ગાયના મૂત્ર અને છાણનું મહત્વઃ તે ખરેખર સર્વોપરી છે કે પછી સંસ્કૃતિ પ્રેમના કારણે સર્વોપરી મનાવવામાં આવે છે? ભારતીય કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રના ઇતિહાસમાં પશુધનની ભૂમિકા હંમેશા કેન્દ્ર સ્થાને રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સેન્દ્રીય ખેતી (Organic Farming), પ્રાકૃતિક ખેતી (Natural Farming) અને ઝીરો બજેટ ફાર્મિંગના નામે ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગનો પ્રચાર ખૂબ જ જોરશોરથી વધી રહ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને ખુદ સરકાર દ્વારા પણ ગૌમૂત્રને કૃષિ ક્ષેત્રે એક ક્રાંતિકારી અને ચમત્કારિક પ્રવાહી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. જીવામૃત, ઘનજીવામૃત અને પંચગવ્ય જેવા દેશી નુસખાઓને જમીનની તમામ સમસ્યાઓનો એકમાત્ર ઈલાજ ગણાવવામાં આવે છે. આ આખી પ્રક્રિયા વચ્ચે સમાજમાં બે સ્પષ્ટ વિચારધારાઓ ઊભી થઈ છે. એક તરફ એવો વર્ગ છે જે ગૌમૂત્ર અને છાણને ધાર્મિક પવિત્રતા અને આસ્થાના ચશ્માથી જુએ છે અને તેને કૃષિ વિજ્ઞાનની સર્વોચ્ચ શોધ માને છે. બીજી તરફ તટસ્થ વૈજ્ઞાનિકો, મુક્ત વિચારકો અને આધુનિક સંશોધકોનો એક વર્ગ છે જે પ્રશ્ન ઉઠાવે છે કે શું ગૌમૂત્ર ખરેખર અન્ય પશુઓના મળ-મૂત્ર કરતાં સર્વોપરી છે કે પછી ગાયને સામાજિક અને ધાર્મિક રીતે ‘માતા’ તરીકે સ્થાપિત કરવા માટે વિજ્ઞાનનો સહારો લઈને એક કૃત્રિમ આર્થિક મોડલ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આ વિષયને સમજવા માટે આપણે સંસ્કૃતિ પ્રેમ, વૈજ્ઞાનિક વાસ્તવિકતા અને અન્ય પશુઓ તેમજ માનવ મૂત્ર સાથેના તુલનાત્મક સંશોધનોને ઊંડાણપૂર્વક તપાસવા પડે.
ભારતીય સંસ્કૃતિમાં ગાય પ્રત્યેનો આદર અનાદિ કાળથી છે. સનાતન પરંપરા અને આયુર્વેદમાં ગાયને માત્ર એક પશુ નહીં પણ આર્થિક અને આધ્યાત્મિક આધાર સ્તંભ માનવામાં આવી છે. પરંતુ વર્તમાન સમયની સામાજિક સ્થિતિ તદ્દન જુદી છે. આજે ભારતના મોટાભાગના રાજ્યોમાં ગૌવંશની હત્યા પર કાનૂની પ્રતિબંધ છે. આ પ્રતિબંધનો એક ગંભીર સામાજિક અને આર્થિક પક્ષ એ છે કે જ્યારે ગાય દૂધ આપતી બંધ થાય છે, એટલે કે ‘પાકડી’ કે બિન-ઉત્પાદક બને છે, ત્યારે સામાન્ય ખેડૂત માટે તેને સાચવવી આર્થિક રીતે અશક્ય બની જાય છે. પરિણામે, લાખો ગાયો નધણીયાતી થઈને રસ્તાઓ પર રખડતી જોવા મળે છે. જે ગાયને એક તરફ માતા કહેવામાં આવે છે, તેને જ આર્થિક મજબૂરીના કારણે રસ્તા પર પ્લાસ્ટિક ખાવા માટે છોડી દેવામાં આવે છે. આ સામાજિક વિરોધાભાસ અને કટોકટીને હલ કરવા માટે સરકારી પોલિસી અને ધાર્મિક સંસ્થાઓએ એક નવો માર્ગ શોધ્યો. જો ગાય દૂધ ન આપે તો પણ તેના છાણ અને મૂત્રનું આર્થિક મૂલ્ય એટલું વધારી દેવામાં આવે કે ખેડૂત તેને ઘરમાં રાખવા મજબૂર થાય. ગૌમૂત્ર અને છાણમાંથી બનતી દવાઓ, જંતુનાશકો અને ખાતરોના વ્યાપક પ્રચાર પાછળ આ રખડતી ગાયોની સમસ્યાનું આર્થિક સોલ્યુશન લાવવાનો સામાજિક અને રાજકીય હેતુ છુપાયેલો છે. આથી, વિજ્ઞાનનો આધાર લઈને ગાયના મલ-મૂત્રનું મહત્વ વધારવાનો આ પ્રયાસ અંશતઃ કૃત્રિમ અને અંશતઃ સામાજિક વ્યવસ્થાપનનો એક ભાગ છે તેમ કહી શકાય.
જ્યારે આપણે સંસ્કૃતિ અને આસ્થાના ચશ્મા ઉતારીને શુધ્ધ વિજ્ઞાનની નજરે જોઈએ છીએ, ત્યારે વાસ્તવિકતા તદ્દન અલગ અને વધુ તાર્કિક દેખાય છે. કુદરત અથવા કૃષિ વિજ્ઞાનની નજરમાં કોઈ પશુ પવિત્ર કે અપવિત્ર નથી હોતું. વિજ્ઞાન ગૌમૂત્ર કે છાણને કોઈ ‘ચમત્કારિક અમૃત’ ગણતું નથી, પરંતુ તેને કેવળ એક ‘જૈવિક કચરો’ (Organic Waste) અથવા બાય-પ્રોડક્ટ માને છે. પૃથ્વી પરના કોઈપણ સસ્તન પ્રાણીના મૂત્રની જેમ ગૌમૂત્રમાં પણ આશરે ૯૫% પાણી, ૨.૫% યુરિયા અને બાકીના ૨.૫% માં વિવિધ ક્ષારો, હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ હોય છે. ખેતીમાં ગૌમૂત્રનો ઉપયોગ એટલે ફાયદાકારક છે કારણ કે તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ સારું હોય છે, જે છોડના વિકાસ માટે જરૂરી છે. વળી, છાણ જમીનમાં કાર્બનિક પદાર્થો (Organic Matter) વધારે છે અને જમીનની જલધારણ ક્ષમતા સુધારે છે. પરંતુ, શું આ ગુણો માત્ર ગાયના જ મળ-મૂત્રમાં છે? શું અન્ય પશુઓ આ મામલે પાછળ છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓએ કરેલા તુલનાત્મક સંશોધનો આંખ ઉઘાડનારા છે. (ક્રમશઃ)
naranbaraiya277@gmail.com










































