોડું-થોડું પાણી ઉમેરતાં જઇ તેનો કઠણ લોટ બાંધો. બાંધેલા આ લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. (૪) બાફેલા બટાકાને છીણી લો કે બારીક છૂંદો કરી તેમાં લીલાં મરચાં, કોથમીર અને બાકીના મસાલા ભેળવી દો. પણ મીઠું થોડું જ નાખો. ચાટ મસાલામાં પણ મીઠું હોય છે. એટલે વધુ ખારું ના થઇ જાય તે જોવું. (૫) બાંધેલા લોટમાં ફરીથી ૧ ચમચી તેલનું મોણ દઈ લોટને કૂણી લો. એમાંથી મોટો લૂવો લઈ તેનો જાડો રોટલો વણી લો. ચમચી વડે પૂરણ લઇ એ રોટલા પર ચારેકોર ફેલાવી એક લેયર બનાવી લો. તેના પર ટોમેટો કેચઅપ અને લીલી ચટણીને પણ ફેલાવીને લગાવી દો. (૬) હવે રોટલાનો રોલ વાળી સહેજ દબાવીને ચપટો બનાવી દો.આ રોલના ચપ્પુથી કટકા કરી લો. દરેક કટકાને હાથમાં લઈ ચપટો કરી લો,જેથી ફ્રાય કરતી વખતે કાચો ન રહી જાય. (૭) શરૂમાં બાજુ પર કાઢેલા ૫-૭ ચમચી લોટમાં પાણી ઉમેરીને પાતળું ખીરું બનાવો. આ ખીરામાં થોડી હળદર નાખો. (૮) એક ફ્રાઈ પેનમાં તેલને ગરમ કરવા માટે મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે એક-એક રોલને ચમચીમાં લઈ ખીરામાં બરાબર ડૂબાડી, નિતારીને ફ્રાઈપેનમાં ગોઠવી દો. રોલ એકબાજુ સોનેરી રંગના થાય એટલે ફેરવીને બીજી બાજુ પણ ગેસની ધીમી આંચે સોનેરી થાય ત્યાં સુધી તળો. (૯) આ રોલને ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે પીરસો, બહુ ટેસ્ટી લાગશે.
જામનગરી ઘુઘરા
– સામગ્રીઃ મેંદો-૩ કપ, મીઠું-સ્વાદાનુસાર, તેલ-૨ ચમચી (મોણ માટે), તેલ-ઘૂઘરા તળવા
– ગાર્નિશ માટેઃ ચણાના લોટની ઝીણી નાયલોન સેવ, કોથમીર સમારેલી, મસાલા શિંગદાણા, ડુંગળી-૧ નંગ ઝીણી સમારેલી.
– પુરણ માટેઃ બાફેલા બટાકા ૮-૯, બાફેલા લીલા વટાણા-દોઢ કપ, આદુ-મરચાં પેસ્ટ-૧ ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ધાણાજીરૂ-૧ ચમચી, લાલ મરચું પાવડર-૧ ચમચી, ગરમ મસાલો-૨ ચમચી, આમચૂર પાવડર (કે લીંબુનો રસ)-અર્ધી ચમચી, કોથમીર સમારેલી-૩ ચમચી.
– ચટણી માટેઃઆમલી-અર્ધી ચમચી,ગોળ ઝીણો સમારેલા કપ,કોર્નફ્લોર-૧ ચમચી,મરચું પાવડર-૧ ચમચી,મીઠું સ્વાદ મુજબ
– લીલી ચટણી માટેઃતીખાં લીલાં મરચાં-૨ નંગ,આદુનો ટુકડો-૧ ઈંચ,સ્વાદ પ્રમાણે મીઠું,લીંબુનો રસ-૧ ચમચી, શીંગદાણા-૨ ચમચી.
– લસણની ચટણી માટેઃ લાલ સૂકાં મરચાં, લસણની કળી-૮-૧૦ નંગ,કાશ્મીરી લાલ
મરચું-૧ ચમચી,સ્વાદ પ્રમાણે મીઠું.
– રીતઃ (૧) મેંદામાં તેલનું મોણ નાખ્યા બાદ થોડો લોટ મુઠ્ઠીમાં લઈ વાળી જુઓ. જો લોટ મુઠ્ઠીમાં થોડો બંધાય તેવો થાય એટલે તેમાં થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી લો.(૨) ૧૫ મિનિટ માટે લોટને ઢાંકીને મૂકી રાખો.(૩) પુરણ તૈયાર કરવા માટે બાફેલાં બટાકાને અધકચરા મેશ કરી લો.તેમાં બાફેલાં વટાણા, આદુ-મરચાંની પેસ્ટ, ધાણાજીરૂ, મરચું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું, સમારેલી કોથમીર ભેળવી પુરણ તૈયાર કરો.
– ગળી ચટણીઃ આમલીને થોડીવાર ગરમ પાણીમાં પલાળી રાખો. આમલી નરમ થાય એટલે હાથથી મેશ કરી લો અને ચાળણીમાં ગાળી લો. ત્યારબાદ તેમાં ગોળ, મરચું પાવડર, કોર્નફ્લોર, મીઠું અને થોડું પાણી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો. થોડીવાર ઉકળીને ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરી ઉતારી લો.
