ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામના સ્વ. અરજણભાઈ બાંભણિયાના અકસ્માતે થયેલા અવસાનના કેસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), નવાબંદર શાખાને પાક ધિરાણ સામે અકસ્માત વીમો ન લેવાનું ભારે પડ્‌યું છે. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને અરજદારોની અપીલ મંજૂર કરી બેંકને વ્યાજ અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.સ્વ. અરજણભાઈનું ડિસેમ્બર ૨૦૧૪માં અકસ્માતે નિધન થયું હતું. નિયમ મુજબ પાક ધિરાણ ધરાવતા ખેડૂતનો અકસ્માત વીમો ઉતારવાની બેંકની જવાબદારી હોવા છતાં તેમ કરવામાં આવ્યું ન હતું. આથી વારસદારોએ જૂનાગઢ ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો, જ્યાં અરજી ફગાવી દેવાતા કમિશન સમક્ષ અપીલ કરવામાં આવી હતી.
અપીલની સુનાવણી બાદ કમિશને બેંકની બેદરકારી સ્વીકારી મૂળ રૂ. ૧ લાખની વીમા રકમ ફરિયાદની તારીખથી ૮ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, માનસિક ત્રાસ બદલ રૂ. ૧૦,૦૦૦ અને કાનૂની ખર્ચ પેટે રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૦,૦૦૦ વધારાના ૬૦ દિવસમાં ચૂકવવા હુકમ કર્યો છે. ૧૨ વર્ષ બાદ ગ્રાહક કમિશનના આ ચુકાદાથી પીડિત પરિવારને આખરે ન્યાય મળ્યો છે.