ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના શબ્દોમાં કહીએ તો કોઈપણ ભોગે શિક્ષણ સેવા એજ જીવનની વ્યાપકતા અને કેળવણી છે. શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં જીવંત બાળકો સાથે કાર્ય કરવાનું સદભાગ્ય પ્રભુએ આપણને આપ્યું છે ત્યારે તેને પ્રસાદી સમજી યોગ્ય રીતે પીરસવાની અને કેળવવાની કલા શિક્ષણના માધ્યમ થકી વર્ગમાં વ્યાપક બનવી જોઈએ. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધૂણી ધખાવીને બાળકોના હિતાર્થે કાર્યકર્તા શિક્ષકો રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે પસંદગી પામતા હોય છે.
બાળકોમાં મૂલ્ય શિક્ષણ નૈતિકતાની સાથે સાથે કંઈક કરવાની ભાવના નિર્માણ કરવા છેલ્લી મિનિટ સુધી પ્રયાસ કરતો શિક્ષક વર્ગનો રાજા છે. કોઠારી કમિશનને કહ્યું છે કે ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે ત્યારે તેને અસરકારક અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવાની નૈતિક જવાબદારી શિક્ષણ સમુદાય સાથે જોડાયેલા દરેક વ્યક્તિની છે. ઘણા બધા સાધક શિક્ષકો પોતાની શાળાને શ્રેષ્ઠ બનાવવા માટે કઠોર પરિશ્રમ કરતા હોય છે.તેના પરિપાક સ્વરૂપે વિવિધ પેરામીટરથી મૂલ્યાંકન થતું હોય છે. રાજ્યની કમિટી દ્વારા ઇન્ટરવ્યૂ અને ફાઇલ ચકાસણી થયા બાદ રાજ્ય એવોર્ડ અને રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ત્યારે જ તેમને એવોર્ડ પ્રાપ્ત થાય છે.
એવોર્ડએ માત્ર ઓળખ નથી. એવોર્ડ મળ્યા પછી સતત બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ કરવો એ જ તેનું પરિણામ છે. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તેમાં વૈચારિક ક્ષમતા દ્વારા શ્રેષ્ઠતા દિપાવવીએ અગત્યની બાબત છે.બાળકોમાં શિસ્ત, શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિ નિર્માણ કરવી પડશે. આજનું બાળ આવતીકાલનું ભવિષ્ય છે. તેની આંતરિક શક્તિઓને બહાર કાઢવા માટે યોગ્ય માર્ગદર્શક આપવું પડશે. ડોંગરેજી મહારાજે કહ્યું છે કે બાળકમાં ઈશ્વરનો અંશ હોય છે તેને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી સૌથી મોટી શિક્ષકની છે.શાળામાં આવેલા બાળકોમાં સંસ્કાર સમજણ અને શિક્ષણની કેળવણી નિર્માણ કરવા માટે સતત અભ્યાસુ ચિંતક અને મીમાંસુ શિક્ષકે નૈતિકતા થકી સતત પ્રયાસ કરે છે.
ગુજરાત રાજ્ય એવોર્ડ ફેડરેશન દ્વારા આજે શક્તિપીઠ અંબાજી ખાતે ૨૦૨૫માં રાજ્ય પારિતોષિક શિક્ષકો, રમતગમત ક્ષેત્રે અને વિદ્યાવાચસ્પતિ ઁૐડ્ઢ ડિગ્રી પ્રાપ્ત કરનાર એવોર્ડી શિક્ષકોના સન્માન કાર્યક્રમ પાલનપુરના ધારાસભ્યશ્રી તેમજ પ્રાથમિક નિયામકશ્રી (નિવૃત્ત) એમ.આઈ. જોશી સાહેબના તેમજ એવોર્ડી ટીચર્સના પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ તેમજ મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ અંબાજી મુકામે યોજવામાં આવ્યો હતો.
શ્રી સંજયભાઈ પટેલ એવોર્ડી ટીચરોના હક માટે સતત સચિવાલયમાં સેવાના ઉદ્દેશથી દોડાદોડ કરીને લાભ અપાવવા માટે પ્રયાસ કરે છે.મહાભારતના સંજયની જેમ આપણા મહામંત્રી કાર્ય કરે છે તે માટે તેમને શુભેચ્છા પાઠવું છું.
