‘જેન-ઝી’ જોરમાં છે. નીટ પેપર લીક સામેના સફળ આંદોલને અચાનક ભારતીય યુવા સમુદાયને લાઈમલાઈટમાં લાવી દીધો છે. અત્યાર લગી નવી પેઢી એટલે કે ‘જેન-ઝી’ અને જેન-આલ્ફા વિશે નકારાત્મક વાતો જ સાંભળવા મળતી હતી. ‘જેન-ઝી’ સાવ બેકાર છે, મોબાઈલમાં ખૂંપેલી રહે છે, કશું કરવાની ત્રેવડ નથી એ પ્રકારની વાતો સાંભળવા મળ્યા કરતી હતી. ભાજપનાં સાંસદ કંગના રણૌતે તો ‘જેન-ઝી’ને ગટર જનરેશન ગણાવી દીધી હતી.
હવે અચાનક જ આખા દેશને જ્ઞાન થયું છે કે, ‘જેન-ઝી’ તો આ દેશની મોટી તાકાત છે અને ‘જેન-ઝી’ની ઉપેક્ષા કરવાની નહીં પણ તેને સાંભળવાની જરૂર છે. કંગનાએ પોતે ગુલાંટ લગાવીને પહેલાં જેના પર ગટર જનરેશનનું લેબલ લગાવેલું તેને દેશની શક્તિ ગણાવી દીધી છે. બીજા મહાનુભાવો પણ આ જ રાગ આલાપી રહ્યા છે.
નેતાઓ તો પવન જોઈને સઢ બદલતા હોય છે તેથી તેમની વાતને બહુ ગંભીરતાથી ના લેવાય પણ સામાન્ય લોકોમાં‘જેન-ઝી’ વિશેનો અભિપ્રાય બદલાયો છે ખરો ? સોશિયલ મીડિયા પરની કોમેન્ટ્‌સને જોતાં લાગે કે, નેતાઓ ભલે ગમે તે કહે પણ સામાન્ય લોકોએ હજુ ‘જેન-ઝી’ને જોવાનો દૃષ્ટિકોણ વધારે બદલવાની જરૂર છે. હજુય સમાજનો એક વર્ગ યુવાઓને અને ખાસ તો છોકરીઓને તેમનાં કપડાં કે તેમની લાઈફસ્ટાઈલના આધારે મૂલવે છે. જેન-ઝીની ભાષા કે સૂત્રોના આધારે તેમની દેશભક્તિનું મૂલ્યાંકન થાય છે, તેમનામાં સંસ્કાર નથી એવાં સર્ટિફિકેટ અપાય છે. જેન-ઝીમાં ભારતીય સંસ્કારો નથી એવી વાતો પણ થાય છે.
હાસ્યાસ્પદ વાત પાછી એ છે કે, નેતાઓના ભ્રષ્ટાચારથી માંડીને ગંદી ભાષા-વર્તનને ચૂપચાપ સહન કર્યા કરતી પેઢી આ વાતો કરે છે. ભારત તો કૃષ્ણની ભૂમિ છે કે જેમણે અન્યાય અને અત્યાચાર કરનારાં પોતાનાં સ્વજનો, વડીલો કે ગુરુઓ સામે હથિયાર ઉઠાવીને લડવાનું જ્ઞાન આપ્યું. જેન-ઝી એ જ કરી રહી છે તો પછી તેનામાં ભારતીય સંસ્કાર નથી એવું કઈ રીતે કહી શકાય ?
જૂની પેઢીએ આ વલણ અને અભિગમ બદલવાની જરૂર છે. જેન-ઝીને કપડાંના આધારે કેરેક્ટર સર્ટિફિકેટ આપવાના બદલે તેમના ઉદ્દેશને આધારે તેમને મૂલવવાની જરૂર છે.

‘જેન-ઝી’ સામે કેમ બધા નમી ગયા છે ?
