ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ થઈ ગયો. સૌરાષ્ટ્રના ભાવનગરમાં થયેલા આ લઠ્ઠાકાંડમાં સત્તાવાર રીતે ૧૦ લોકોનાં મોત થયાં જ્યારે અસરગ્રસ્તોનો આંકડો તો લગભગ ૭૦નો છે. દારૂ બનાવવામાં મિથેનોલ વપરાયો તેના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડે ગુજરાતની દારૂબંધીની પોલ ખોલી દીધી છે. ગુજરાતની દારૂબંધી માત્ર કાગળ પર જ છે એ વાત ફરી સાબિત કરી દીધી છે. ‘નકલી વિદેશી દારૂ’ પીવાના લીધે લોકોનાં મોત થયાં એવા દાવા કરીને લઠ્ઠાકાંડની ભયાનકતાને ઓછી બતાવવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ તેનાથી હકીકતમાં ફરક પડતો નથી. ઝેરી દારૂને લઠ્ઠો કહેવાય છે ને ભાવનગરમાં ઝોરી દારૂ પીને લોકો મર્યાં છે તેથી આ લઠ્ઠાકાંડ જ છે.
પોલીસ એફ.આઈ.આર. ની વિગતો પ્રમાણે, આરોપીઓ દારૂ બનાવવા માટેનોકાચો માલ એટલે કે વ્હાઈટ મટીરિયલ (પ્રવાહી સ્વરૂપમાં) અમદાવાદથી લાવ્યા હતા. આ સિવાય ખાલી બોટલો, ઢાંકણાં, સ્ટીકર તથા મિથેનોલ વગેરે સરખેજ તેમજ અન્ય વિસ્તારમાંથી લવાયાં હતા. ભાવનગર આવીને ગૌતમ નામના આરોપીના ઘરે લગભગ ૫૧ પેટી દારૂ બનાવીને છૂટક વેચાણ કર્યું હતું. આ દારૂ ફટાફટ ખપી જતાં ફરી બનાવેલો દારૂ ઝેરી બનતાં તેનો નાશ કર્યો હતો. એ પછી રઈસ નામના આરોપીએ બીજા આરોપી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડાક્ટરને મધ્યપ્રદેશથી બોલાવ્યો હતો. આ બધાંએ ભેગા મળીને દારૂ બનાવ્યો ને તેમાં જે મિથેનોલ વધી જતાં લઠ્ઠાકાંડ થઈ ગયો.
ગુજરાતમાં આમ તો લઠ્ઠાકાંડની નવાઈ નથી ને વરસ-બે વરસે લઠ્ઠાકાંડ થયા જ કરે છે. ૨૦૦૯માં અમદાવાદના ઓઢવ, બાપુનગર અને કાગડાપીઠ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી ૧૪૦થી વધુનાં મોત થયાં હતાં અને ૨૦૦થી વધુ લોકોએ આંખો ગુમાવી હતી. ગુજરાતનો આ સૌથી મોટો લઠ્ઠાકાંડ હતો. આ લઠ્ઠાકાંડ પછી દારુબંધીના કડક અમલની જરૂર હતી પણ એ ના થયું તેથી સમયાંતરે લઠ્ઠાકાંડ થયા છે, કોઈમાં બે-પાંચ મરે તો કોઈમાં દસ-વીસ લોકો ઢબી જાય છે.
ગુજરાતમાં દારૂબંધીને કારણે લઠ્ઠાકાંડ થાય છે ?
ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય કે દારૂને લગતી કોઈ ઘટના બને કે તરત જ ‘દારૂબંધી હટાવી લેવી જોઈએ’ એવું કોરસ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી લઠ્ઠાકાંડ સહિતનું બધું થાય છે એટલે દારૂબંધી હટાવી લેવી જોઈએ એવી માગ શરૂ થઈ જાય છે. આ વાતો હાસ્યાસ્પદ છે કેમ કે ગુજરાતમાં જ લઠ્ઠાકાંડ નથી થતા પણ દારુબંધી નથી ને દારુ વેચવાની છૂટ છે એ રાજ્યોમાં પણ લઠ્ઠાકાંડ થાય જ છે. તેનું કારણ ગેરકાયદેસર દારૂ બનાવવામાંથી થતી અંધાધૂંધ કમાણી છે.
