નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીનના મુદ્દે આદિવાસીઓનું ધરણું આઠમા દિવસે પણ યથાવત્ છે. આદિવાસીઓના આંદોલનને પગલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે કડક વલણ અપનાવતા કહ્યું છે કે જા આદિવાસીઓનો જંગલ જમીનનો પ્રશ્ન હલ થાય તો તેઓ રાજીનામું આપવા માટે પણ તૈયાર છે.
સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના હક્ક સહિતના મુદ્દાઓને લઈને આદિવાસીઓ દ્વારા શરૂ કરાયેલું ધરણું સતત આઠમા દિવસે પણ ચાલુ રહ્યું છે. આંદોલનકારીઓ દ્વારા પોતાની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. ધરણાને કારણે સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો પણ આંદોલનને સમર્થન આપી રહ્યા છે.
આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આદિવાસીઓના હિત સાથે જોડાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે. વસાવાએ જણાવ્યું કે જો સાગબારા જંગલ જમીનનો મુદ્દો ઉકેલવામાં આવે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. તેમના આ નિવેદનથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
મનસુખ વસાવાએ કોંગ્રેસના નેતાઓ અનંત પટેલ અને તુષાર ચૌધરી સહિત તમામ આદિવાસી નેતાઓને આ મુદ્દે સાથે આવવા માટે હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ પ્રશ્ન કોઈ એક પક્ષ કે નેતાનો નહીં પરંતુ આદિવાસી સમાજના હિત સાથે જોડાયેલો મુદ્દો છે. આથી તમામ આદિવાસી નેતાઓએ રાજકીય મતભેદો ભૂલીને એકસાથે આવીને આ પ્રશ્નના ઉકેલ માટે પ્રયાસ કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.
વસાવાએ આદિવાસી પ્રમાણપત્રને લઈને પણ ગંભીર મુદ્દો ઉઠાવવાની ચીમકી આપી છે. ખોટા આદિવાસી પ્રમાણપત્રના આધારે લાભ મેળવનારા લોકો સામે કાર્યવાહીનો મુદ્દો પણ આગામી સમયમાં ઉઠાવવામાં આવશે તેવા સંકેત તેમણે આપ્યા છે. હાલ સાગબારા ખાતે ચાલી રહેલા ધરણાને કારણે તંત્ર પર પણ આ મુદ્દાનો ઉકેલ લાવવાનું દબાણ વધી રહ્યું છે. આદિવાસી આગેવાનોની માંગણીઓ અને સરકારની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.