રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત ગેલેક્સી ચોક અને અન્ય મુખ્ય માર્ગો પર ખાનગી ટ્રાવેલ્સ ચાલકો દ્વારા આડેધડ બસો પાર્ક કરવામાં આવતાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. રસ્તાની વચ્ચે ઉભી રહેતી આ બસોના કારણે સામાન્ય વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ બસોનું ગેરકાયદેસર પાર્કિંગ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર કચેરીની સામે જ થાય છે, છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. તહેવારોના સમયે મુસાફરોનો ધસારો વધતાં સ્થિતિ વધુ ગંભીર બને છે. ઈમરજન્સી સેવાઓ જેવી કે સિવિલ હોસ્પિટલે જતી એમ્બ્યુલન્સ પણ આ જામમાં ફસાઈ જાય છે.આ ઉપરાંત, ખાનગી બસ ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરીને ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો બેસાડે છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે તાત્કાલિક કડક દંડ ફટકારવામાં આવે જેથી ટ્રાફિકની આ વિકટ સમસ્યાથી કાયમી મુક્તિ મળી શકે.








































