સાવરકુંડલામાં છેલ્લા ૯૭ વર્ષથી ઉજવાતા કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના જન્માષ્ટમી મહોત્સવે ૯૮મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તા. ૨થી ૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં ધાર્મિક આસ્થા, સંગીત, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ‘જીવનની પગથાર—સંગીત સંધ્યા’ કાર્યક્રમમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગોને સંગીત, અભિનય અને સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવા શાળા બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. ત્રણેય દિવસ પ્રભાતફેરી સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અંતિમ દિવસે કૃષ્ણ જન્મ મહોત્સવમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો. મહોત્સવમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.