અમદાવાદમાં આગામી સોમવારથી શરૂ થઈ રહેલા ૧૦ દિવસના ગણેશોત્સવને લઈને બજારોમાં ભારે ધમધમાટ જાવા મળી રહ્યો છે. ગણેશ મૂર્તિઓ ઉપરાંત મીઠાઈ, પૂજા સામગ્રી, રોશની, ફૂલ અને અન્ય તહેવારની ચીજવસ્તુઓના વેપારીઓ પણ મોટા વેપારની આશા રાખી રહ્યા છે. વેપારીઓના અંદાજ મુજબ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન આશરે રૂ. ૨૦૦ કરોડનો કારોબાર થવાની સંભાવના છે.
આ વર્ષે મોંઘવારીના કારણે ગણેશ મૂર્તિના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થયો છે અને કેટલાક કિસ્સામાં વધારો ૨૦ ટકા સુધી પહોંચ્યો છે. શહેરમાં ગણેશ મૂર્તિના અસ્થાયી સ્ટોલ ઊભા થઈ ગયા છે અને મૂર્તિઓનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ ભાવવધારો મુખ્યત્વે સજાવટની સામગ્રી અને મજૂરીના ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો છે.
ઘરે સ્થાપિત થતી મોટાભાગની મૂર્તિઓ એકથી ત્રણ ફૂટ ઊંચાઈની હોય છે અને તે સંપૂર્ણપણે માટીમાંથી બનાવવામાં આવે છે. વેપારીઓના જણાવ્યા મુજબ મૂર્તિઓ મુખ્યત્વે મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાંથી આવે છે અને કેટલાક ઓર્ડર લગભગ એક વર્ષ અગાઉથી આપવામાં આવે છે.
આ વર્ષે ૧.૫થી ૨ ફૂટની ગણેશ મૂર્તિઓની સૌથી વધુ માગ છે. ૧.૫ ફૂટની મૂર્તિના ભાવ રૂ. ૨૫૦૦થી રૂ. ૩૦૦૦ જ્યારે બે ફૂટની મૂર્તિના ભાવ રૂ. ૪૦૦૦થી રૂ. ૫૦૦૦ સુધી છે. ત્રણ ફૂટની મૂર્તિના ભાવ ડિઝાઇન પ્રમાણે રૂ. ૮૦૦૦થી રૂ. ૧૨૦૦૦ સુધી છે. એકંદરે મૂર્તિઓના ભાવ રૂ. ૧૫૦૦થી રૂ. ૧૨૦૦૦ સુધી છે. મૂર્તિઓ ઉપરાંત તૈયાર સજાવટની સામગ્રીની પણ માગ વધી રહી છે. તેની કિંમત રૂ. ૫૦૦થી રૂ. ૨૫૦૦૦ સુધી છે. રંગબેરંગી પડદા, ફૂલો અને લટકણ જેવી આકર્ષક સજાવટની ચીજા પણ લોકો ખરીદી રહ્યા છે.
ગણેશોત્સવ દરમિયાન પરંપરાગત ‘છપ્પન ભોગ’ માટેની તૈયાર પેટીઓ પણ લોકપ્રિય બની રહી છે. તેમાં વિવિધ પ્રકારની ૫૬ મીઠાઈ, લાડુ અને બરફીનો સમાવેશ થાય છે. તેની કિંમત રૂ. ૧૫૦૦ થી રૂ. ૩૦૦૦ છે અને પરંપરાગત છપ્પન ભોગ ધરાવવાની ઇચ્છા ધરાવતા પરિવારોમાં તેની માગ વધી રહી છે.
ગણેશોત્સવના વેપારમાં મીઠાઈ અને ગણપતિના ભોગની ચીજવસ્તુઓથી રૂ. ૪૫થી ૫૦ કરોડ, જ્યારે પૂજા સામગ્રી, વાહનવ્યવહાર અને પંડાલ તથા રોશનીની સામગ્રીથી રૂ. ૨૫થી ૩૦ કરોડના વેપારની અપેક્ષા છે. ફૂલ અને રોશનીના વેપારીઓ પણ આશરે રૂ. ૨૫ કરોડના વેપારની આશા રાખી રહ્યા છે.
ગણેશોત્સવ દરમિયાન પૂજારીઓની માગમાં પણ વધારો થયો છે. સ્થાપનવિધિ અને ધાર્મિક કાર્યક્રમો માટે પૂજારીઓની માગ વધતા ‘મહારાજ’ માટે પણ વ્યસ્ત દિવસો શરૂ થવાના છે. તહેવારના પ્રથમ અને અંતિમ દિવસોમાં કેટલાક પૂજારીઓને એક જ દિવસમાં ચારથી પાંચ સ્થળોએ પૂજા કરાવવી પડી શકે છે.







