કાયદેસર રીતે મળતા દારુ પર સરકારી ટેક્સ લાગે, વેચનારનું કમિશન ચડે, ટ્રાન્સપોર્ટેશન સહિતના બીજા ખર્ચા પણ ચડે તેના કારણે મોંઘો પડે છે જ્યારે ગેરકાયદેસર રીતે બનતા દારુમાં ટેક્સ કે કમિશનની જફા નથી હોતી તેથી સાવ સસ્તો પડે છે. આ કારણે દારૂ વેચવાની છૂટ છે એ રાજ્યોમાં ગેરકાયદેસર દારૂ બને છે ને વેચાય પણ છે. ગુજરાતમાં તો દારુબંધી જ છે તેથી કોઈ પણ પ્રકારનો દારૂ મળતો નથી એટલે દારૂના નશેડીઓને જે મળે એ ચાલે છે. જેમનાં ખિસ્સાંને બોટલનો દારૂ ના પરવડતો હોય એ પોટલી પીને પણ નશો કરતા હોય છે. પોટલી પીનારો વર્ગ મોટા ભાગે ગરીબ અને મજૂર છે જ્યારે મધ્યમ અને ઉચ્ચ વર્ગને બોટલનો દારૂ જોઈએ.
ઉચ્ચ વર્ગ એટલે ધનિકો તો પરમિટ લઈને કે બીજી રીતે ગમે તેટલો મોંઘો દારૂ પણ ખરીદી લેતા હોય છે પણ મધ્યમ વર્ગે સ્ટેટસ અને બજેટ બંને ધ્યાનમાં રાખવું પડે છે. પરમિટનો દારૂ મોંઘો હોય છે તેથી એ ખિસ્સાંને પરવડે નહીં ને પોટલી લેવા જાય તો આબરૂનો ધજાગરો થાય તેથી મોટા ભાગે મધ્યમ વર્ગ જ નકલી વિદેશી દારૂ પીવે છે. આ દારૂ બનતો અહીં જ હોય છે પણ બોટલો પર વિદેશી બ્રાન્ડનાં લેબલ લગાવીને વેચાય છે તેથી પિધ્ધડોને પોતે પીતા હોય એવો સંતોષ થાય છે. આ દારૂ બનાવવામાં બહુ મહેનત નથી કેમ કે કેમિકલથી જ બને છે તેથી સસ્તો પડે છે.
આ સંજોગોમાં દારૂબંધી નહીં હોય તો પણ ગેરકાયદેસર દારૂ તો બનવાનો જ કેમ કે ભારતમાં દારૂના શોખીન બહુમતી વર્ગના ખિસ્સાંને આ જ દારૂ પરવડે છે. તેમની જરૂરીયાતોને સંતોષવા માટે દારૂ બનાવવાથી માંડીને પહોંચાડવા સુધીનું નેટવર્ક પણ ગોઠવાયેલું છે. દારૂબંધી હોય કે ના હોય, આ નેટવર્ક તૂટવાનું નથી. આ ધંધામાં પણ સ્પર્ધા છે તેથી વધારે કીક આપે એવો માલ બનાવવાના અખતરા થયા જ કરે છે. તેમાંથી લઠ્ઠાકાંડ થાય છે.
ગુજરાતમાંથી દારૂબંધી હટી શકે ?
બિલકુલ ના હટી શકે કેમ કે ગુજરાતમાં દારૂનું એક સમાંતર અર્થતંત્ર ઉભું થયું છે. તંત્રમાં બેઠેલા લોકોને તેમાંથી ધૂમ કમાણી થાય છે તેથી ગાંધીજીના નામે દારૂબંધીનું તૂત ચલાવાય છે અને નેતા-પોલીસોનાં ઘર ભરાય છે. રાજકારણીઓ અને પોલીસની મહેરબાનીથી જ ગુજરાતમાં દારૂનો ગેરકાયદેસર કારોબાર ધમધોકાર ચાલે છે તેથી પોતાના પગ પર કુહાડો મારીને ઉપરની
આભાર – નિહારીકા રવિયા કમાણી બંધ કરાવવા માટે દારૂબંધી હટાવવાની મૂર્ખામી એ લોકો કદી ના કરે.
