બાબરાના શિરવાણીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા વેલજીભાઇ મનજીભાઇ રોજાસરા (ઉ.વ.૫૫) પોતાની ગાય ચરાવવા મુકીને ઘરે પરત આવતા હતા. તે સમયે સુરેશભાઇની દુકાન પાસે મોટરસાયકલ પર બેસેલા આરોપી રાજુભાઇ ગાંડુભાઇ જાદવ સાથે અગાઉ આપેલા રૂ. ૩૦૦૦ની લેતીદેતી બાબતે ચાલી આવતી જૂની અદાવતમાં બોલાચાલી થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી પોતાના હાથમાં રહેલા બરફ કાપવાના લોખંડના સોયા વડે વેલજીભાઇના પેટના ભાગે આડેધડ પાંચ-છ ઘા મારી દીધા હતા. આ હુમલામાં વૃદ્ધના આંતરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો છે.