ગુજરાતીમાં કહેવત છે કે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. નરેન્દ્ર મોદીથી માંડીને મોહન ભાગવત સુધીના બધા અત્યારે ‘જેન-ઝી’ને વખાણી રહ્યા છે, તેને પંપાળી રહ્યા છે તેનું કારણ ‘જેન-ઝી’એ ‘નીટ’ પેપર મામલે કરેલું પ્રચંડ આંદોલન છે. અભિજીત દીપકેએ બનાવેલી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના દેખાવોને કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બિસ્તરાં પોટલાં બાંધીને રવાના થવું પડ્‌યું એ પછી બધાંને ડહાપણની દાઢ ફૂટી છે. નરેન્દ્ર મોદી અચાનક જ ‘જેન-ઝી’ને ‘ફ્રેન્ડ઼ઝ’ કહીને સંબોધવા માંડ્‌યા છે અને ઈન્સ્ટાગ્રામ પર રીલ પર રીલ મૂકી રહ્યા છે કેમ કે ‘જેન-ઝી’ સૌથી વધારે સક્રિય ઈન્સ્ટાગ્રામ પર છે. મોહન ભાગવતે પણ ‘જેન-ઝી’નાં વખાણ કરીને કહ્યું છે તે. જેન-ઝી અને જેન-આલ્ફા અમારી પેઢી કરતાં વધારે પ્રમાણિક છે અને વધારે દેશભક્ત છે.
‘જેન-ઝી’ કે જેન-આલ્ફાને દેશભક્તિ કે ઈમાનદારી સાબિત કરવા માટે મોહન ભાગવત કે બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી પણ ‘જેન-ઝી’નાં આ વખાણ આપણા કહેવાતા નેતાઓ કઈ હદે તકસાધુ છે તેના પુરાવારૂપ છે. નીટનું પેપર ફૂટ્યું અને તેના કારણે હતાશ યુવાઓએ આપઘાત કરવા માંડ્‌યા ત્યારે ‘જેન-ઝી’ની વ્યથાને કોઈ સમજવા તૈયાર નહોતું. મોદી સહિતના સરકારમાં બેઠેલા કોઈએ પણ નીટનું પેપર લીક થયું એ બહુ ખરાબ થયું એવું સહાનુભૂતિનું એક વાક્ય પણ નહોતું કહ્યું. ધર્મેન્દ્ર પ્રધાન તો અઠવાડિયા સુધી પેપર લીક થયું હોવાનું સ્વીકારવા પણ તૈયાર નહોતા. મીડિયાએ પુરાવા આપ્યા પછી પેપર લીક થયાનું સ્વીકાર્યું પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના કોઈ અધિકારી સામે કોઈ પગલાં ના લેવાયાં.
‘જેન-ઝી’નું આાંદોલન ઉગ્ર બન્યું પછી પ્રધાનને પણ રવાના કરી દેવાયા અને એનટીએના ૪૭ અધિકારીને એક સાથે સસ્પેન્ડ કરી દેવાયા. આ કામ પહેલાં કેમ ના થઈ શક્યું ? ભાગવત કે બીજાં બધાંએ આંદોલન ઉગ્ર બન્યું પછી યુવાઓની વાતો સાંભળવાનું જ્ઞાન પિરસવાનું શરૂ કર્યું પણ પહેલાં યુવાઓ સાથે કોઈ નહોતું. આંદોલન કરનારા યુવાઓને પાકિસ્તાન-ચીનના દલાલ, દેશદ્રોહી, અપરાધીઓ સહિતનાં લેબલો લગાડીને બદનામ કરાયા ત્યારે તેમનો બચાવ કરવા કોઈ આગળ ના આવ્યું. આંદોલનકારી છોકરીઓ વિશે ગંદી કોમેન્ટ્‌સ થતી હતી, તેમના ચારિત્ર્ય સામે સવાલ કરાતા હતા ત્યારે પણ બધા ચૂપ હતા. હવે બધાંને હેત ઉભરાયું છે કેમ કે, જેન-ઝીએ પ્રચંડ આંદોલન કરીને મોદી સરકારને ઘૂંટણિયે પાડી દીધી. જેન-ઝીએ પોતાની તાકાત બતાવી એટલે હવે બધાંને યુવા દેશની તાકાત લાગવા માંડ્‌યા છે.

જૂની પેઢી ‘જેન-ઝી’માંથી પ્રેરણા લેશે ?
