રાજુલા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ૧ થી ૧૯ વર્ષના બાળકોને કૃમિજન્ય ચેપથી થતા આરોગ્ય સંબંધિત નુકસાનથી બચાવવા કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરાયું હતું. આરોગ્ય, આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. નિલેશ કલસરીયા, ટીપીઈઓ એસ.કે. સુમરા સહિતના અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.આંગણવાડી તથા શાળાના બાળકો તેમજ શાળાએ ન જતા બાળકોને આરોગ્ય સ્ટાફ દ્વારા આલ્બેન્ડાઝોલની ગોળીઓ આપવામાં આવી હતી. કૃમિના કારણે લોહીની કમી, નબળાઈ, કુપોષણ, માનસિક વિકાસમાં અવરોધ અને અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાકી રહેલા બાળકોને આગામી ૧૭ ઓગસ્ટે મોપઅપ રાઉન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે.