જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા અમરેલી જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જાફરાબાદના ઓડિટોરિયમ હોલ ખાતે ફિશરમેન અવેરનેશ તથા સાયબર અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૨૧ ઓગસ્ટના રોજ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માછીમારોને દરિયાઈ સુરક્ષા, બોટ તથા ખલાસીઓની વિગતો રાખવા, સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસ અથવા કોસ્ટ ગાર્ડને જાણ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ફિશરમેન વોચ ગ્રુપ સાથે સંકલન અંગે પણ સમજ આપવામાં આવી હતી. સાથે જ અજાણી લિંક પર ક્લિક ન કરવા,OTP, ATM PIN અને UPI PIN જેવી માહિતી શેર ન કરવા તેમજ સાયબર છેતરપિંડી થાય તો ૧૯૩૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવાયું હતું. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત આશરે ૪૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.











































