અમદાવાદ પૂર્વમાં બાપુનગર, નિકોલ, નરોડા, ઈન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર અને વિરાટનગર વિસ્તારમાં સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ તથા ભાવનગર જિલ્લાના મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. દિવાળી, ઉનાળુ વેકેશન, લગ્ન પ્રસંગો અને સામાજિક કાર્યો માટે આ લોકો અમદાવાદથી સૌરાષ્ટ્રમાં અવરજવર કરે છે. ખાનગી બસ સંચાલકો દ્વારા ઊંચું ભાડું વસૂલવામાં આવતું હોવાના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મુશ્કેલી પડે છે. એસટી બસની પૂરતી સુવિધા ન હોવાથી પણ લોકોને ખાનગી બસનો આશરો લેવો પડે છે. તેથી અમદાવાદથી સાવરકુંડલા અને મહુવા સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ રેલવે મંત્રી તથા પશ્ચિમ રેલવેના વિભાગીય મેનેજર સમક્ષ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર ભાનુભાઈ કોઠિયાએ જણાવ્યું કે આ ટ્રેન શરૂ થાય તો અમદાવાદ પૂર્વમાં રહેતા તેમજ અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના લાખો નાગરિકોને વતન આવવા-જવામાં સુવિધા મળશે.