‘હનુમાન અંશ’ જોઈ?
ફિલ્મના રસિયાઓમાં અત્યારે આ સવાલ ચર્ચામાં છે કેમ કે માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ ફિલ્મને ૧૦૦ કરોડથી વધારેનું કલેક્શન કરીને સૌને દંગ કરી દીધા છે. ભારતમાં કહેવાતા સુપરસ્ટાર્સને દિગ્ગજ મનાતા ડિરેક્ટર્સની ફિલ્મો ૧૦૦ કરોડનો વકરો નથી કરી શકતી ત્યારે કોઈએ નામ સાંભળ્યું નથી એવા ડો. વિશાલ ચતુર્વેદી નામના સાવ નવા ડિરેક્ટરે બનાવેલી ફિલ્મ કેમ સુપરહીટ થઈ ગઈ એ જાણવા લોકો ફિલ્મ જોવા જાય છે તેથી ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે.
‘હનુમાન અંશ’ ડા. વિશાલ ચતુર્વેદીએ પોતે લખેલા પુસ્તક ‘ડિવાઇન ડેટૂરઃ ધેટ ચેન્જ્ડ માય લાઇફ’ પરથી બની છે. આ ફિલ્મમાં કોઈએ કદી નામ ના સાંભળ્યાં હોય એવા કલાકારોએ કામ કર્યું છે. મુખ્ય ભૂમિકા ભજવનારા શોભિત શ્રીવાસ્તવ અને ચંદન આનંદે ટીવી સીરિયલોમાં નાના નાના રોલ કર્યા છે જ્યારે અનિલ રસ્તોગી , સુગંધા મલ્હોત્રા, ભગવાનદાસ પટેલ, નેહા પરાંજપે, ઉદય સિંહ રાજપૂત, પૂર્ણિમા તિવારી, ગૌતમ ત્રિપાઠી સહિતના કલાકારોને તો કોઈ ઓળખતું જ નથી. ફિલ્મ સાથે સંકળાયેલા બીજા ટેકનિશિયન્સ પણ જાણીતા નથી તેથી ‘હનુમાન અંશ’ની સફળતા ચમત્કારિક છે.
‘હનુમાન અંશ’ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત પહેલી ફિલ્મ છે. વિશાલ ચતુર્વેદી બાબાના જીવન પરથી ટ્રાયોલોજી એટલે કે ૩ ફિલ્મો બનાવવાના છે તેમાંની યુવાનીના જીવનકાળની ફિલ્મ બ્લોક બસ્ટર થતાં હવે બાકીની બે ફિલ્મો અંગે પણ લોકોમાં ઉત્સુકતા છે.
રસપ્રદ વાત એ છે કે, ‘હનુમાન અંશ’ના બે મહિના પહેલાં જ નીમ કરોલી બાબાના જીવન પરથી બનેલી ફિલ્મ શ્રી બાબા નીબ કરોરી મહારાજ આવેલી પણ કોઈએ આ ફિલ્મ જોઈ નહોતી. શ્રી બાબા નીબ કરોરી મહારાજ નામે હિન્દી ભાષામાં બાબાનું જીવનચરિત્રાત્મક નાટક ભજવાય છે જેનું નિર્દેશન શરદ સિંહ ઠાકુરે કર્યું છે અને સુબોધ ભાવે નીમ કરોલી બાબાનું પાત્ર ભજવે છે. આ ફિલ્મ ૨૯ મે ૨૦૨૬ના રોજ રિલીઝ થઈ હતી પણ ક્યારે આવીને જતી રહી ખબર જ નથી જ્યારે ‘હનુમાન અંશ’ ઈતિહાસ રચી ગઈ.
/////////////////////////////////////
‘હનુમાન અંશ’ બીજી લાલો બનશે?
ફિલ્મોના જાણકાર ‘હનુમાન અંશ’ની સરખામણી ૧૯૭૫ની જય સંતોષી મા ફિલ્મ સાથે કરી રહ્યા છે. માત્ર અઢી લાખ રૂપિયામાં બનેલી જય સંતોષી મા ફિલ્મે ૫ કરોડ રૂપિયાની કમાણી કરીને સૌને દંગ કરી દીધેલા. ૧૯૭૫માં જ હિંદી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંથી એક શોલે આવેલી.
જય સંતોષીમાએ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર સહિતના સુપરસ્ટારથી ભરેલી શોલેને ટક્કર આપેલી એટલે સુપરહીટ ફિલ્મ તો હતી જ પણ જય સંતોષી મા ફિલ્મમાં કાનન કૌશલ, ભારત ભૂષણ, અનિતા ગુહા, ત્રિલોક કપૂર વગેરે જાણીતા કલાકારો હતા, સી. અર્જુન જેવા સારા સંગીતકાર હતા જ્યારે ‘હનુમાન અંશ’માં તો નામ પૂરતો પણ જાણીતો ચહેરો નથી એ જોતાં તેની સફળતા બહુ વધારે મોટી છે.
