ભારતમાં બેંકો હડતાળ પર છે.
ભારતની જાહેર ક્ષેત્રની એટલે કે સરકારી બેંકોના કર્મચારીઓનાં યુનિયનોએ આપા એલાનને પગલે આજે એટલે કે બુધવારે પણ બેંકો બંધ છે. યુનિયનોએ ૨૮ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરેલું તેથી આજે હડતાળનો છેલ્લો દિવસ છે.
આ હડતાળમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક સહિતની તમામ ટોચની સરકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો પણ જોડાઈ છે. હડતાળમાં દેશનાં ૭ મોટાં બેંક યુનિયનો જોડાયાં છે. આ બેંક યુનિયનો સાથે દેશની સરકારી બેંકોમા કામ કરતા ૯૦ ટકાથી વધુ બૅંક કર્મચારીઓ જોડાયેલા છે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ એક્સિસ બેંક જેવી ખાનગી બેંકો અને કેટલીક સહકારી બેંકો હડતાળમાં જોડાઈ નથી અને રાબેતા મુજબ કામ કરી રહી છે પણ ક્લીયરન્સનું કામ સરકારી બેંકો હસ્તક હોવાથી મોટા ભાગનું બેકિંગ કામકાજ ઠપ્પ છે.
ગ્રાહકોને અસર ના થાય એટલા માટે હડતાળ શરૂ થવાના આગલા દિવસે એટલે કે ૨૭ સપ્ટેમ્બર ને રવિવારે સરકારી બેંકોની શાખાઓ ખુલ્લી રખાયેલી. આ ઉપરાંત યુપીઆઈ, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ સહિતની ડિજિટલલ સેવાઓ ચાલુ છે ને એટીએમ પણ ચાલુ છે તેથી સામાન્ય લોકોને બહુ અસર થઈ નથી પણ ઉદ્યોગો, વ્યાપાર-ધંધાને અસર થઈ છે કેમ કે તેમના મોટા ભાગના નાણાંકીય વ્યવહારો હજુય બેંકો મારફતે જ ચાલે છે.

હડતાળિયા કર્મચારીઓની માગ શું છે ?
બેંક કર્મચારીઓની હડતાળનું મુખ્ય કારણ કર્મચારીઓની પડતર માગણીઓ ઉકેલવામાં સરકારની કહેવાતી ઉદાસિનતા છે. આ માગણીઓમાં મુખ્ય માંગ ફાઈવ ડે બેન્કિંગ વીક એટલે કે બેંકો અઠવાડિયામાં ૫ જ દિવસ ચાલુ રાખવાની છે. બૅંક કર્મચારીઓના સંગઠન ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC)નું કહેવું છે કે માર્ચ ૨૦૨૪માં બૅંકોનું મેનેજમેન્ટ સંભાળતી સંસ્થા ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA) અને ૯ મોટી બૅંક યુનિયનોના ગ્રુપ (UFBU) વચ્ચે પગાર અને કામની શરતોને લઈને કરાર થયો તેમાં દર શનિવારે બૅંક બંધ રાખીને ફાઈવ ડે વીક રાખવાની સમજૂતી થઈ હતી પણ સરકાર હવે ફરી ગઈ છે. હવે સરકાર અઠવાડિયામાં ૫ દિવસ કામ કરવાની વ્યવસ્થા લાગુ કરવાની કોઈ ચોક્કસ તારીખ લેખિતમાં વચન આપીને નક્કી ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ને ભવિષ્યમાં અચોક્કસ મુદતની હડતાળ પણ પડી શકે એવું યુનિયનોનું કહેવું છે.
બીજી તરફ સરકારનું કહેવું છે કે, સરકારે ક્યારેય પણ બેંકો માટે ફાઈવ ડે વીકનું વચન આપ્યું નહોતું અને પગાર સુધારણા માટેની વાતચીત દરમિયાન આ મુદ્દે કોઈ ચર્ચા થઈ નહોતી. કર્મચારી યુનિયનો આ માંગ લાંબા સમયથી કરી રહ્યા છે પણ સરકાર સાથે કોઈ સમજૂતી થઈ નથી.
બીજી મહત્વની માગ, સરકારી બેંકોના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની છે. જૂની પેન્શન યોજનાના કારણે સરકાર પર આર્થિક બોજ વધે છે તેથી સરકાર આ માગ પણ માનવા તૈયાર નથી. કેન્દ્ર સરકારે બોનસને લગતા નવા નિયમો બનાવ્યા તેની સામે પણ વાંધો છે. સરકારે બેંકોના વરિષ્ઠ અધિકારીઓને બોનસ આપવા માટે પરફોર્મન્સ લિંક્ડ બોનસનો નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ સારું કામ કરનારા અધિકારીઓને ૩૬૫ દિવસના મૂળ પગાર જેટલું ઇન્સેન્ટિવ કે બોનસ મળી શકે છે જ્યારે સારું પરફોર્મન્સ નહીં કરનારને કોઈ બોનસ નહીં મળે. સરકાર આ નિયમ દ્વારા કર્મચારીઓમાં ભેદભાવ કરી રહી હોવાના આક્ષેપો સાથે બેંક યુનિયનો તેનો પણ વિરોધ કરી રહ્યાં છે.
