અમદાવાદ ખાતે લેઉવા પટેલ પ્રગતિ મંડળ-કેળવણી ઘામ સંસ્થાની ૩૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. નિકોલ ખાતે યોજાયેલી સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ GPSC/UPSC તાલીમ કેન્દ્રનો વાર્ષિક અહેવાલ ડાયરેક્ટર ડી.જી. ઝાલાવાડિયાએ રજૂ કર્યો હતો. અત્યાર સુધીમાં કેળવણી ઘામ ખાતે આશરે ૨૮૫૦ વિદ્યાર્થીઓએ GPSC/UPSCની તાલીમ મેળવી સરકારી નોકરી મેળવી હોવાનું જણાવાયું હતું. પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ નિકોલ ખાતે ૬૦ કરોડના ખર્ચે ૧૧૦૦ દીકરીઓની ક્ષમતાવાળી શ્રી ધરમશીભાઈ હરજીભાઈ મોરડીયા કન્યા છાત્રાલય ફેઝ-૨નું નિર્માણ એક વર્ષમાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. પ્રોજેક્ટની જવાબદારી શરદભાઈ મોરડીયાને સોંપાઈ છે. સભામાં સ્કીલ ડેવલપમેન્ટ, CED તાલીમ કેન્દ્ર, સમાજસેતુ સલાહ કેન્દ્ર, સમાધાન પંચ અને AI હબ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.