કેટલાક દિવસથી અભણ અમથાલાલની નિંદર ઊડી ગઈ હતી. એ રાત્રે સુઈ શકતાં નહોતાં અને દિવસે એને કોઈ સુવા દેતાં નહોતાં.
માણસ કરે તો કરે શું? માણસ ખાધાં વગર રહી શકે, કેટલાક કલાકો પાણી વગર પણ રહી શકે. (હમણાં એક માણસ શ્વાસ વગર પણ રહ્યો)પણ, સુતાં વગર માણસ લગભગ ગાંડો થઈ જાય છે.
લગભગ..લગું લગું અમથાલાલની આવી હાલત હતી.
બનેવીલાલ જાણકાર માણસ! એને ચહેરો વાંચતા આવડે. એણે જ અમથાલાલને ટોક્યા..
‘‘અમથાલાલ ! આ શું હાલત કરી છે? આમને આમ તમે ગાંડા થઈ જાહો! નિંદર બિંદર કરો.‌!!’’
‘‘નિંદર તો મારેય કરવી છે. પણ આવે તો થાય ને.’’
‘‘એટલે કેમ? કાંઈ દેણું -બેણું થઈ ગયું છે? કોઈના દહ ટકાના રૂપિયા લેવાઈ ગયાં છે? કે પછી, તમને કોઈએ ડિજીટલ એરેસ્ટ કર્યા છે??’’
‘‘ના ભાઈ ના, ડિજીટલ વાળાં ઉપર તો હું રાત રઉં એમ છવ. પણ, આ એ.આઈ.વાળાની ઉપાધી છે.
કેમ કેમ? એ.આઈ.વાળાએ તમને ‘ય ઝપટમાં લઈ લીધાં કે શું!?’’
‘‘ના..આ..આ..! એવું તો હાવ નથી. પણ, જેવો એ.આઈ.ની ઝપેટમાં આવી ગયાં છે, અને કોઈ આવવાની તૈયારીમાં છે. એ લોકો મને સુવા નથી દેતાં.’’
‘‘એટલે એ ઘરે આવીને તમારી ડેલી ખખડાવે છે?’’
‘‘ના..આ..આ..! મોબાઈલની ડેલી ખખડાવે છે.’’
‘‘લો કર લો બાત.‌!! તમે મોબાઈલની ‘ય ડેલી કરાવી લીધી!?’’
‘‘અરે ભાઈ, ઈ એની હારે જ આવે છે.’’
‘‘તો..ઓ..! મારાં મોબાઈલને તો ડેલી કે ખડકી એકેય નથી.’’
‘‘તમારાં મોબાઈલમાં રીંગ વાગે છે? ’’
‘‘હા..આ..આ..! રીંગ તો વાગે છે.’’
‘‘તો..ઓ..ઈ જ એની ડેલી. આપણે દરવાજે ડોરબેલ નથી રાખતાં!! ’’ ‘‘તમેય તે શું અમથાલાલ! આવી મજાક કરો છો!?’’
‘‘આ મજાક નથી. જ્યારથી ‘લાગે તો તીર..’મા એ.આઈ.નો લેખ આવ્યો છે, ત્યારથી રાત્રે મને નિંદર નથી આવતી અને દિવસે પુછવા વાળા મોબાઈલમાં રીંગ ઉપર રીંગ વગાડે રાખે છે.’’
‘‘હા પણ, એ તમને શું પુછે છે? અને તમે ક્યાં એ.આઈ.ના માલિક છો?’’
‘‘હવે તો માલિકે ‘ય હાથ ધોઈ નાંખ્યા છે. આ એ.આઈ . એની કાબુ બહાર જઈ રહ્યું છે. (વંઠી ગયેલ બાયડીની જેમ) જેમ બિચ્ચારો ધણી કાંઈ નથી કરી હકતો એમ એ.આઈ.ના માલિકે ‘ય હથિયાર હેઠાં મૂકી દીધાં છે. આ એ.આઈ . શું કરશે? ક્યારે કરશે? અને કેટલું કરશે? ઈ એનેય ખબર નથી.” ‘‘પણ તમને શા માટે ફોન આવે છે?’’
