આગામી દિવાળી પર્વમાં ઘરે આવનારા સગાં-સંબંધી કે મહેમાનોને મોં મીઠું કરાવતી મીઠાઇની ખરીદીની ચિંતા સાથે એ આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત હશે કે નહીં..તેની ચિંતા પણ રહે છે. જો આટલી મોંઘીં મીઠાઇ ખરીદ્યા પછી પણ એનો સ્વાદ, ગુણવત્તા કે વાસી હોય તો આરોગ્યને હાનિ પહોંચાડે છે, ક્યારેક જીવલેણ પણ નિવડે છે. ત્યારે ગુણવત્તાયુક્ત સામગ્રી લાવી, તમે તમારા હાથે જ સ્વાદિષ્ટ અને તાજી મીઠાઇ બનાવી સગાં-સંબંધી કે મહેમાનોનું મોં મીઠું કરાવી સંબંધની ગરિમા જાળવી શકો છો.
તલ-ગોળની બરફી
– સામગ્રીઃ તલ-૨૫૦ ગ્રામ, ગોળ (સાદો)-૨૫૦ ગ્રામ, શેકેલા સિંગદાણા-૧૫૦ ગ્રામ, ઘી-૪ ચમચી, ઇલાયચી પાઉડર- ૧ નાની ચમચી.
– રીતઃ (૧) તલને કઢાઈમાં મધ્યમ આંચે તતડે ત્યાં સુધી બરાબર શેકી લો. (૨) તલ શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી તલને ઠંડા થવા દો. બરાબર ઠંડા થઇ જાય પછી મિક્સીમાં અધકચરા વાટી લો. (૩) પછી તલને એક વાસણમાં કાઢી લઈ શિંગદાણાનો ભૂકો કરી તેમાં ભેળવો. (૪) ગોળને એકદમ ઝીણો સમારી લો. (૫) કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળને શેકવાની સાથે બરાબર ઓગાળી લો. ગોળ ઓગળી જાય એટલે તેમાં ઇલાયચી પાઉડર અને તલ-સિંગદાણાનો ભૂકો પણ ભેળવો. (૬) બધું મિશ્રણ એકરસ થાય એટલે થાળીમાં ઘી લગાડી આ મિશ્રણને તેમાં પાથરી દો. થોડીવાર પછી ચપ્પુથી તેના ચોસલા પાડી લો. (૭) એકાદ કલાક પછી બરફી ઠંડી પડે એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લો. તલ-ગોળની એક નવી જ જાતની બરફી તૈયાર..
પંચરત્ન મીઠાઈ
– સામગ્રીઃ ઘી-૧૨ ચમચી, દૂધ-૬ ચમચી, ચણાનો લોટ-૨ કપ, કાજુ-બદામના ટુકડા-૧૫૦ ગ્રામ, ખાવાનો ગુંદર-૬૦ ગ્રામ, ઘઉંની સેવ- ૧૦૦ ગ્રામ, દૂધનો પાઉડર-૧ કપ, દેશી ઘી-૨ કપ, ખાંડનો પાઉડર-૧ કપ, ઇલાયચી પાઉડર-૨ નાની ચમચી, કેસરના તાંતણા- ૧૫-૨૦ નંગ.