– લીલી ચટણીઃ મિક્સીમાં મરચાં, આદુનો ટુકડો, મીઠું, લીંબુનો રસ, શીંગદાણા અને થોડું પાણી ઉમેરી ચટણી પીસી લો.
– લસણની ચટણીઃ લાલ સૂકાં મરચાં, લસણની કળી, કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું અને થોડું પાણી ભેળવી મિક્સીમાં ચટણી પીસી લો.
– ઘુઘરા બનાવવા માટેનો લોટ ફરીથી કુણી લો. પછી તેમાંથી મીડિયમ સાઈઝનો લૂવો લઈ ગોળ પૂરી વણી લો. પૂરીની અડધી બાજુએ ૧ ચમચી પૂરણ મૂકો. તે બાજુની પૂરીની અડધી કિનારી પર પાણી લગાડી પૂરીની બાકીની અડધી બાજુ બંધ કરી ચોંટાડી દો અને દાબીને કાંગરી વાળી ઘુઘરો બનાવો. બધા ઘુઘરા વાળી લીધા બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે લોટની થોડી કણી નાખી જુઓ જો તરત ઉપર આવી જાય તો તેલ ગરમ થઈ ગયું છે. હવે તેલમાં ઘુઘરા હળવેથી નાખી ગેસની આંચ ધીમી રાખી બંને બાજુથી ઘુઘરા સોનેરી રંગના તળી લો. એક પ્લેટમાં ઘુઘરો મૂકી ઘુઘરામાં ઉપરથી આંગળી વડે ખાડો કરી ઉપર તીખી ચટણી, ગળી ચટણી, લસણની ચટણી ચમચીથી રેડો. તેના પર ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, શીંગદાણા તેમજ નાયલોન સેવ ભભરાવી ચટાકેદાર ઘુઘરા પીરસો.
ચીઝી પોટેટો સ્ટિક્સ્
– સામગ્રીઃ મોટી સાઈઝના બટાકા-૫ નંગ, મીઠું સ્વાદ મુજબ, ઝીણી સમારેલી કોથમીર-૨ કપ, મોઝરેલા ચીઝ-દોઢ કપ (૧૫૦ ગ્રામ), લસણની કળી-૧૦-૧૨ નંગ, કાળાં મરી પાવડર-૨ ચમચી, લીલા મરચાં ઝીણાં સમારેલાં-૪ નંગ, કોર્નફ્લોર-૩ ચમચી અને બીજો ૫ ચમચી.
– રીતઃ (૧) બટાકાને છોલીને ધોઈ નાખી ૨-૩ ટુકડામાં કાપી લો. (૨) એક તપેલીમાં બટાકા ડૂબે એટલું પાણી રાખીને તેમાં ૧ ચમચી મીઠું નાખીને ઢાંકણ ઢાંકી બટાકાને ૧૫ મિનિટ માટે બફાવા દો.(૩) બટાકા બરાબર બફાઈ જાય એટલે તેમાંનું પાણી નિતારી લો અને બટાકાને એક ચમચી વડે મેશ કર્યા પછી ચાળણીમાં ચાળી લો. જેથી તેમાં લમ્પ્સ્ ના રહે. (૪) ચીઝ અને લસણની કળીઓને ખમણીને બટાકામાં ઉમેરો. ઝીણી સમારેલી કોથમીર પણ ભેળવો. સ્વાદ મુજબ મીઠું નાખો. (૫) હવે તેમાં કોર્નફ્લોર ઉમેરીને હાથથી જ લોટ બાંધતાં હોય તે રીતે મિશ્રણને એકસરખું મિક્સ કરો. (૬) એ મિશ્રણના બે ભાગ કરી લો. પાટલા પર કોર્નફ્લોર ભભરાવી મિશ્રણના એક ભાગનો ગોળો તેના પર મૂકી વેલણથી રોટલો વણી લો. રોટલાની જાડાઈ અર્ધા સેમી જેટલી રાખો.(જો રોટલો વણતા ન ફાવે તો તેને એક પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક પાથરી રોટલો વણી લો) (૭) એક ચપ્પુથી ચારે બાજુથી કાપીને રોટલાનો આકાર ચોરસ કરો. પછી આ રોટલામાંથી ચપ્પુથી ૧ સેમીની પહોળાઈવાળી લાંબી પટ્ટીઓ કાપી લો. (૮) હવે એક ફ્રાઈ પેન કે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ ચીઝી પટ્ટીઓને હળવેથી એક-એક ઉપાડી તેલમાં તળવા મૂકો. ક્રિસ્પી પટ્ટીઓને સોનેરી રંગની તળી લો. (૯) આ ચીઝી ક્રિસ્પી પોટેટો સ્ટિક્સ્ ટોમેટો કેચ-અપ સાથે બહુ ટેસ્ટી લાગશે. એકલી પણ બહુ સ્વાદિષ્ટ લાગશે!







