‘હનુમાન અંશ’ની સરખામણી કરવી હોય તો ગયા વરસે આવેલી ગુજરાતી ફિલ્મ લાલોઃ કૃષ્ણ સદા સહાયતે સાથે કરી શકાય. માત્ર ૫૦ લાખ રૂપિયામાં બનેલી લાલો ફિલ્મે ૧૨૦ કરોડનો ધંધો કરીને જામો પાડી દીધો છે. ‘હનુમાન અંશ’નું બજેટ વધારે છે ને કમાણી લાલો કરતાં ઓછી છે તેથી લાલો હજુય મોટી સુપરહીટ છે પણ ‘હનુમાન અંશ’ની સફળતા લાલો જેવી ગણી શકાય.
લાલો ફિલ્મે તેના બજેટ કરતાં ૨૪૦ ગણી વધારે કમાણી કરી હતી. ‘હનુમાન અંશ’ ફિલ્મે એ લેવલે પહોંચવું હોય તો ૫૦૦ કરોડની કમાણી કરવી પડે. શરૂઆત નબળી કર્યા પછી ‘હનુમાન અંશ’ ઉંચકાઈ અને હવે મીડિયા તથા માઉથ પબ્લિસિટી બંને મળી રહ્યાં છે તેથી ફિલ્મનું કલેક્શન પણ વધી રહ્યું છે. અલબત્ત ૫૦૦ કરોડ બહુ મોટો આંકડો છે એ જોતાં ‘હનુમાન અંશ’ બીજી લાલો બને છે કે નહીં એ જોવાનું છે.
/////////////////////////////////////
‘નીમ કરોલી બાબા’ કોણ છે?
‘હનુમાન અંશ’ના પહેલા ભાગમાં દેશની આઝાદી પહેલાં ભારતના એક યુવાન છોકરા લક્ષ્મી નારાયણના યુવાનીની કથા છે. લક્ષ્મી નારાયણ પોતાની માતાના મૃત્યુ પછી ભગવાનની શોધમાં ઘર છોડી દે છે અને
ઠેર ઠેર ભટકે છે. ફિલ્મમાં લક્ષ્મી નારાયણની યુવાનીના દિવસોમાં ભારતભ્રમણ અને તેના અનુભવોની વાત છે.
આ લક્ષ્મી નારાયણ જ નીમ કરોલી બાબા છે. લક્ષ્મી નારાયણ કઈ રીતે હનુમાનજીના પરમ ભક્ત નીમ કરોલી બાબા બન્યા તેની કથા ફિલ્મમાં છે. નીમ કરોલી બાબાનું મૂળ નામ લક્ષ્મી નારાયણ શર્મા હતું, ૧૧ સપ્ટેમ્બર, ૧૯૦૦ના રોજ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુર ગામમાં શ્રીમંત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા લક્ષ્મીનાં વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયેલાં પણ માતાના મૃત્યુ પછી સંસારમાં મન ના લાગતાં ઘર છોડીને જતા રહેલા. ભટકતા સાધુ તરીકે લક્ષ્મીએ વરસો ગાળ્યાં. હિમાલયમાં ગયા અને ઉત્તર ભારતમાં પણ ઠેર ઠેર ભટક્યા.
લક્ષ્મીના પિતા વારંવાર ઘરે પાછા આવવા વિનવ્યા કરતા તેથી છેવટે થોડાં વરસો પછી લક્ષ્મી નારાયણ ઘરે પાછા આવ્યા અને રામબેટી દેવી સાથે સાંસારિક જીવન શરૂ કર્યું. આ લગ્નથી બે પુત્રો અનેક સિંહ અને ધર્મ નારાયણ શર્મા અને પુત્રી ગિરિજા થયાં.
જો કે થોડાં વરસો પછી ફરી અધ્યાત્મિકતાનો રંગ ચડતાં તેમણે હનુમાનજીની ભક્તિ તરફ મન વાળ્યું અને સાથે સાથે સમાજ સેવા પણ શરૂ કરી. ભગવાં વસ્ત્રોના બદલે સામાન્ય લોકો જેવાં જ કપડાં પહેરીને લોકોને મદદ કરતા બાબા ઝડપથી લોકપ્રિય થવા લાગ્યા અને લોકો તેમને મળવા આવવા લાગ્યા તેથી બાબાએ ૧૯૬૨માં કૈંચીમાં હનુમાનજીનું મંદિર બનાવીને આશ્રમ બનાવ્યો. સાધુ પ્રેમી બાબા અને સોમબરી મહારાજ યજ્ઞો કરીને લોકોને શાંતિ આપતા એ જગ્યાની આસપાસ એક ચબૂતરા બાંધીને બાબાએ પહેલો આશ્રમ બાંધેલો. એ પછી વૃંદાવનમાં બીજો આશ્રમ બનાવ્યો હતો. પછીથી બાબાના નામે હનુમાનજીનાં ૧૦૦ થી વધુ મંદિરો બનાવવામાં આવ્યા.
