ઉના તાલુકાના શાણાવાંકિયા ગામની સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે કથિત રીતે કરોડો રૂપિયાની ઉચાપત થયાના આક્ષેપોને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ બે વર્ષ અગાઉ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. નિર્દોષ ખેડૂતોના નામે લોન સહિતની નાણાકીય પ્રક્રિયા કરી તેમના ખાતામાંથી કરોડો રૂપિયા ઉપાડી લેવાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ એનઓસી મેળવવા માટે ખેડૂતો પાસેથી વ્યાજ સહિતની રકમ વસૂલાતી
હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે ગામના અગ્રણી ખેડૂતો અને આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણી સેજલબેન ખુટની આગેવાનીમાં તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.