દશેરા જતા રહ્યા.
અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક મનાતા દશેરાની પરંપરાગત રીતે દર વરસે ઉજવણી થાય છે પણ ખરેખર અસત્ય પર સત્યનો જય થાય છે એ ખરો એવું વિચારતા કરી મૂકે એવા માહોલમાં રાવણદહન કરીને દશેરાની ઉજવણી કરી નાંખી. ગુજરાતીઓ તો તમામ તહેવારોની ઉજવણી ખાઈને જ કરે છે તેથી દશેરાની ઉજવણી સાથે પણ ફાફડા-જલેબીને જોડી દીધા છે. ગુજરાતીઓ નવ દિવસ મન ભરીને નવરાત્રિ માણે છે ને તેમાં પણ ખાવા-પીવા પર તો ધ્યાન કેન્દ્રિત કરે જ છે. છેવટે દશેરાએ ફાફડા, જલેબી, ચોળાફળી ખાઈને બધો થાક ઉતારે છે. આ વરસે પણ ગુજરાતીઓએ આ રીતે જ દશેરા ઉજવ્યોને કરોડોના ફાફડા, જલેબી, ચોળાફળી ખાઈ ગયા.
ઉત્તર ભારતમાં નવરાત્રિના ૯ દિવસ રામલીલા ચાલે છે ને દશેરાએ રાવણદહન થાય છે તેથી ત્યાં અલગ રીતે ઉજવણી થઈ. દિલ્હીમાં તો રામલીલા મેદાનમાં ભવ્ય રામલીલા થાય છે. આ રામલીલામાં બોલીવુડના દિગ્ગજ કલાકારો રામાયણનાં પાત્ર ભજવે છે અને રામલીલાની સમાપ્તિમાં ખુદ વડાપ્રધાન પધારે છે. તેમના હાથે તીર મારીને રાવણ દહન કરાય છે.
ઉત્તર પૂર્વનાં પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં અત્યારે દુર્ગા પૂજાની ધૂમ છે. આસામ, ઓડિશા, ત્રિપુરા, બિહારના મિથિલાંચલમાં દુર્ગાપૂજા ધામઘૂમથી ઉજવાય છે. નેપાળ અને બાંગ્લાદેશમા પણ દુર્ગા પૂજા ઉજવાય છે. સામાન્ય સંજોગોમાં દસ દિવસ સુધી દુર્ગાપૂજાની ધૂમ ચાલતી હોય છે પણ અસલી પૂજા છેલ્લા ૫ દિવસ થાય છે તેથી ૧૬ ઓક્ટોબરથી દુર્ગા પૂજા ચાલી રહી છે.
બંગાળમાં શક્તિના સ્વરૂપ તરીકે મા દુર્ગાની પૂજા થાય છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરાય છે અને છેલ્લા પાંચ દિવસ દુર્ગા પૂજાનો અસલી ઉત્સવ જોવા મળે છે. દશેરા દુર્ગા પૂજાનો છેલ્લો દિવસ છે. દશેરાના બીજા દિવસે સાંજે દુર્ગા માતાની મૂર્તિઓનું વિસર્જન શરૂ થાય છે અને લોકો બહુ ઉત્સાહથી દુર્ગા વિસર્જનમાં ઉમટી પડે છે. આજે બંગાળ સહિતનાં રાજ્યોમાં દુર્ગા વિસર્જનનો દિવસ છે.
દશેરાએ ભગવાન રામે રાવણનો વધ કરેલો.
આપણે દશેરાએ રાવણદહન કરીને ઉજવણી કરીએ છીએ કેમ કે દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાક્ષસોના રાજા રાવણનો વધ કર્યો હતો. રામાયણમાં દશેરાએ ભગવાન રામે રાવણના રામ રમાડેલા એવો ઉલ્લેખ છે તેથી દશેરાની ઉજવણી અસત્ય પર સત્યના વિજય તરીકે થાય છે અને પ્રતિકરૂપે રાવણદહન કરાય છે પણ મોટા ભાગના હિંદુઓને ખબર નથી કે, દશેરા જ નહીં પણ આખો આસો મહિનો ભગવાન રામને સમર્પિત છે. તેનું કારણ એ કે, રાવણ સામેના યુધ્ધથી શરૂ કરીને અયોધ્યામાં આગમન સુધીની ઘટનાઓ આસો મહિનામાં બની હતી.
