અમરેલી જિલ્લામાં ગ્રામસેવકોએ વર્ષોથી પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓના ઉકેલ માટે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ૯ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે બાબરા તાલુકા કચેરી ખાતે પણ ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લા ગ્રામસેવક મંડળે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવનાર તમામ કાર્યક્રમોમાં જિલ્લાના ગ્રામસેવકો સંપૂર્ણ એકતા અને શિસ્ત સાથે જોડાશે. ગ્રામસેવક સંગઠનની લડતને મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોના સંગઠનો તેમજ ગુજરાતના વિવિધ કર્મચારી મંડળોએ પણ સમર્થન આપ્યું છે. ગ્રામસેવકોએ સરકાર વહેલી તકે હકારાત્મક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી.









































