ગેરી સોબર્સ ગુજરી ગયા. વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર મનાતા વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર સર ગારફિલ્ડ સોબર્સ એટલે કે ગેરી સોબર્સનું ૮૯ વર્ષની વયે અવસાન થયું એ સાથે જ ક્રિકેટનો એક મહાન યુગ પૂરો થઈ ગયો. વિશ્વ ક્રિકેટમાં એક ઓવરમાં ૬ સિક્સર ફટકરનારા પહેલા ક્રિકેટર અને ટેસ્ટની એક ઈનિંગમાં ૩૬૫ રનનો વરસો સુધી અડીખમ રહેલો વર્લ્ડ રેકોર્ડ બનાવનારા ગેરી સોબર્સનું નામ યુવા પેઢીમાં બહુ જાણીતું નથી પણ ક્રિકેટના અઠંગ ચાહકો માટે ગેરી સોબર્સ સન્માનનિય નામ છે. વિશ્વ ક્રિકેટમાં ટેસ્ટમાં ૯૯ રનની અકલ્પનિય એવરેજ ધરાવનારા ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનને ક્રિકેટ ઇતિહાસના મહાનતમ બેટ્સમેન તરીકે જ નહીં પણ મહાનતમ ખેલાડી તરીકે પણ સૌ સ્વીકારી ચૂક્યા છે. ગેરી સોબર્સ ડોન બ્રેડમેન પછીના બીજા નંબરના સૌથી મહાનતમ ક્રિકેટર મનાય છે.
ગેરી સોબર્સનો રેકોર્ડ ગજબનાક છે. સોબર્સ માર્ચ, ૧૯૫૪માં જમૈકાના સબિના પાર્ક ગ્રાઉન્ડમાં પહેલી ટેસ્ટ રમ્યા ત્યારે તેમની ઉંમર માત્ર માત્ર ૧૭ વર્ષની હતી. ૨૦ વર્ષ પછી એપ્રિલ, ૧૯૭૪માં ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનમાં ક્વીન્સ પાર્ટ ઓવલ ગ્રાઉન્ડમાં ૩૭ વર્ષની ઉંમરે છેલ્લી ટેસ્ટ રમ્યા ત્યાં સુધીમાં સોબર્સ વિશ્વ ક્રિકેટ પર અમીટ છાપ છોડી ચૂક્યા હતા. યોગાનુયોગ સોબર્સ પહેલી અને છેલ્લી બંને ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે જ રમ્યા.બીજો યોગાનુયોગ એ કે, પહેલી અને છેલ્લી બંને ટેસ્ટમાં સોબર્સનો દેખાવ બહુ સામાન્ય હતો. સોબર્સનો સમાવેશ બોલર તરીકે કરાયેલો પણ પહેલી ટેસ્ટમાં સોબર્સ ૧ જ વિકેટ ઝડપી શક્યા હતા. પહેલી ઈનિંગમાં ૧૪ અને બીજી ઈનિંગમાં ૨૬ મળીને સોબર્સે કુલ ૪૦ જ રન કરેલા. છેલ્લી ટેસ્ટમાં બંને ઈનિંગમાં મળીને સોબર્સે ૩ વિકેટ લીધેલી જ્યારે પહેલી ઈનિંગમાં ૦ અને બીજી ઈનિંગમાં ૨૦ મળીને ૨૦ જ રન કર્યા તેથી સોબર્સની આરંભ કે અંત બંને પ્રચંડ નહોતાં પણ વચ્ચેના ગાળામાં તેમણે પ્રચંડ દેખાવ કર્યો.
સોબર્સ સચિન અને વિરાટ કરતાં મહાન બેટ્સમેન સાબિત થયા. સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટની ૩૨૯ ઇનિંગ્સમાં કુલ ૧૫,૯૨૧ રન બનાવ્યા. સચિને ટેસ્ટમાં ૫૧ સદી અને ૬૮ અડધી સદી ફટકારી છે જ્યારે તેની એવરેજ ૫૩.૭૮ રનની છે. મતલબ કે સચિને દર ૪ ટેસ્ટમાં એક સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ૪૬.૮૫ની બેટિંગ સરેરાશ સાથે ૧૨૩ ટેસ્ટ મેચની ૨૧૦ ઈનિંગ્સમાં કુલ ૯,૨૩૦ રન બનાવ્યા, વિરાટે ૩૦ સદી અને ૩૧ અડધી સદી ફટકારી છે. મતલબ કે, વિરાટે પણ દર ૪ ટેસ્ટે એક સદી ફટકારી છે.