– રીતઃ (૧) એક કઢાઈમાં ૬ ચમચી ઘી અને ૬ ચમચી દૂધ સહેજ હૂંફાળું ગરમ કરી ચણાના લોટમાં ભેળવો. બંને હાથથી આ મિશ્રણને મિક્સ કરતાં જાવ. જ્યારે તેમાં કણી પડવા લાગે એટલે પાયો તૈયાર થઈ ગયો સમજવું. આ પાયાના ૧૦-૧૫ મિનિટ રહેવા દો. (૨) ત્યાર પછી તેને સ્ટીલની ચાળણીથી ચાળી લો. (૩) એક કઢાઈમાં ૬ ચમચી ઘી ગરમ કરી, ગેસની ધીમી આંચે કાજુ-બદામના ટુકડા શેકીને એક પ્લેટમાં કાઢી લો. (૪) ત્યારબાદ તેમાં થોડો થોડો ખાવાનો ગુંદર ઉમેરીને તળી લો. જેવો ગુંદર ફુલી જાય એટલે ઝારાથી પ્લેટમાં કાઢતા જાવ. (૫) ઘઉંની સેવના ટુકડા કરી તેને ગુલાબી રંગના શેકી પ્લેટમાં કાઢી લો. (૬) કઢાઈમાં બાકી રાખેલું ઘી ઉમેરી ગરમ થાય એટલે પાયો દીધેલો ચણાનો લોટ ગેસની ધીમી આંચે શેકો, ઝારાથી હલાવતાં રહો. (૭) લોટ બ્રાઉન રંગનો થાય પછી પણ સહેજ વધુ લાલાશ પડતો થાય એટલે તેમાં કેસરના તાંતણા, ઇલાયચી પાઉડર અને થોડા કાજુ-બદામના ટુકડા ભેળવો. (૮) હવે તેમાં દૂધનો પાઉડર મેળવી ઝારાથી હલાવતાં રહો. તેમાં ગઠ્ઠા ના પડે તે જોજો. મિશ્રણ બધું એકસરખું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં થોડા કાજુ-બદામના ટુકડા અને તળેલી સેવમાંથી થોડી સેવ મેળવી લો ને મિશ્રણને ઠંડું થવા દો. અડધા કલાક બાદ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેમાં સાકરનો પાઉડર મેળવી ઘી લગાડેલી થાળીમાં મિશ્રણ પાથરી ઉપર કાજુ-બદામના ટુકડા અને તળેલી સેવ ભભરાવો. આ મિશ્રણના ચપ્પુથી ચોસલા પાડી, થાળીને ૨ કલાક સેટ થવા દો.એટલે પંચરત્ન મીઠાઇ તૈયાર..
કેળાનો હલવો
– સામગ્રીઃ ગોળ-અર્ધો કપ, ઘી- ૪ ચમચી, ઘઉંનો લોટ-૧ કપ, કાજુ-બદામ-પિસ્તા વગેરે-૧૨ નંગ, પાકાં કેળાં-૫-૬ નંગ, ઇલાયચી પાઉડર-૧ નાની ચમચી, ફૂડ કલર-૪-૫ ટીપાં.
– રીતઃ (૧) ગોળને બરાબર ખમણીને એક બાઉલમાં ૩-૪ ચમચી પાણી ઉમેરી બરાબર હલાવીને ઓગાળો. (૨) પાકાં કેળાંને સમારીને મિક્સીમાં પલ્સ મોડ પર પલ્પ બનાવો. (૩) એક કઢાઈમાં ૨ ચમચી ઘી ગરમ કરવા મૂકો, ઘી ગરમ થાય એટલે એમાં સૂકા મેવો તળવા મૂકી, ક્રિસ્પી કરી ડિશમાં કાઢી લો. (૪) ગરમ ઘીમાં ઘઉંનો લોટ નાખી ગેસની મધ્યમ આંચે ગુલાબી રંગનો શેકો. (૫) ત્યાર પછી તેમાં કેળાની પેસ્ટ અને ૧ ચમચી ઘી ભેળવી ગેસની ધીમી આંચે તે પણ શેકી લો. (૬) હવે તેમાં ઓગાળેલો ગોળ સ્ટીલની સૂપ ગાળવાની ચાળણીથી ગાળીને ઉમેરો. (૭) ત્યાર પછી ઇલાયચી પાઉડર અને ફૂડ કલર ઉમેરો. (૭) ગેસની ધીમી આંચે ચમચાથી સતત હલાવતા રહો. તેમાંનું પાણી સૂકાવા આવે અને મિશ્રણ કઢાઈના કિનારાને છોડી ઘી છોડવા માંડે એટલે સૂકા મેવાના ટુકડા તેમાં ઉમેરો (૮) પછી ૧ ચમચી ઘી મેળવી ધીમી આંચે ૫-૧૦ મિનિટ થવા દો, પછી ગેસ બંધ કરી દો. આ હલવો ઠંડો થાય એટલે બાઉલમાં કાઢી, ઢાંકીને એકાદ કલાક ફ્રીજમાં મૂકી ઠંડો થવા દો, પછી પીરસો.
