હવે ઈથેનોલ મુદ્દે ઘમાસાણ થશે ?
‘નીટ’ પેપર લીક સામેનું આંદોલન પત્યું પણ તેના આફ્‌ટરશોક્સ ચાલુ જ છે ત્યાં હવે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના વિરોધમાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આ મુદ્દે લાંબા સમયથી ઓનલાઈન ઝુંબેશ ચાલી રહી છે. ચળવળકાર તેહસીન પૂનાવાલાએ બનાવેલું ટીમ ભારત નામનું સંગઠન હવે આ ચળવળને વધારે ઉગ્ર બનાવવા માગે છે. તેના ભાગરૂપે ટીમ ભારતે ગયા શુક્રવારે દિલ્લીમાં સંસદની સામે ગડ્ડી માર્ચ યોજવાની જાહેરાત કરેલી પણ પેટ્રોલીયલ મંત્રી હરદીપસિંહ પુરી સાથે ૪ કલાકની બેઠક પછી આ કૂચ મોકૂફ રખાયેલી.
ટીમ ભારતે દાવો કરેલો કે, પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલની ભેળસેળ કરીને વેચાતા ઈ-૨૦ પેટ્રોલનો વિરોધ કરવા માટેની ગડ્ડી માર્ચને પોલીસે મંજૂરી ના આપતાં કૂચ મોકૂફ રાખવી પડી છે. એ પછી પૂનાવાલાએ દિલ્લીમાં ગાંધી સ્મૃતિ સુધી એકલ કૂચ કરવાની જાહેરાત કરેલી પણ એ કૂચ પણ ના થઈ. પૂનાવાલાનું કહેવું છે કે, દિલ્લી પોલીસે પોતાને નજરકેદ કરી દીધા છે અને બહાર નિકળવા જ નથી દેતા. પૂનાવાલાએ નીતિન ગડકરી ડરી ગયા હોવાનો દાવો પણ કર્યો છે. પૂનાવાલાએ સોનમ વાંગચુકની જેમ જંતર મંતર ખાતે ઘરણાં કરવાનું એલાન પણ કર્યું છે.
ટીમ ભારતનું કહેવું છે કે, ઈ-૨૦ પેટ્રોલના કારણે વાહનોનાં એન્જીનને ભારે નુકસાન થઈ રહ્યું છે હોવાથી વાહનોની આવરદા ઘટી જાય છે. વાહનની એવરેજ પણ ઘટે છે તેથી વધારે આર્થિક બોજ આવે છે. એન્જીનને નુકસાન થતું હોવાથી મેનટેનન્સનો ખર્ચ પણ વધે છે તેથી ઈ-૨૦ પેટ્રોલ હિતાવહ નથી. ટીમ ભારતે કારમાલિકોને ઈ-૨૦ પેટ્રોલ વાપરવાથી થતા નુકસાનથી બચાવવા કેટલીક માગણીઓ કરી છે. તેમાં મુખ્ય માગ એ છે કે, ૨૦૨૩ પહેલાં બનેલાં લાખો વાહનો ઈ-૨૦ના વપરાશ માટે બનેલાં નહીં હોવાથી તેમના માટે ઈ૧૦ પેટ્રોલનું ફરી વેચાણ શરૂ થાય. બીજી માગ એ છે કે, પેટ્રોલ પંપ પર શુધ્ધ પેટ્રોલ વ્યાજબી ભાવે મળે અને ઈ૨૦ પેટ્રોલના ભાવ શુધ્ધ પેટ્રોલની સરખામણીમાં ૨૦ ટકા ઓછા રાખવા જોઈએ.
સરકાર આ માગણીઓ સ્વીકારી શકે તેમ નથી કેમ કે તેના કારણે કરોડોનો ખર્ચ ડૂબી જાય. આ કારણે આ મુદ્દે આંદોલન ઉગ્ર બનવાનાં એંધાણ છે. સીજેપીના આંદોલનના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ધરી દેવું પડ્‌યું એ રીતે નીતિન ગડકરીને પણ રાજીનામું આપવાની ફરજ પાડીશું એવો ટીમ ભારતનો દાવો છે.