ગેરી સોબર્સે ૯૩ ટેસ્ટમાં ૮૦૩૨ રન બનાવ્યા અને તેમની એવરેજ ૫૭.૭૮ રનની હતી. સોબર્સે ૨૬ સદી અને ૩૦ અડધી સદી ફટકારી છે. મતલબ કે, સાડા ત્રણ ટેસ્ટમાં એક સદી ફટકારી છે. સોબર્સની ટેસ્ટ એવરેજ સચિન કરતાં ૪ રન જ્યારે વિરાટ કોહલી કરતાં ૧૧ રન વધારે છે. સચિન અને વિરાટ બંને ભારતના મહાન બેટ્સમેન છે ત્યારે તેમના કરતાં વધારે બેટિંગ એવરેજ ધરાવનાર બેટ્સમેનને મહાન ગણવા જ પડે.
સોબર્સને બીજા નંબરના મહાન ખેલાડી ગણવામાં આવે છે તેનું કારણ તેમની બોલિંગ ક્ષમતા છે. સોબર્સ . મીડીયમ ફાસ્ટ અને સ્પિન બંને રીતે બોલિંગ નાંખતા હતા. સોબર્સે ૯૩ ટેસ્ટમાં ૨૩૫ વિકેટ ઝડપીને પોતાની બોલિંગથી પણ વેસ્ટ ઈન્ડિઝને જીત અપાવી. ૧૯૮૦ના દાયકામાં વિશ્વ ક્રિકેટમાં ભારતના કપિલદેવ, ઈંગ્લેન્ડના ઈયાન બોથમ, પાકિસ્તાનના ઈમરાન ખાન અને ન્યુઝીલેન્ડના રિચાર્ડ હેડલી એ ચાર ઓલરાઉન્ડર્સની બોલબાલા હતી. આ પૈકી કોણ સૌથી મહાન ઓલરાઉન્ડર તેની ચર્ચા સતત ચાલતી પણ સોબર્સ તેમના કરતાં શ્રેષ્ઠ હતા એવું સૌએ સ્વીકારેલું કેમ કે કપિલ, ઈમરાન, બોથમ કે હેડલીમાંથી કોઈની પાસે સોબર્સ જેવો બેટિંગ પાવર નહોતો. સોબર્સે એકલા હાથે હરીફ ટીમના બોલિંગનાં છોતરાં ફાડી નાંખતા અને એકલા હાથે બોલિંગથી ટીમને જીતાડી શકતા. સોબર્સ ફિલ્ડિંગમાં પણ બીજાં બધાં કરતાં જોરદાર હતા. ૯૩ ટેસ્ટમાં ૧૦૯ કેચ સોબર્સની સુંદર ફિલ્ડિંગનો પુરાવો છે.
સોબર્સ બે સિધ્ધિઓ માટે હંમેશાં યાદ રહેશે. યોગાનુયોગ સોબર્સની આ બંને સિધ્ધિઓ સાથે ભારતીય કનેક્શન છે. સોબર્સની પોતાની પહેલી ટેસ્ટ સદી ટ્રિપલ સેન્ચુરી હતી અને વિશ્વમાં પોતાની પહેલી ટેસ્ટ સદી ટ્રિપલ સેન્ચુરી હોય એવા સોબર્સ પહેલા ક્રિકેટર હતા. એ જ રીતે સોબર્સ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક જ ઓવરના સતત છ બોલ પર છ સિક્સર ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા. સોબર્સના પહેલા રેકોર્ડની બરાબરી ભારતના કરૂણ નાયરે કરી જ્યારે બીજી સિધ્ધીની બરાબરી રવિ શાસ્ત્રીએ કરી હતી.
સોબર્સ ૧૯૫૪માં પહેલી ટેસ્ટ રમ્યા પણ પોતાની પહેલી સદી ફટકારતાં ૪ વર્ષ લાગ્યાં હતાં. સોબર્સે શરૂઆતનાં વરસોમાં ઘણી અડધી સદી ફટકારી પણ તેને મોટા સ્કોરમાં એ ફેરવી શકતા નહોતા તેથી બહુ ટીકા થતી હતી. સોબર્સે ૧૯૫૮માં પાકિસ્તાન સામેની કિંગસ્ટન ટેસ્ટમાં અણનમ ૩૬૫ રન ફટકારીને સૌની બોલતી બંધ કરી દીધી હતી. વરસો સુધી સોબર્સનો અણનમ ૩૬૫ રનનો સ્કોર ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો. વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ ૩૭૫ રન ફટકારીને આ રેકોર્ડ તોડ્યો હતો.
સોબર્સની કારકિર્દીની આ પ્રથમ ટેસ્ટ સદી પણ હતી. સોબર્સ પછી ઓસ્ટ્રેલિયાના બોબ સિમ્પસને ૧૯૬૪માં અને કરુણ નાયરે ૨૦૧૬માં અણનમ ૩૦૩ રન ફટકારીને પહેલી સદી ત્રેવડી સદી હોય એ રેકોર્ડની બરાબરી કરી. બંનેએ ઈંગ્લેન્ડ સામે આ સિધ્ધિ મેળવી હતી.