રાજ્ય સરકાર પાસે એટલી અપીલ છે કે અન્ય રાજ્યોમાં એવોર્ડી ટીચર્સને એક ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. તો ગુજરાત તો અન્ય રાજ્યો માટે પ્રેરણા સ્વરૂપ છે તો ગુજરાતમાં શા માટે નહીં? એવોર્ડી ટીચર્સને નોકરીમાં બે વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે. આમ પણ મોટાભાગે સહાયકમાંથી પાંચ વર્ષ સુધી ફરજ બજાવીને આવ્યા છે. તો શિક્ષકોની ૫૮ વર્ષનો જે નિવૃત્તિનો સમયગાળો છે તેની જગ્યાએ ૬૦ વર્ષનો કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે. કોલેજના પ્રોફેસરો ૬૨ અને ૬૫ વર્ષ સુધી ફરજ બજાવી શકતા હોય તો ગુજરાત રાજ્યના શિક્ષકો, આચાર્યશ્રીઓ એ રીતે ફરજ બજાવી શકે નહીં? આટલા બધા અનુભવી અને એવોર્ડ શિક્ષકો હોય તો રાજ્ય માટે તો ખૂબ સારી અને ગુણવત્તાવાળી બાબત છે. મહેસાણાના સાંસદ તેમજ પ્રવક્તા ઋષિકેશભાઈ તેમજ આજના ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી છે. આ રજૂઆતનો સુખદ ઉકેલ આવે તેવી લાગણી અને માગણી છે. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ હોય અને એવા સમયે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને બંને શિક્ષણમંત્રીશ્રીઓ દિવાળીના સમયગાળા દરમિયાન એવોર્ડી ટીચરોને ઇન્ક્રીમેન્ટ અને બે વર્ષ નોકરીમાં એક્સટેન્શન કરી આપે તેવી નમ્ર વિનંતી છે. જો કોઈપણ રાષ્ટ્રને વિકસિત અને ટેકનોલોજીમાં આગળ આવવું હોય તો શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરતા શિક્ષકોની માંગ સરકારે સ્વીકારવી જોઈએ.
રાજ્યના એવોર્ડી શિક્ષકો તન, મન અને ધનથી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે.સરકાર જે પણ કામગીરી સોંપે છે તેને નિષ્ઠાથી પૂર્ણ કરે છે અને હજુ પણ કાર્ય કરવા માટે કટિબધ્ધ છે. તેવા સમયે રાજ્ય સરકારે ઉપરોક્ત માંગને સ્વીકારવી જોઈએ.અવોર્ડ મળી ગયા પછી નિષ્ક્રિય થવાની જગ્યાએ પ્રવૃત્તિ થવાની જરૂર છે. છેલ્લી બેન્ચીસે બેઠેલો બાળક દેશનું ભવિષ્ય છે તેના સર્જન માટે પ્રયાસ કરવો જોઈએ.
રાજ્ય સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટની જેમ ઉચ્ચતર પગાર ધોરણ આપવું જોઈએ. ઉચ્ચતર પગારધોરણમાં શિક્ષકોનો અનુભવ નોકરીમાં ગણાવવો જ જોઈએ. આ બાબત પણ સરકારે ધ્યાને લઈ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. શિક્ષકોને જેટલા ખુશ રાખશો એટલું વધારે કામ કરશે તેવી આપશ્રીને પણ ખાતરી છે. પટાવાળાથી પ્રાઇમ મિનિસ્ટર સુધી શિક્ષિત અને દીક્ષિત કરવાનું ભગીરથ કાર્ય શિક્ષક મિત્રો કરતા હોઈએ છીએ ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી ઉપરોક્ત બાબતને પાયોરિટી આપીને ઝડપી નિકાલ લાગે તે જ શક્તિપીઠની સેવા છે.
એવોર્ડ ફંકશનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા કર્મઠ શિક્ષકો બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે તે આજના સમયની તાતી જરૂરિયાત છે. શિક્ષકોએ વિશેષ વાંચન ચિંતન, મનન તે મુજબ અભ્યાસુ બનવાની જરૂર છે. બાળકોનું ભવિષ્ય જો આપણા હાથમાં હોય તો તેને સંપૂર્ણ ન્યાય આપીએ એ જ સૌથી મોટું કર્મ છે.
શક્તિપીઠ અંબાજીમાં રાજ્ય એવોર્ડ ફેડરેશનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને તેની સાથે જોડાયેલા હોદ્દેદારો સેવાના પ્રકલ્પને ચરિતાર્થ કરી રહ્યા છે ત્યારે તેમને પણ હૃદયથી શુભેચ્છા આપું છું. જેને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમને પણ તેમના કાર્યો થકી વર્ગને સ્વર્ગ બનાવવાની શુભેચ્છા પાઠવું.