બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામમાં કરંટ લાગવાથી પિતા-પુત્રીના મોત થયા છે. મૃતકની મોટી દીકરીએ વીજ વિભાગ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરીને સહાય અને ન્યાયની માંગ કરી છે.
ચોમાસામાં ભેજને કારણે કરંટ લાગવાની દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી જ ઘટના ડીસા તાલુકાના રસાણા ગામે બની છે. આંખના પલકારામાં એક દુઃખદ ઘટના બની અને તેમાં ઘરના મોભી સહિત એક જ પરિવારના બે સભ્યોના મોત થતાં આખો પરિવાર દુઃખના શોકમાં ડૂબી ગયો છે.
રસાણા ગામે કપડાં સુકવવા માટે ગયેલી દીકરીને કરંટ લાગ્યો. તેને બચાવવા માટે પિતા દોડી આવ્યા હતા. દીકરીને બચાવવા આવેલા પિતાને પણ કરંટ લાગતાં પિતા-પુત્રી ઘટનાસ્થળે ઢળી પડ્યા હતા. પિતા-પુત્રીના મોતથી ઘરના અન્ય સભ્યોએ ચિચિયારી પાડીને મદદ માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ૨૦ વર્ષીય અમીષા ઠાકોર કપડાં સુકવવા ગઈ હતી ત્યારે અચાનક કરંટની ચપેટમાં આવી ગઈ. દીકરીને બચાવવા ગયેલા ૫૩ વર્ષીય પિતા કાનજીજી ઠાકોરનું પણ કરંટ લાગતાં મોત થયું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનામાં પરિવારજનોએ વીજ વિભાગની બેદરકારી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારજનોનો દાવો છે કે અગાઉ તેમણે વીજ વાયરોના રિપેરિંગ માટે રજૂઆત કરી હતી, પરંતુ રિપેરિંગ કરવામાં આવ્યું ન હતું. મૃતકની મોટી દીકરી નિકિતા ઠાકોરે વીજ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરીને સહાય અને ન્યાયની માંગ કરી છે.
મૃતક કાનજીજીની મોટી દીકરી નિકિતા ઠાકોરે કહ્યું કે, “લાઈટના કારણે મારી બહેન અને પિતાનું મોત થયું છે. અમે મજૂરી કરનારા લોકો છીએ. ભાઈ નાનો છે. કમાવનાર હાલ કોઈ નથી. હવે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી સહાય કરે. આજુબાજુ વાયરો જેમ-તેમ લટકે છે. સાહેબ, કોઈ તેને ઠીક કરવા હેલ્પરો
કે કોઈ આવ્યું નહીં. એટલે મારા પપ્પા અને બહેનનું મોત થયું છે. અમે ગરીબ છીએ, ગરીબ ઘર છે, ભાઈ નાનો છે. તો સરકાર અમને રાહત આપે તો સારું.”
ઉલ્લેખનીય છે કે ડીસાના રસાણા ગામના આ ઠાકોર પરિવાર પર અણધારી આફત આવી પડી છે. એક જ પરિવારના બે સભ્યોનું મોત થયું છે અને તેમાં કમાવનારા મોટા મોભીનું પણ મોત થયું છે. પરિવાર હાલ શોકમાં ઘરકાઈ ગયો છે. હવે જોવાનું રહ્યું કે આ પરિવારની વેદના સાંભળીને આગામી દિવસોમાં સરકાર કે તંત્ર કંઈક મદદ પહોંચાડે છે કે પછી આ પરિવારની વેદના દબાઈને રહી જાય છે.