‘‘બચાડા વખના માર્યા ફોન કરે છે. ‘હલવાણી માતા ગરબે રમે’ એવો ઘાટ થયો છે.
કાં તો એનાં છોકરાઓ એ.આઈ.ના ચક્કરમાં આવી ગયાં છે. અથવા જીવતી એ.આઈ.ની જાળમાં ફસાઈ ગયાં છે. હવે લેખ વાંચીને કોઈ સલાહ માંગે તો આપવી તો પડે ને..!!
એટલે હંધાયના ફોન આવ..આવ.. થયાં છે. આવાં હંધાયના ફોન આવે એટલે મને રાત્રે નિંદર નો આવે, અને એની ‘ય બચાડાની નિંદર ઊડી ગઈ હોય. એટલે એ મને દિવસે ફોન કરે. એમ મારી તો બેય નિંદર બગડે ને..!!’’
‘‘આ વળી પાછું નવું લાયા તમે!! આ એ.આઈ. તો હમજયા, એ તો એક ખેપાની મશીન છે. પણ આ જીવતી એ.આઈ. ? ઈ વળી કેવી હોય??’’
‘‘તમે ઉંમર વટાવી ગયેલાં છોકરાવને પરણાવવા મહેનત કરો છો. કોઈ તમારી હામુ ‘ય જોતું નથી. પછી તમે હું કરો છો? છોકરાને ડાળે વળગાવવા દલાલને ગોતો છો ને!?’’
‘‘હા પણ, છેલ્લો રસ્તો ઈ જ છે. પણ.. ,એનું કનેક્શન એ.આઈ. સાથે શું? ઈ તો હાવ અભણ જેવી જ હોય છે.’’
‘‘ન્યા જ હંધાય મોટી ભૂલ કરે છે. ઈ અભણ જેવી નહીં. તમને અભણ માનીને આવે છે, અને તમને બલીનો બકરો બનાવે છે.
ઈ તો, એ.આઈ. જનરેટેડ જ હોય છે. લગ્ને લગ્ને કુંવારી હોય છે. વાતે વાતે મોટી/ખોટી હોય છે. ઉંમર લાયક હોય છતાં ‘ય વીસની દેખાય છે. અને હૌથી મોટી વાત.. એનાં પેટમાં કાતી હોય છે, ઈ રગે -રગે ખોટી હોય છે. છતાં ‘ય બહારથી ભોળી ભટાક બને છે. આ જીવતી જાગતી એ.આઈ.જ છે.’’
‘‘હવે ઈ તો હમજાઈ ગયું પણ..છોકરાઓને પરણાવવા હવે કરવું શું?’’ ‘‘મારી પાંહે એક રસ્તો છે.’’‘‘બોલો બોલો.., જટ બોલો..!! ઈ રસ્તો કાંટાળો હશે તોય હાલશે, પથરાળો હશે તોય હાલશે. પણ..એ.આઈ. વાળો નો હોવો જોઈએ.’’
‘‘તમારાં છોકરાને તમારી કેટલી પેઢીના નામ આવડતાં હશે?’’
‘‘બે ત્રણ પેઢી આવડે તો આવડે. પણ એનું શું છે!?
લગનને અને એને શું લાગે વળગે??’’
‘‘પેલાં તમે એને સાત પેઢીનાં નામ ગોખાવો.’’
‘‘પણ.., એનાથી શું થાહે?’’
‘‘પછી આપણે એને મધ્ય એશિયાનો એક દેશ છે. ‘કઝાકિસ્તાન ‘ન્યા મોકલી દેહું. ન્યા એવી એક પરંપરા છે કે, જે છોકરાને એની સાત પેઢીનાં નામ યાદ હોય એનાં લગન તરત જ થઈ જાય છે.’’
‘‘એવું થોડું હોય..!?’’
‘‘હા..હા..! ન્યા એક પરંપરા છે, જેનું નામ છે, ’’જેટી આતા’’ પરંપરા. ન્યા હાત -હાત પેઢી સુધી સંબંધો જૂએ છે. અને આપણે ન્યા હાવ કરતાં હાવ ભુંહડીયો વળી ગ્યો છે. ભાઈ બહેન પણ લગન કરે છે.
kalubhaibhad123@gmail.com