ભગવાન રામ હિંદુઓ માટે આરાધ્ય છે પણ મોટા ભાગના હિંદુઓને રામ અને રાવણ વચ્ચેનું યુધ્ધ કેટલા દિવસ ચાલેલું એ જ ખબર નથી. આ યુધ્ધ ક્યારે લડાયું એ પણ મોટા ભાગનાંને ખબર નહીં હોય તેથી થોડીક વિગતો જાણી લઈએ.
હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે, રામ-રાવણનું યુધ્ધ આસો એટલે કે આશ્વિન મહિનાના શુક્લ પક્ષની તીજથી શરૂ કરીને દશમ સુધી એટલે કે ૮ દિવસ ચાલ્યું હતું. ભગવાન રામે દશમીએ રાવણનો વધ કર્યો તેથી એ દિવસ વિજયાદશમી કહેવાય છે. કેટલીક પૌરાણિક પરંપરાઓ અને વાલ્મીકિ રામાયણ તથા પદ્મ પુરાણના પાતાલ-ખંડ પ્રમાણે, આ યુધ્ધ ૮૪થી ૮૭ દિવસ સુધી ચાલ્યું હતું. આ સમયગાળામાં ૧૫ દિવસ કોઈ યુધ્ધ થયું ન હતું તેથી કુલ ૭૨ દિવસ લગી યુધ્ધ થયું હતું. ત્રીજે યુધ્ધ શરૂ થયું તેના ૫ દિવસ પહેલાં સુધી ભગવાનની વાનર સેનાએ રામસેતુનું નિર્માણ કર્યું હતું. આ રામસેતુને પાર કરીને ભગવાન રામની સેનાએ આસો મહિનાની એકમે લંકાની ધરતી પર પગ મૂક્યો હતો.
રાવણનો વધ કર્યા પછી ભગવાન રામ અયોધ્યા જવા નિકળ્યા ને દિવાળીના દિવસે અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ સમગ્ર નગરમાં દીપ પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું. આ કારણે દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે સદીઓથી ઉજવાય છે. આમ ભગવાન રામના લંકાની ધરતી પર પ્રવેશથી શરૂ કરીને રાવણ સામેના યુધ્ધમાં વિજય અને અયોધ્યામાં પ્રવેશ સુધીની ઘટનાઓ આખા આસો મહિનામાં બની છે.
હિંદુઓએ ભગવાન રામની કથા ક્યાં ક્યાં છે એ જાણવું પણ જરૂરી છે.
આપણે ભગવાન રામની કથા માટે વાલ્મિકી રામાયણને આધારભૂત માનીએ છીએ પણ વાસ્તવમાં ઘણા હિંદુ ગ્રંથોમાં ભગવાન રામની કથા છે. આ પૈકી ક્યો ગ્રંથ પહેલો લખાયો એ સ્પષ્ટ નથી પણ વાલ્મિકી રામાયણ સંપૂર્ણપણે ભગવાન રામને સમર્પિત હોવાથી તેને આધારભૂત માનવામાં આવે છે. આપણે બીજા ક્યા ક્યા મુખ્ય ગ્રંથો રામકથા કહે છે તેની વાત કરી લઈએ,
બ્રહ્માંડ પુરાણના એક ભાગ એવા અધ્યાત્મ રામાયણ ગ્રંથમાં ભગવાન રામના આધ્યાત્મિક અને દાર્શનિક પાસાંનું વર્ણન છે જ્યારે મહાભારતના વિવિધ પર્વમાં ભગવાન રામની કથા છે. ખાસ કરીને ‘વન પર્વ’માં ભગવાન રામની કથાનો સંક્ષિપ્ત ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર એવા ભગવાન રામની કથા અને તેમના જીવનની વિવિધ ઘટનાઓનું વર્ણન છે.