ગુજરાતમાં દારૂ બનાવનારા મોટા ભાગે રાજકારણીઓ અને પોલીસ પોતે કે પછી તેમના મળતિયા છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરનારા ધારાસભ્ય ને સાંસદ સુધ્ધાં બન્યા છે, મંત્રીપદે પણ પહોંચ્યા છે તેના પરથી જ રાજકારણીઓની ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવણી કેટલી ઉંડી છે એ સ્પષ્ટ થઈ જાય. આ પાછી એક પક્ષની વાત નથી પણ બધા રાજકીય પક્ષોની વાત છે. માનો કે, પોલીસ-નેતા દારૂ ના બનાવતા હોય તો રાજકારણીઓ અને પોલીસ દારૂનો ગેરકાયદેસર ધંધો કરનારાં પાસેથી હપ્તા લઈને તેમને છત્રછાયા પૂરી પાડે છે. તેના કારણે કડક કાયદા હોવા છતાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે.
ગુજરાતમાં દારૂબંધીનું કારણ મહાત્મા ગાંધી છે અને આજેય નેતાઓ ગાંધીજીના નામે ચરી ખાય છે પણ ગાંધીજીએ દારૂબંધીની તરફેણ કરી એ જમાનો અલગ હતો એ કોઈ કહેતું નથી. ગાંધીજી દારૂને સૌથી મોટુ સામાજિક દૂષણ માનતા ને તેના પર પ્રતિબંધ હોવો જોઈએ એવો તેમનો આગ્રહ હતો. ભારત ત્યારે ગરીબોનો દેશ હતો, ગુલામ હતો, સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સારી નહોતી ને અત્યંત ખરાબ રીતે બનાવાતો દેશી દારૂ જ મળતો. દારૂની ખરાબ અસરો વિશે લોકોમાં જાગૃતિ પણ નહોતી. સામાન્ય લોકો દારૂનો નશો કરીને બધી રીતે પાયમાલ ના થાય એટલે ગાંધીજી દારૂબંધીનો આગ્રહ રાખતા હતા.
આજે સ્થિતી અલગ છે.
અત્યારે પહેલાંની જેમ ખરાબ જ દારૂ મળતો નથી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય એવો અલગ અલગ પ્રકારનો દારૂ મળે છે. ડોક્ટરો પોતે મર્યાદિત પ્રમાણમાં દારુ પીવાય તો સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી એવું સ્વીકારે છે. સામાજિક રીતે ભારત બદલાયું છે. હવે પરિવારનાં અમુક લોકો ભારતમાં રહેતાં હોય ને બીજાં લોકો વિદેશમાં રહેતાં હોય એ સામાન્ય છે. ભારતમાં જ પરિવાર ગુજરાત અને ગુજરાતની બહાર વહેંચાયેલો હોય એવું પણ સામાન્ય છે. તેના કારણે દારૂ પીવા વિશે પહેલાંની જેમ સૂગ નથી. ભારતમાં આર્થિક રીતે પણ ઘણાં પરિવર્તનો આવ્યાં છે. મોટી કંપનીઓ વધી છે, વિદેશી કંપનીઓ સાથે જોડાણ વધ્યાં છે એ બધાંના કારણે પણ દારૂ પીવાનું ચલણ વધ્યું છે. આ કારણે દારુબંધી બિલકુલ ના હટાવાય પણ તેમાં છૂટછાટો અપાય તો ગાંધીજીનો આત્મા દુઃખી થઈ જવાનો નથી.
અલબત્ત એવું નહીં થાય કેમ કે તેના કારણે પોલીસથી માંડીને પોલિટિશિયન સુધીનાં બધાંને દારૂબંધીના કારણે ગેરકાયદેસર રીતે વેચાતા માલમાંથી મળતી મલાઈ બંધ થઈ જાય. બીજી તરફ દારૂબંધીનો કડક અમલ પણ નહીં થાય કેમ કે તેના કારમે પણ પોલીસથી માંડીને પોલિટિશિયન સુધીનાં બધાંને આર્થિક નુકસાન થાય. કોઈ હિંમતવાન નેતા આવે તો વાત અલગ છે, બાકી આ કારણોસર ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે. દારૂ પીને યુવાઓ તબાહ થાય, સમયાંતરે લઠ્ઠાકાંડ થાય તેના કારણે લોકો મરે એવું બધું ચાલ્યા કરશે ને સાથે સાથે દારુબંધી પણ ચાલ્યા કરશે.
sanjogpurti@gmail.com










































