ધારીના હીરાવા ગામે મહિલાને લાકડાના ધોકાથી ફટકારવામાં આવી હતી, તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જસુબેન જેરામભાઇ મકવાણા (ઉ.વ.૬૫)એ કેતનભાઇ ધીરૂભાઇ ડાભી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની વાડીએથી ઘરે આવતા હતા ત્યારે તેમના જમાઈને તેમની દીકરીને સમજાવવા તેમજ તેડી જવા માટે કહ્યું હતું. તેઓ આરોપીને સમજાવવા જતા, આરોપીએ હાથમાં રહેલા લાકડાના ધોકા વડે તેમને એક ઘા ડાબા હાથની કોણીથી નીચેના ભાગે માર્યો હતો. તેમજ બીજો ઘા ડાબા સાથળના ભાગે મારી હાથમાં ફેક્ચર કર્યું હતું. ઉપરાંત, ઓપરેશન કરાવવું પડે તેવી ગંભીર ઈજા તથા પીઠના પાછળના ભાગે પાટુઓ મારી શરીરે મૂંઢ ઈજાઓ કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી.માઢક વધુ તપાસ કરી રહ્યા છે.







