માવા-રવા લાડુ
– સામગ્રીઃ ખાંડ વિનાનો મોળો માવો-૧ કપ, રવો-૧ કપ, ખાંડ-૧ કપ, ઘી-અર્ધો કપ, કાજુના ટુકડા-૩ ચમચી, ઇલાયચી
પાઉડર-૨ નાની ચમચી.
– રીતઃ (૧) સાકરને મિક્સીમાં બરાબર પીસી બારીક પાઉડર કરી લો. (૨) એક પેન કે કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુના ટુકડા સોનેરી રંગના તળીને એક વાસણમાં કાઢી લો. (૩) એ જ પેનમાં ગેસની ધીમી આંચે રવો શેકી લો અને બીજા વાસણમાં કાઢી લો. (૪) હવે એ જ પેનમાં દસેક મિનિટ ધીમા ગેસ પર માવો ગરમ કરી નરમ થાય એટલે રવાવાળા વાસણમાં કાઢી લો. રવો અને માવો ચમચાથી મિક્સ કરી લો. (૫)થોડીવાર પછી આ મિશ્રણને હાથમાં લઈ શકાય તેવું ઠંડું થાય એટલે તેમાં દળેલી સાકર, ઇલાયચી પાઉડર અને કાજુના ટુકડા ભેળવી મિશ્રણમાંથી જોઈતી સાઈઝના ગોળા વાળી લાડુ બનાવી લો. આ લાડુને એરટાઈટ જારમાં ભરી લો. લાડુ ૪-૫ દિવસ સુધી સારા રહી શકે છે.
બેસન પાક
– સામગ્રીઃ ચણાનો લોટ-૪ કપ, બેકિંગ સોડા-૨ ચપટી, તેલ-૨ ચમચી, ઘી કે તેલ-બુંદી તળવા માટે, સાકર-૩ કપ, ઇલાયચી પાઉડર-૨ નાની ચમચી, ખાવાનો કેસરી રંગ-૭-૮ ટીપાં, ચાંદીનું વરખ.
– રીતઃ (૧) એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં બેકિંગ પાઉડર ઉમેરી થોડું-થોડું પાણી રેડી ખીરું બનાવી લો. આ ખીરું ના પાતળું કે ના ઘટ્ટ હોવું જોઇએ, પણ મધ્યમ હોવું જોઈએ. (૨) હવે કઢાઈમાં ઘી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. (૩) એક કડછીમાં ખીરું લઈ તેનાથી ગરમ ઘીમાં કઢાઈમાં આવે તેટલું ખીરું સેવની જેમ ગોળ ગોળ પાડી સોનેરી રંગે તળી લઇ, એક પ્લેટમાં કાઢી લો.( કે જલેબીના સંચા કે દૂધની પ્લાસ્ટિકની કોથળીમાં મહેંદીનો કોન ભરીએ એ રીતે ખીરું ભરી સેવની માફક તળો) (૪) આ રીતે બધી સેવ તળી લીધા બાદ, તે ઠંડી પડે એટલે તેનો મિક્સીમાં અધકચરો ભૂકો કરી લો. (૫) એક તપેલીમાં એક કપ પાણી લઈ તેમાં ૩ કપ સાકર અને ઈલાયચી પાઉડર નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. (૬) સાકરની ચાસણી બને ત્યાં સુધી ચમચા વડે હલાવતાં રહો. તેમાંની સાકર બરાબર ઓગળી જાય અને ચાસણીમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો. (૭) પછી તેમાં કેસરી રંગ ઉમેરી દો. તળેલી બુંદી ચાસણીમાં મેળવી દો. (૮) ૨-૪ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં પાથરીને બરાબર ફેલાવી દો અને ઉપર ચાંદીનું વરખ લગાડી દો. (૯) ૨ કલાક પછી મિશ્રણ બરાબર ઠરી જાય પછી મીઠાઈના ચોસલા પાડી બરણીમાં ભરી લો અને ખાવાના ઉપયોગમાં લો. sanjogpurti@gmail.com