ઓછા વરસાદના કારણે વડિયા-કુંકાવાવ તાલુકામાં ખેડૂતોના ઉભા પાક પર સંકટ ઊભું થયું છે. પાણીના તળિયા નીચે જતાં અનેક કૂવાઓમાં પણ પાણી ઘટતાં ખેડૂતોને સિંચાઈની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણીએ અમરેલી જિલ્લા કલેક્ટર અને વડિયા મામલતદારને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના (સૌની યોજના)નું પાણી તાત્કાલિક તાલુકાના જરૂરી ચેકડેમો, તળાવો અને ડેમમાં છોડવાની માંગ કરાઈ છે.