સોબર્સે ૩૧ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ સ્વાનસીના સેન્ટ હેલેન્સ મેદાન પર ગ્લેમોર્ગન સામે નોટિંગહામશાયરના કેપ્ટન તરીકે રમતાં માલકમ નાશની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. સોબર્સે પહેલા ચાર બોલને આસાનીથી મેદાનની બહાર મોકલી દીધા હતા પણ પાંચમા બોલે ‘લોંગ-ઓફ’ બાઉન્ડ્રી પાસે રોજર ડેવિસે કેચ પકડી લીધો હતો. કેચ પકડતી વખતે ડેવિસ નીચે પડ્યા અને પીઠ બાઉન્ડ્રી લાઇનના દોરડાને અડકી જતાં અમ્પાયર એડી ફિલિપસને ‘સિક્સ’ જાહેર કરી. સોબર્સે ઓવરના છઠ્ઠા બોલને ફરી બાઉન્ડ્રી બહાર મોકલીને સિક્સરની સિક્સર પૂરી કરી.
રસપ્રદ વાત એ છે કે, ટેસ્ટના જમાનામાં આવી તોફાની બેટિંગ કરનારા સોબર્સ પોતે રમેલી એક માત્ર વન-ડે મેચમાં ઝીરોમાં આઉટ થયા હતા.
સોબર્સની અંજુ મહેન્દ્રુ સાથેની લવ સ્ટોરી બહુ ગાજી હતી. ભારતીય અભિનેત્રી અંજુ મહેન્દ્રુ અત્યારે ૮૦ વર્ષની છે પણ બહુ જાજરમાન લાગે છે. ગેરી સોબર્સ વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ સાથે ૧૯૬૬-૬૭માં ભારત પ્રવાસે આવ્યા ત્યારે અંજુ મહેન્દ્રુના પ્રેમમાં પડ્યા હતા. અંજુ એ વખતે માત્ર ૨૦ વર્ષનાં હતાં અને એક્ટિંગ તથા મોડેલિંગમાં કરીયર બનાવવા સંઘર્ષ કરી રહ્યાં હતાં. મહાન સંગીતકાર મદન મોહનનાં ભાણેજ અંજુની મુલાકાત એક પાર્ટીમાં સોબર્સ સાથે થઈ અને પછી મુલાકાતો શરી થઈ. આ મુલાકાતો પ્રેમમાં પરિણમી. એ વખતે અંજુ સોબર્સની મેચ હોય એ શહેરમાં પહોંચી જતાં ને બંને સાથે જ રહેતાં. વેસ્ટ ઈન્ડિઝની મેચ કોલકાતામાં હતી ત્યારે અંજુ ત્યાંં પહોંચી ગયેલાં ને કોલકાતાની એક પાર્ટીમાં સોબર્સે અંજુને પ્રપોઝ કરેલું. અંજુએ હા પાડી પછી બંનેએ સગાઈ કરી લીધી પણ અંજુના પરિવારને આ સંંબંધ મંજૂર નહોતો તેથી બંનેનાં લગ્ન ના થઈ શક્યાં.
અંજુ એ પછી રાજેશ ખન્નાના પ્રેમમાં પડી હતી. સોબર્સથી અલગ થયા પછી અંજુ રાજેશ ખન્ના સાથે રહેવા લાગી. ૧૯૭૨ સુધી બંને પતિ-પત્નીની જેમ સાથે જ રહેતાં હતાં. રાજેશ ખન્નાએ અંજુને પ્રપોઝ કરીને લગ્ન કરવા કહેલું પણ અંજુએ ના પાડી દેતાં બંનેના સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત થઈ. છેવટે રાજેશ ખન્નાએ અંજુને છોડી દીધી અને માર્ચ ૧૯૭૩ માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરી લીધાં.
સોબર્સ પણ અંજુને ભૂલીને સપ્ટેમ્બર ૧૯૬૯માં ઓસ્ટ્રેલિયન પ્રુડન્સ કિર્બી સાથે લગ્ન કરી લીધાં. આ લગ્નથી તેમને બે પુત્રો અને થયા જ્યારે એક દીકરીને દત્તક લીધી. ૧૫ વર્ષના લગ્નજીવનના અંતે ૧૯૮૪માં બંને અલગ થયાં એ પહેલાં સોબર્સ ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયાના નાગરિક પણ બની ગયા હતા. સોબર્સ નિવૃત્તિ પછી કોચિંગ વગેરેમાં સક્રિય હતા પણ છેલ્લાં કેટલાંક વરસોથી અલિપ્ત થઈ ગયા હતા. કદાચ બિમારી કારણભૂત હશે ને આ બિમારીના કારણે જ એ મહાન ક્રિકેટર છેવટે આપણી વચ્ચેથી કાયમ માટે વિદાય થઈ ગયા.
sanjogpurti@gmail.com











