બાબાનું ૧૧ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ મૃત્યુ થયું હતું. બાબા રાત્રિ ટ્રેન દ્વારા નૈનિતાલ નજીકના કૈંચીથી આગ્રા આવી રહ્યા હતા ત્યારે છાતીમાં દુખાવો થતાં તેમના સાથીઓ મથુરા રેલ્વે સ્ટેશન પર ઉતર્યા અને બાબાને ડોક્ટર પાસે લઈ ગયા. રસ્તોમાં તેમને આંચકી આવવા માંડી અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. તેમની સમાધિ વૃંદાવન આશ્રમના સંકુલમાં બનાવવામાં આવી છે.
/////////////////////////////////////
‘નીમ કરોલી બાબા’ વિદેશીઓમાં અત્યંત લોકપ્રિય હતા.
અમેરિકામાં ૧૯૬૦ના દાયકામાં હિપ્પી ચળવળનો પ્રભાવ વધ્યો ત્યારે હજારોની સંખ્યામાં વિદેશીઓ ભારતમાં આવવા લાગ્યા હતા કેમ કે ભારત અધ્યાત્મિકતાના દેશ તરીકે જાણીતો હતો. નીમ કરોલી બાબાના કૈંચી અને
વૃંદાવનના આશ્રમ આ હિપ્પીઓ માટે મોટા આશ્રયસ્થાન હતા કેમ કે સાધુઓના કારણે ગાંજો વગેરે સરળળતાથી મળી રહેતા. ખાવા-પીવાની અને રહેવાની સમસ્યા જ નહોતી તેથી છેક ૧૯૬૦ના દાયકાથી નીમ કરોલી બાબાનું નામ અમેરિકામાં ગાજતું થઈ ગયેલું.
આ ખ્યાતિથી પ્રેરાઈને સ્ટીવ જોબ્સ ૧૯૭૪માં આધ્યાત્મિક શાંતિની શોધમાં ભારત આવ્યા હતા ત્યારે સૌથી પહેલાં નીમ કરોલી બાબાના આશ્રમે પહોંચ્યા હતા. સ્ટીવ જોબ્સ બાબાના દર્શન કરવા અને દીક્ષા લેવા માંગતા હતા પણ બાબાનું નિધન થઈ ચૂક્યું હોવાથી તેમની મુલાકાત શક્ય બની નહોતી. જોબ્સની સાથે તેમના રીડ કોલેજના મિત્ર અને એપલના કર્મચારી ડેનિયલ કોટકે પણ આવ્યો હતો.
સ્ટીવ જોબ્સે નીમ કરોલી બાબાના આશ્રમમાં જ પરમહંસ યોગાનંદ દ્વારા લિખિત ‘ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી’(એક યોગીની આત્મકથા) વાંચી અને આ પુસ્તકે તેમનું જીવન બદલી નાંખ્યું. યોગ અને ધ્યાન પરના પુસ્તકને કારણે સ્ટીવ જોબ્સને આધ્યાત્મિક શાંતિ મળી ને એપલની સ્થાપના થઈ.
સ્ટીવ જોબ્સે વરસો પછી ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ આધ્યાત્મિક શાંતિ માટે નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાતની સલાહ આપેલી. ઝુકરબર્ગ ‘ટાઉનહોલ’ બેઠકમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે કહેલું કે, સ્ટીવ જોબ્સે તેમને કૈંચીના નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવાની સલાહ આપી હતી. ફેસબુક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ઝુકરબર્ગ માત્ર એક પુસ્તક સાથે આશ્રમમાં આવ્યા હતા અને બે દિવસ રોકાયા હતા.
સ્ટીવ જોબ્સ અને ઝુકરબર્ગ તો જાણીતાં નામ છે પણ બીજા ઘણા વિદેશીઓ બાબાથી પ્રભાવિત હતા. ઘણા વિદેશી બાબાના કારણે હિંદુ બન્યા અને વિદેશમાં બાબાના આશ્રમ પણ સ્થાપ્યા. કેલિફોર્નિયાના બર્કલેમાં આવેલી આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાસેવા ફાઉન્ડેશનની અને ‘લવ સર્વ રિમેમ્બર ફાઉન્ડેશન’ તેનાં ઉદાહરણ છે. એનકેબી ડિવાઇન મેડિટેશન ફાઉન્ડેશન પણ નીમ કરોલી બાબાના ઉપદેશો પર આધારિત છે.













































