માણસ પોતાની સફળતાઓને યાદ રાખવામાં જેટલો ઉત્સુક હોય છે, પોતાની ખામીઓને સ્વીકારવામાં એટલો જ સંકોચ અનુભવે છે. દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલી આવડત, ગુણ અને સિદ્ધિઓને ઓળખે છે, પરંતુ પોતાની નબળાઈઓને ઓળખવી અને તેને સ્વીકારવી એ સાચા આત્મચિંતનની શરૂઆત છે. હકીકતમાં, પોતાનો માઈનસ પોઈન્ટ જાણી લેવો એ જિંદગીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.જીવનમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. કોઈ ખૂબ બુદ્ધિશાળી હોય છે તો કદાચ ધીરજ ઓછી હોય; કોઈ ખૂબ મહેનતું હોય છે તો સમયનું આયોજન ન આવડતું હોય; કોઈ વાતચીતમાં નિષ્ણાત હોય છે તો ગુસ્સા પર નિયંત્રણ ન હોય. આપણી ખામી આપણને નબળા બનાવે છે એવું નથી, પરંતુ ખામીને ઓળખ્યા પછી પણ તેને સુધારવાનો પ્રયાસ ન કરવો એ આપણને ખરેખર નબળા બનાવે છે.
એક વિદ્યાર્થી પરીક્ષામાં વારંવાર ઓછા ગુણ મેળવે છે. જો તે કહે કે “નસીબ ખરાબ હતું” તો સમસ્યા ત્યાં જ રહે છે. પરંતુ જો તે પોતાની જાતને પૂછે કે “મારી તૈયારીમાં ક્યાં કમી રહી?” તો સુધારાનો રસ્તો શરૂ થાય છે. કદાચ તેને સમયનું આયોજન આવડતું નથી, કદાચ વાંચવાની પધ્ધતિ ખોટી છે અથવા કદાચ એકાગ્રતાનો અભાવ છે. પોતાની નબળાઈ શોધી લેવી એટલે અડધી સફળતા મેળવી લેવી.એ જ રીતે વ્યવસાયમાં પણ કોઈ વ્યક્તિને નુકસાન થાય ત્યારે બીજાને દોષ આપવો સરળ છે. બજાર ખરાબ હતું, ગ્રાહકો સારા નહોતા, સમય ખરાબ હતો;આવા અનેક બહાના મળી શકે. પરંતુ સાચો વ્યવસાયી પોતાની ભૂલ શોધે છે. ભૂલમાંથી શીખવાની ક્ષમતા જ માણસને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે.સંબંધોમાં પણ આત્મચિંતન જરૂરી છે. “સામેવાળો મને સમજતો નથી” એવું કહેવું સહેલું છે, પરંતુ “શું હું સામેવાળાને સમજવાનો પ્રયત્ન કરું છું?” એવો પ્રશ્ન કરવો મુશ્કેલ છે. ઘણી વાર સંબંધો તૂટવાનું કારણ સામેની વ્યક્તિની ભૂલ કરતાં આપણા અહંકાર, ગુસ્સો, અતિ અપેક્ષા કે સંવાદના અભાવમાં છુપાયેલું હોય છે.
પોતાના માઈનસ પોઈન્ટ ઓળખવા માટે દરરોજ થોડો સમય પોતાની જાત સાથે વાત કરવી જોઈએ. આજે મેં શું સારું કર્યું? ક્યાં ભૂલ કરી? કોને દુઃખ પહોંચાડ્‌યું? કઈ આદત મને પાછળ ખેંચે છે? અને આવતીકાલે તેમાં શું સુધારો કરી શકું? આવા પ્રશ્નો વ્યક્તિને અંદરથી વધુ મજબૂત બનાવે છે.પરંતુ પોતાની ખામીઓ ઓળખતી વખતે પોતાને નફરત કરવાની જરૂર નથી. આત્મચિંતનનો અર્થ આત્મદોષારોપણ નથી. પોતાની ખામી સ્વીકારવી એ પોતાની જાતને નાની કરવી નહીં, પરંતુ પોતાની જાતને વધુ સારી બનાવવાની તૈયારી છે.જીવનમાં સૌથી મોટો વિજય બીજાને હરાવવાનો નથી; પોતાની નબળાઈઓ પર વિજય મેળવવાનો છે. જે વ્યક્તિ પોતાની અંદરના અહંકારને નમાવી શકે, ગુસ્સાને નિયંત્રિત કરી શકે, આળસને હરાવી શકે અને પોતાની ભૂલ સ્વીકારી શકે,તે વ્યક્તિ ખરેખર જીવનનો વિજેતા છે.અંતે એટલું જ કહેવાનું કે; દુનિયા આપણી ખામીઓ બતાવે એ પહેલાં, જો આપણે જ પોતાની ખામીઓ જોઈ લઈએ, તો સુધારાની તક પણ આપણી પાસે જ રહેશે,કારણ કે પોતાની નબળાઈ ઓળખી લેવી, એ જ સફળતાની સૌથી મજબૂત શરૂઆત છે.