લીલીયા મોટા ગામમાં છેલ્લા બે વર્ષથી કાયમી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં ન આવતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા તાલુકા કક્ષાના આ ગામમાં વેરા પહોંચ, આકારણી, રજા ચિઠ્ઠી સહિતના અનેક કામો માટે અરજદારોને રઝળપાટ કરવી પડે છે. ગ્રામજનો દ્વારા તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કાયમી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવી નથી. લીલીયા ગામમાં મંજૂર થયેલા બે સેટઅપ મુજબ બે તલાટી કમ મંત્રીની જગ્યાઓ છે, તેમ છતાં બંને જગ્યાઓ છેલ્લા બે વર્ષથી ખાલી છે. આ જગ્યાઓ દિન-૭માં ભરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું લીલીયાના ઇન્ચાર્જ સરપંચ વિજય શેખલીયાએ જણાવ્યું હતું.








