ઈથેનોલ મુદ્દે નીતિન ગડકરી કેમ ટાર્ગેટ છે ?
નીતિન ગડકરીને પેટ્રોલના વેચાણ સાથે સીધી કોઈ લેવાદેવા નથી પણ ઈ-૨૦ પેટ્રોલનો વિરોધ કરી રહેલી ટીમ ભારતનો દાવો છે કે, પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો આખો ખેલ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીના પુત્રો નિખિલ અને સારંગની કંપનીઓને ફાયદો કરાવવા કરાઈ રહ્યો છે. નિખિલ અને સારંગની કંપનીઓ મોટા પ્રમાણમાં ઈથેનોલ બનાવે છે. પેટ્રોલમાં ભેળવવા માટે આ ઈથેનોલ સરકારી ઓઈલ કંપનીઓને વેચીને જંગી કમાણી કરી શકાય એટલે ગડકરીએ પેટ્રોલમાં ઈથેનોલની મિલાવટનું પ્રમાણ ૧૦ ટકાથી વધારેની ૨૦ ટકા કરાવ્યું. ગડકરીએ જ ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનો કાર્યક્રમ શરૂ કરાવ્યો અને ઈથેનોલનો વપરાશ વધે તેની વકીલાત કરી રહ્યા છે.
ગડકરીનું શું કહેવું છે ?
ગડકરીનું કહેવું છે કે, પોતાના પુત્રોના ઇથેનોલના ધંધાને ફાયદો કરાવવા માટે પોતે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના વપરાશની નીતિને પ્રોત્સાહન આપી રહ્યા હોવાની વાત સાવ બકવાસ છે. એક રાષ્ટ્રીય અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ગડકરીએ સ્વીકારેલું કે, તેમના દીકરા નિખિલ ગડકરી અને સારંગ ગડકરીની કંપનીઓ સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાંડ તથા ઇથેનોલના ધંધા સાથે સંકળાયેલી છે ખરી પણ આ બંને કંપનીના ધંધામાં ઈથેનોલનો હિસ્સો બહુ નાનો છે.
ગડકરીનો તો એવો પણ દાવો છે કે, પોતાને પુત્રોના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી અને બંને દીકરા સ્વતંત્ર રીતે પોતાનો ધંધો કરે છે. ભારતમાં ઇથેનોલ પર ચર્ચા શરૂ થઈ તેના બહુ પહેલાં પોતાના પરિવારે સુગર મિલ શરૂ કરી હતી પણ પહેલેથી ઈથેનોલ પુત્રોની કંપનીના કુલ આવકમાં ખૂબ જ ઓછો ફાળો આપે છે. ગડકરીએ તો દીકરાની કંપનીના ઈથેનોલના બિઝનેસ દેવામાં ડૂબેલો હોવાનો અને આશરે રૂ. ૧,૬૦૦ કરોડનું મોટું દેવું હોવાનો પણ દાવો કર્યો છે.
ગડકરીએ એવી સફાઈ પણ આપી છે કે, ઇથેનોલના ભાવ નક્કી કરવામાં કે સરકારી ખરીદી પ્રક્રિયામાં પોતાની કે પોતાના મંત્રાલયની કોઈ જ ભૂમિકા નથી. પેટ્રોલમાં ઇથેનોલની મિલાવટ અંગે પેટ્રોલિયમ મંત્રાલય નિર્ણય લે છે અને ઈથેનોલની ખરીદી સહિતની તમામ બાબતો પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા નક્કી થાય છે.
ઈથેનોલની કિંમતો પણ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી પોતાને કંઈ લેવાદેવા નથી. ગડકરીએ તો પોતે ફક્ત શેરડી આધારિત ઇથેનોલની નહીં પણ મકાઈ, વાંસ અને પાકના ભૂસામાંથી બનેલા ઇથેનોલના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું છે તેથી આ વાતો ખોટી છે અને સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત છે.