સામાન્ય રીતે નવી પેઢી જૂની પેઢીમાંથી પ્રેરણા લેતી હોય છે પણ અત્યારના માહોલમાં જૂની પેઢીએ નવી પેઢી પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે કેમ કે જેન-ઝી આગલી પેઢીઓ કરતાં વધારે નિડર છે. જૂની પેઢી માનસિક રીતે નપુંસક થઈ ગઈ છે અને તેનામાં અન્યાય સામે અવાજ ઉઠાવવાની કે બોલવાની સુધ્ધાં તાકાત રહી નથી. નીટ પેપર લીક તો આ દેશના સડી ગયેલા તંત્રની નિષ્ફળતાનું એક નાનું ઉદાહરણ છે પણ એ સિવાય બીજું ઘણું લોલંલોલ આ દેશમાં વરસોથી ચાલી રહ્યું છે પણ જૂની પેઢીમાં તેની સામે બોલવાની પણ હિંમત નથી.
આપણે આ દેશની સ્થિતી જોઈશું તો ખબર પડશે કે, જૂની પેઢી કેટલી કાયર છે. ભારતમાં લોકશાહીનું મંદિર મનાતી સંસદમાં હત્યા, બળાત્કારના આરોપીઓ બેસે છે પણ લોકો તેની સામે બોલી શકતા નથી. રાજકીય પક્ષો અપરાધીઓને ટિકિટો આપે તેની સામે તો જૂની પેઢી ચૂપ રહી જ પણ ઉલટાનું તેમને હરાવીને રાજકીય પક્ષોને પાઠ ભણાવવાની પણ હિંમત ના બતાવી. દરેક વિભાગમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે ને કોઈ કામ નૈવેદ્ય ધરાવ્યા વિના થતું જ નથી પણ તેની સામે પણ સૌ ચૂપ છે.
વેપારીઓની સંગ્રહખોરી અને સરકારની નિષ્ક્રિયતાના કારણે મોંઘવારી બેફામ વધી ગઈ છે ને સામાન્ય માણસ તો કઈ રીતે બે છેડા ભેગા કરવા તેની પળોજણમાંથી ઉંચો નથી આવતો પણ કોઈનામાં તેની સામે લડવાની હિંમત નથી. આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ સાવ મોંઘી થઈ ગઈ છે ને રોડ-રસ્તા સહિતની જાહેર સુવિધાઓ પણ સાવ ખાડે ગયેલી છે. એ બધામાં બેફામ ભ્રષ્ટાચારના કારણે દર ચોમાસામાં તો લોકોની જીંદગી દોઝખ બની જ જાય છે પણ સામાન્ય દિવસોમાં પણ સરખી રીતે જીવી શકાતું નથી. ગુનાખોરી વધી રહી છે, હત્યા-બળાત્કાર, લૂંટફાટ જેવી ઘટનાઓ સતત વધી રહી છે.
આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવાં તો અનેક દૂષણો આપણે ત્યાં કાયમી ઘર કરી ગયાં છે. રાજકારણીઓને આ દૂષણોને કાઢવામાં રસ નથી પણ સત્તા ટકાવી રખવા માટે ધારાસભ્યો કે સાંસદોને તોડવા, તેના માટે પાણીની જેમ પૈસા વાપરવામાં રસ છે ને જૂની પેઢી આ અધઃપતન સામે સાવ ચૂપ છે.
જેન-ઝીએ નીટ પેપર લીક સામે સફળ આંદોલન કરીને સાબિત કર્યું છે કે, જૂની પેઢીની જેમ કાયર નથી અને લડવાની તાકાત પણ છે અને ગાળો કે ધાકધમકી સામે ટકવાની પણ તાકાત છે. જૂની પેઢી તેમાંથી પ્રેરણા લે અને આ દેશને પરેશાન કરી રહેલી સમસ્યાઓ માટે લડે તો આ દેશ બદલાઈ શકે. જેન-ઝીનું ઝનૂન અને જૂની પેઢીનો સહકાર આ દેશમાં ક્રાંતિ લાવી શકે છે, નૈતિક અધઃપતનમાંથી બહાર લાવી શકે છે. ભૂતકાળમાં મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે આ રીતે લડત કરી હતી ને આઝાદ ભારતમાં જયપ્રકાશ નારાયણે યુવાઓને સાથે લઈને ઈન્દિરા ગાંધીના ભ્રષ્ટાચાર સામે જંગ છેડેલો. અત્યારે નરેન્દ્ર મોદી ભ્રષ્ટ નથી પણ સિસ્ટમ ભ્રષ્ટ છે જ તેથી તેમાં પરિવર્તન માટે જંગ જરૂરી છે, જરૂર જૂની પેઢી હિંમત બતાવે તેની છે.
sanjogpurti@gmail.com