એક હતો અપ્પુ હાથી! શરીર તો પહાડ જેવું મોટું, પણ આંખો સાવ ચણા જેવી નાની-નાની! એમને ઝાંખું-ઝાંખું દેખાય, એટલે નાક પર મોટાં ચશ્માં પહેરે. ચશ્માં પહેરીને અપ્પુ એકદમ સ્માર્ટ હીરો જેવો લાગે!
એક સવારે સૂરજદાદા ઊગ્યા. અપ્પુ જાગ્યો અને ચશ્માં શોધવા લાગ્યો. પણ ચશ્માં મળે જ નહીં! એણે આમ જોયું, તેમ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આગળ જોયું, પાછળ જોયું. પણ ચશ્માં ન મળ્યાં તે ન જ મળ્યાં!
ઘડીભર અપ્પુ ગભરાઈ ગયો – ‘‘બાપ રે બાપ! મારા ચશ્માં ક્યાં ગયાં હશે?’’
એ તો ચશ્માં વગર આંખો ઝીણી કરીને જંગલમાં ભાગ્યો – ‘‘ધમ-ધમ-ધમ… ધમાક!’’
રસ્તામાં એક મોટો કાળો પથ્થર પડ્યો હતો. અપ્પુ ચશ્માં વગર એને જંગલના ભાલુજી સમજી બેઠો! એ તો પથ્થર પાસે જઈને બોલ્યો, ‘‘ઓ ભાલુજી, નમસ્તે! તમે મારાં ચશ્માં જોયાં છે? આ જુઓને, ચશ્માં વગર મને બધુંય ઝાંખું ઝાંખું દેખાય છે!’’
પણ પથ્થર થોડો કંઈ બોલે! અપ્પુ આગળ ચાલ્યો. ત્યાં સામે એક સૂકો વાંસનો થાંભલો હતો. અપ્પુ એને જિરાફ સમજીને બોલ્યો, ‘‘ઓ જિરાફભાઈ! જરા ઊંચા થઈને જુઓ ને, ક્યાંક મારાં ચશ્માં કોઈ ઝાડ પર તો નથી ને?’’
અપ્પુને જોઈને ઝાડ પર બેઠેલા વાંદરાભાઈ પેટ પકડીને હસવા લાગ્યા – ‘‘હા… હા… હા…! અરે અપ્પુ, આ તો વાંસ છે, જિરાફ નથી!’’
એટલામાં નીચેથી કીડીબેન એમની નાની સાઇકલ લઈને આવ્યાં. કીડીબેને અપ્પુ સામે જોયું અને એ પણ ખિલખિલાટ હસી પડ્યાં – ‘‘હી… હી… હી…! અપ્પુભાઈ, તમે પણ ગજબ કરો છો હોં!’’
અપ્પુ તો શરમાઈ ગયો અને બોલ્યો, ‘‘પણ તમે બધાં હસો છો કેમ એ તો કહો? મને તો કંઈ દેખાતું નથી!’’
કીડીબેન બોલ્યાં, ‘‘અપ્પુભાઈ! જરા તમારા પંખા જેવા મોટા કાન પટપટાવો તો ખબર પડે!’’
અપ્પુએ જેવા કાન હલાવ્યા— ‘‘સૂં… સૂં… પટ… પટ… ધડામ!’’
ત્યાં તો કાન પાછળ ભરાયેલાં ચશ્માં સરીને સીધાં એની સૂંઢ પર આવીને અટકી ગયાં!
અપ્પુએ ચશ્માં આંખ પર ચડાવ્યાં અને શરમાઈને બોલ્યો, ‘‘અરે વાહ! ચશ્માં તો મારા કાન પાછળ જ હતાં! અને મેં તો એને શોધવા આખુંય જંગલ ગાંડું કર્યું!’’ બધાં પ્રાણીઓએ તાળી પાડી અને અપ્પુના ભૂલકણા સ્વભાવ પર હસી પડ્યાં!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭










