ગડકરી સાચું બોલે છે ? ગડકરી ભલે ચોખ્ખા હોવાનો દાવો કરે પણ ‘સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ ભારતમાં ઇથેનોલ ઉત્પાદન કરતી અગ્રણી કંપનીઓમાંથી એક છે તેમાં શંકા નથી. કેટલાક મીડિયા રીપોર્ટ પ્રમાણે તો ભારતમાં ઉત્પાદિત ઈથેનોલમાંથી લગભદ અડધો ટકો ઈથેનોલ ‘સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ બનાવે છે. ભારતમાં સેંકડો કંપનીઓ ઈથેનોલ બનાવે છે અને હજારો સુગર મિલો ઈથેનોલ બનાવે છે. આ સંજોગોમાં કોઈ કંપની રાષ્ટ્રીય ઉત્પાદનમાં અડધો ટકો હિસ્સો ધરાવતી હોય એ બહુ મોટી વાત જ કહેવાય.
મોદી સરકારે ઈથેનોલને મહત્વ આપવા માંડ્‌યું એ પછી નિતિન ગડકરીના પુત્રની કંપની ‘સિયાન એગ્રા’ની આવકમાં થયેલા તોતિંગ વધારા અંગેના રીપોર્ટ પણ ચોકવનારા છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે, ભારતમાં ઈ૨૦ પેટ્રોલનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો એ પહેલાં ૨૦૨૪માં સિયાન એગ્રોની નેટ વર્થ રૂ.૮૯.૨૩ કરોડ હતી અને આવક રૂ.૧૮૨ કરોડ હતી જ્યારે ચોખ્ખો નફો રૂ. ૪.૯ કરોડ હતો. ૨૦૨૫માં ભારતમાં ઈ૨૦ પેટ્રોલનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો પછી કંપનીની નેટ વર્થ રૂ. ૮૯ કરોડથી વધીને રૂ. ૨,૦૧૭ કરોડ થઈ ગઈ જ્યારે આવક રૂ. ૧૮૨ કરોડથી વધીને રૂ. ૧,૦૫૪ કરોડ થઈ ગઈ. નફો રૂ. ૪.૯ કરોડથી વધીને રૂ. ૪૧.૬ કરોડ થઈ ગયો. આ કંપનીના ૬૦ ટકાથી વધુ શેર નિતિન ગડકરીના પુત્ર નિખિલ ગડકરીની માલિકીના છે એ જોતાં આ વધારાનો ફાયદો ગડકરીના પુત્રને જ સૌથી વધારે થયો છે એ કહેવાની જરૂર નથી. ગડકરી પોતાને કે પોતાના મંત્રાલયને ઈથેનોલ નીતિ સાથે કંઈ લેવાદેવા નથી એવો દાવો કરે છે. આ દાવો સાચો છે પણ સવાલ એ છે કે, પોતાના મંત્રાલય સાથે કંઈ લેવાદેવા નથી એવા મુદ્દે ગડકરી કેમ સૌથી વધારે ભાર મૂકે છે ? પેટ્રોલીયમ મંત્રી હરદીપ સિંહ પુરી કે બીજા કોઈ મંત્રી ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનો પ્રચાર કરતા નથી જ્યારે ગડકરી તો એક તક છોડતા નથી. પોતે ઈથેનોલથી ચાલતી કાર વાપરે છે એવો પ્રચાર કરવાથી માંડીને ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી ચાલતી કાર કે પેટ્રોલ પંપના લોચિંગમાં પણ નીતિન ગડકરી જ દેખાય છે. મોદી સરકારે ગડકરીને ઈથેનોલના પ્રચાર ની જવાબદારી સોંપી નથી છતાં ગડકરી જાતે જ ઈથેનોલના બ્રાન્ડ એમ્બેસેડર કેમ બની ગયા છે ? આ વર્તન શંકાસ્પદ છે જ. ગડકરીના ટીકાકારો તો એવું પણ કહે છે કે, ગડકરીના પુત્રો ઈથેનોલ બનાવતી કંપનીઓ વતી સરકારમાં લોબિઈંગ કરે છે તેથી ગડકરી ઈથેનોલ આટલી બધી કૂદાકીદ કરી રહ્યા છે. બીજા કોઈ મંત્રી નથી બતાવતા એટલો ઉત્સાહ ગડકરી બતાવી રહ્યા છે એ જોતાં આ વાત સાચી હોઈ શકે.
sanjogpurti@gmail.com