દીવના બસ સ્ટેન્ડ સર્કલ પાસે શનિવારે સવારે જમીનની નીચેથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આગ જમીનની નીચેથી પસાર થતી ગેસ લાઇન સુધી પહોંચતા મામલો ગંભીર બન્યો હતો. જોકે, ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, જૂના બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં કોઈ વ્યક્તિએ કચરાનો ઢગલો સળગાવ્યો હતો. આ આગ જમીનની અંદર પહોંચી અને ત્યાંથી પસાર થતી વીજ લાઇન તેમજ ગેસ પાઇપલાઇન સુધી ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. બસ સ્ટેન્ડ સર્કલ નજીક જમીનની નીચેથી આઈઆરએમ એનર્જીની ગેસ પાઇપલાઇન પસાર થાય છે. આ લાઇન દ્વારા આસપાસની હોટલો અને રહેણાંક મકાનોમાં ગેસ કનેક્શન અપાયા છે. ગેસ લાઇનમાં આગ લાગ્યાની જાણ થતાં સ્થાનિક તંત્રએ તરત જ ગેસ સપ્લાય બંધ કર્યો હતો. ઘટનાની જાણ થતાં દીવ ફાયરબ્રિગેડની બે ગાડીઓ તરત ઘટનાસ્થળે પહોંચીને કંપનીના ટેક્નિશિયનો સાથે મળીને આગ પર કાબૂ મેળવ્યો.






