શિવ મહાપુરાણમાં રામકથા તેમજ ભગવાન શિવ અને ભગવાન રામ વચ્ચેના સંવાદોનું વર્ણન છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં ભગવાન રામનો મહિમા, તેમની સાથે સંકળાયેલા પવિત્ર સ્થળો (તીર્થો) અને તેમની સાથે જોડાયેલી કથાઓનું
વિસ્તૃત વર્ણન છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ ભગવાન રામનું ચરિત્ર અને તેમની દિવ્ય લીલાઓનું નિરૂપણ છે. છેક સોળમી સદીમાં ગોસ્વામી તુલસીદાસે અવધી ભાષામાં લખેલો રામચરિતમાનસ ગ્રંથ પણ ભગવાન રામના જીવન પર છે.
રામચરિતમાનસને બાદ કરતાં બાકીના ગ્રંથો સંસ્કૃતમાં છે અને મોટા ભાગના હિંદુઓ સંસ્કૃત જાણતા નથી તેથી ભગવાન રામની મૂળ કથા બહુ ઓછા હિંદુઓએ વાંચી હશે. મોટા ભાગે તો અનુવાદ અને તેના કરતાં પણ વધારે કથાકારોના મુખે સાંભળેલી રામકથાના આધારે જ આપણે ભગવાન રામને ઓળખીએ છીએ. ખરેખ તો હિંદુઓએ સંસ્કૃત શીખવું જોઈએ અને માત્ર ભગવાન રામના જ નહીં પણ આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા તમામ ગ્રંથો વાંચવા જોઈએ.
આપણે રામને અનુસરીએ છીએ ?
બિલકુલ નહીં. આપણે અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિમાં ભગવાન રામનું ભવ્ય મંદિર તો બનાવી દીધું પણ રામના સિધ્ધાંતોને અનુસરતા નથી. ભગવાન રામે જીવનમાં દરેક ભૂમિકા સફળતાથી ભજવી બતાવી તેથી રામને આદર્શ પુરૂષ ગણવામાં આવે છે. રાજાઓ એકથી વધારે રાણીઓ રાખતા એ કાળમાં રામે માતા સીતા સિવાય કોઈની સાથે વિવાહ નહીં કરીને આદર્શ ગૃહસ્થ જીવન અને સ્ત્રીને સમકક્ષ ગણવાની ઉચ્ચ ભાવના સ્થાપિત કરી તો રાજા તરીકે એવો આદર્શ વહીવટ કર્યો કે હજુય શ્રેષ્ઠ વહીવટ માટે રામરાજ શબ્દો વપરાય છે.
ભગવાન રામના જીવનમાંથી શીખવા જેવું ઘણું બધું છે પણ રામના જીવનનો સૌથી મોટો સિદ્ધાંત ધર્મ એટલે કે સત્ય અને કર્તવ્યના માર્ગ પર ચાલવાનો હતો. કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય અધર્મ કે અસત્યનો સાથ ના આપવો એ રામના જીવનનો આદર્શ હતો પણ આપણે અનાચારમાં ડૂબેલા છીએ. ભગવાન રામે ક્યારેય જ્ઞાતિ કે સામાજિક દરજ્જાના ભેદભાવ રાખ્યા નથી. શબરીના એંઠા બોર ખાનારા રામે કેવટને ગળે લગાડીને અને સુગ્રીવ-વિભીષણ જેવા વનવાસીઓને મિત્ર બનાવીને સમાનતાની ભાવનાને દર્શાવી પણ આપણે જ્ઞાતિવાદ સહિતના સંકુચિત વાડાઓમાં વધારે ને વધારે બંધાઈ રહ્યા છીએ. સીતાહરણ કે વનવાસની પીડા વખતે પણ ભગવાન રામે ક્યારેય ધૈર્ય ગુમાવ્યું નહીં.
રામના જીવનમાંથી શીખવા જેવું ઘણું છે પણ આપણે ભવ્ય મંદિર બનાવવામાં જેટલો રસ બતાવ્યો એટલો રામને અનુસરવામાં નથી બતાવતા. રામ જેવા સદગુણો કેળવીને આદર્શ સમાજ બનાવવાના બદલે આપણે સંકુચિતતામાં ડૂબેલા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ. sanjogpurti@gmail.com








































