ભાવનગરના લઠ્ઠાકાંડમાં હજી તો તપાસ ચાલી રહી છે ત્યાં તો મોરબીમાંથી ડૂબ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. માળિયાના દહીંસરા ગામમાંથી ડૂબ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં કેમિકલના બેરલ, રાજસ્થાનથી ખાલી બોટલો અને સ્ટીકરો મંગાવ્યા હતા. અહીં ૨૦ પેટી જેટલી બોટલો તૈયાર કરવામાં આવી હતી. જાકે, આ બનાવટી દારૂની પેટીઓ બજારમાં વેચાય તે પહેલા જ મોરબી ક્રાઈમ બ્રાંચે આ આખો કાંડ ઝડપી પાડ્યો છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પ્રાથમિક માહિતી પ્રમાણે, દહીંસરા ગામમાં અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાં બનાવટી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. મોરબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને ફેક્ટરી સંચાલન અને નેટવર્ક સાથે જાડાયેલા ૬ લોકો સામે કાર્યવાહી કરી છે. જેમાં અજયસિંહ ભાવુભા જાડેજા, મહેશ ઉર્ફે મુન્નો કાંજિયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સિંધવ અને વિક્રમ ધંધુકિયાનો સમાવેશ થાય છે.
અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાં જાણીતી ‘બ્લેન્ડર્સ પ્રાઇડ’ના નામે કંપનીના બનાવટી સ્ટીકરોને ખાલી બોટલો પર લગાવવામાં આવતું હતું. આ બનાવટી દારૂ બનાવવા માટે ૨૦૦ લિટરના ૩ બેરલ જેટલું કેમિકલ મંગાવવામાં આવ્યું હતું.આ કેમિકલ અન્ય રાજ્યમાંથી મંગાવ્યાની ચર્ચા ચાલી રહી છે. આ ગોરખધંધા માટે બ્રાન્ડેડ કંપનીના નામના સ્ટીકરો અને ખાલી બોટલો ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી આશરે ૨૦ પેટી બનાવટી દારૂની બોટલો, કેમિકલ, ખાલી બોટલો તેમજ સ્ટીકરો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દહીંસરા ગામમાં બનેલા દારૂની બોટલો પર ‘જસ્ટ ફોર સેલ ઇન પંજાબ’ લખવામાં આવ્યું હતું. આ બનાવટી દારૂનો મોટો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને આખા કાંડનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલે મોરબી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે