લાઠી-બાબરા-દામનગર વિધાનસભા વિસ્તારના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી પર મળતી સરકારી સહાયનો સરળતાથી લાભ મળી રહે તે માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ રાજ્યના કૃષિમંત્રી સમક્ષ અરજી કરવાની સમયમર્યાદા લંબાવવા અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સહાય મેળવવા માટે હવે માત્ર ૧૦ દિવસ જેટલો જ સમય બાકી છે, પરંતુ સાધનો બનાવતી કંપનીઓ અને ડીલરો પાસે હાલ સ્ટોક ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતો સમયસર ખરીદી કરી શકતા નથી. ખેડૂતોની આ વાસ્તવિક મુશ્કેલીને ધ્યાને લઈ, તેમની ભૂલ વિના સહાયથી વંચિત રહેવું ન પડે તે માટે મુદતમાં યોગ્ય વધારો કરવા માંગ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો પી.ડી. કોઠીવાળ, નિકુંજભાઈ કોટડીયા અને અન્ય કાર્યકર્તાઓની રજૂઆત બાદ ધારાસભ્ય અને સાંસદે કૃષિમંત્રીને સહાનુભૂતિપૂર્વક સમયમર્યાદા વધારવા અપીલ કરી છે, જેથી તમામ બાકી ખેડૂતો આ યોજનાનો પૂરો લાભ મેળવી શકે.