દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સુરક્ષા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કરી તેની વિશેષતાઓ અંગે માહિતી મેળવી હતી.પ્રદર્શનમાં ૭.૬૨ મીમી સ્નાઇપર રાઇફલ, ગેલિલ સ્નાઇપર રાઇફલ, એન્ટી મટિરિયલ રાઇફલ, એકે-૪૭, ૭.૬૨ મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર ૫.૫૬ મીમી એસએફ રાઇફલ, એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ સહિતના આધુનિક શસ્ત્રો રજૂ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની સજ્જતા, શૌર્ય અને કાર્યક્ષમતાને બિરદાવી હતી. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણી, ડો. પ્રદ્યુમન વાજા, કૌશિકભાઈ વેકરીયા, ભરત સુતરીયા, અતુલ કાનાણી, ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો આર.વી. અસારી, વિકલ્પ ભારદ્વાજ અને સંજય ખરાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગજેરા સંકુલમાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થિનીઓ સાથે કર્યો સંવાદ
અમરેલીમાં રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના સર્વાંગી વિકાસની જવાબદારી મુખ્યમંત્રીની છે. તેમણે વિદ્યાર્થીઓને સંસ્કારો સાથે સારા નાગરિક બનવા અને સમયનું યોગ્ય આયોજન કરવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયા અને રીલ્સના વધુ પડતા ઉપયોગથી દૂર રહેવા પણ સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનુભાઈ ઠુંમર, ઉપપ્રમુખ પ્રતાપભાઈ જોગાણી, મંત્રી મનુભાઈ ડાવરીયા, અગ્રણી અતુલભાઇ કાનાણી અને અભયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમરેલીમાં ‘ટુ વ્હીલર ફોર ટુ’ બાઈક રેલીને મુખ્યમંત્રીની લીલી ઝંડી
અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતેથી અનુકંપા ફાઉન્ડેશનના નેતૃત્વમાં આયોજિત ‘ટુ વ્હીલર ફોર ટુ’ બાઈક રેલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકારના માર્ગ સુરક્ષા અભિયાનને વેગ આપવા અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે આ રેલી યોજાઈ હતી. મુખ્યમંત્રીએ અનુકંપા ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવી હતી. આ અભિયાન અંતર્ગત રસ્તા પર ચાલતા રાહદારીઓ, વૃધ્ધો તેમજ નાના બાળકો સાથે જતી માતાઓને સ્વેચ્છાએ લિફ્‌ટ આપી મદદરૂપ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડા. ભરતભાઈ કાનાબારે મુખ્યમંત્રીનું શાબ્દિક સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યો હતો.

નાગનાથ મહાદેવ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પૂજા
દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે યોજાઈ રહી છે. પૂર્વ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના અને જળાભિષેક કર્યો હતો. તેમણે ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી પહોંચ્યા હતા. તેમણે સાવરકુંડલા રોડ પર આવેલા શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ મળેલી રૂ.૪ કરોડની ગ્રાન્ટથી વૃક્ષારોપણ મહાઅભિયાન શરૂ કરાયું છે. શહેરમાં ઓક્સિજન પાર્ક બનાવવાની સાથે મુખ્ય માર્ગોની બંને બાજુ અંદાજે ૧૩ હજાર વૃક્ષો વાવવામાં આવશે.

 

મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓની શૌર્યગાથા નિહાળી
અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત સમર્થ વ્યાયામ મંદિર ખાતે અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્ય અને સંઘર્ષને ઉજાગર કરતી સચિત્ર પ્રદર્શની યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનીનું નિરીક્ષણ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓની શૌર્યગાથાને શ્રધ્ધાપૂર્વક યાદ કરી હતી. દીપક હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ પ્રદર્શનીમાં આશરે ૭૫ સ્વાતંત્ર્ય સેનાનીઓની જીવનકથા, યોગદાન અને રાષ્ટ્રસેવાની ગાથા તસવીરો સાથે રજૂ કરવામાં આવી છે. આઝાદીની ચળવળથી આરઝી હકૂમત અને પોર્ટુગીઝ શાસન સામેની લડત સુધીના સંઘર્ષની ઝલક પણ દર્શાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શનીનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આયોજન બદલ શાળાના સંચાલકો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રસંગે જીતુ વાઘાણી, મહેશ કસવાલા અને કૌશિક વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

રાજયપાલ-મુખ્યમંત્રીની હાજરીમાં વિભાજન વિભીષિકા દિવસ કાર્યક્રમ
અમરેલી ખાતે આજે સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે ત્યારે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ભારત દેશના વિભાજન દરમિયાન નાગરિકોએ ભોગવેલા અસહ્ય સંઘર્ષ, યાતનાઓ અને તેમણે આપેલા બલિદાનોની સ્મૃતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને દિવંગતોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.