આ સિવાય બીજી પણ કેટલીક માગણીઓ છે. યુનિયનોનું કહેવું છે કે, સરકારી બેંકોમાં સ્ટાફની તીવ્ર અછત હોવાથી કારકુની અને ગૌણ કર્મચારીઓની ભરતી કરવી જોઈએ પણ સરકાર ભરતી કરી નથી રહી. તેના બદલે આઉટર્સોસિંગ કરીને કે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખીને કામ ચલાવે છે. નોકરીના આઉટર્સોસિંગને રોકીને કામચલાઉ/કરાર કર્મચારીઓને નિયમિત કરવા અને ભેદભાવપૂર્ણ શ્રમ પ્રથાઓને દૂર કરવાની પણ માગ છે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલલિજન્સ (AI) અને અતિશય ટેકનોલોજીનો પણ વિરોધ થઈ રહ્યો છે. વધુ પડતા ઓટોમેશનના આક્રમક અમલીકરણને કારણે ભારત જેવા વધુ વસ્તીવાળા દેશમાં ગ્રાહક સેવા અને રોજગારને નુકસાન થાય છે એવી યુનિયનોની લાગણી છે. બેંક કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી મર્યાદા વધારીને ૨૫ લાખ રૂપિયા કરવી અને લાંબા સમયથી પડતર પેન્શનના પ્રશ્નોને ઉકેલલવાની પણ માગ થઈ રહી છે.
કેન્દ્ર સરકાર અને યુનિયનો વચ્ચે લાંબા સમયથી આ માગો અંગે ખેચતાણ ચાલતી હતી પણ સરકાર મચક નહોતી આપતી. યુનિયનોએ છેવટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું પણ સરકાર તેનાથી પ્રભાવિત થઈ નથી એ જોતાં આ માગણીએ સ્વીકારવામાં આવે એવી શક્યતા નહિવત છે.

કર્મચારીઓની માંગો યોગ્ય છે ?
ભારતમાં સામાન્ય લોકોની લાગણી બેંક કર્મચારીઓ તરફી નથી. સામાન્ય લોકોને લાગે છે કે, સરકારી
બેંકોમાં કામ કરનારા કર્મચારીઓ અને અધિકારીઓ કામચોર છે અને મફતનો પગાર ખાવાની માનસિકતા ધરાવે છે તેથી તેમની માગણીઓ ના સ્વીકારવી જોઈએ. બેંક હડતાળ સામે સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોએ આપેલા પ્રતિસાદમાં એક જ સૂર ઉઠે છે કે, સરકારી બેકોમાં સારું કામ થતું નથી તેથી લોકો ખાનગી બેંકો તરફ વળી રહ્યા છે છતાં સરકારી બેંકોના કર્મચારીઓ સુધરવા માટે તૈયાર નથી.
સરકારનું નાક દબાવવા માટે હડતાળનાં ત્રાગાં કરી રહેલા કર્મચારીઓને ઘરભેગા કરી દેવા જોઈએ એવી કોમેન્ટ્‌સ પણ થઈ રહી છે. સરકારી બેંકોમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે એ પણ બંધ કરીને અઠવાડિયામાં છ દિવસ કામ કરાવવું જોઈએ એવી પણ લોકોની લાગણી છે.
આ લાગણી ખોટી પણ નથી કેમ કે સામાન્ય લોકોને સરકારી બેંકોના અનુભવ બહુ સારા થતા નથી. સરકારી બેંકોમાં કર્મચારીઓ એકદમ ધીમી ગતિએ કામ કરે છે એ સાવ સાચી વાત છે. લોન મંજૂર કરવા જેવી લાંબી પ્રક્રિયા હોય કે બેંકમાંથી રોકડ ઉપાડવા જેવી મિનિટોમાં પતે એવાં કામ હોય, ખાનગી બેંકની સરખામણીમાં સરકારી બેંકોનાં કામ બહુ ધીમાં હોય છે તેથી ભારતમાં મોટા પ્રમાણમાં લોકો ખાનગી બેંકો તરફ વળી રહ્યા છે. એક સમયે ભારતમાં ખાનગી બેંકો જ નહોતી ને આખો બેન્કિંગ બિઝનેસ સરકારી બેંકોને હસ્તક હતો, અત્યારે લોનમાં ૪૦ ટકા અને બીજી કામગીરીમાં ૫૦ ટકાથી વધુ બિઝનેસ ખાનગી બેંકો પાસે છે.
સરકારી બેંકોમાં કૌભાંડો પણ વધારે થાય છે. હર્ષદ મહેતાથી શરૂ કરીને વિજય માલયા સુધીના કરૂબાજોના કિસ્સા તપાસશો તો ખબર પડશે કે, મોટા ભાગનાં બેંક કૌભાંડ સરકારી બેંકોમાં જ થાય છે. બેંક યુનિયનો આ કૌભાંડી અધિકારીઓ સામે પગલાં લેવાના મુદ્દે ચૂપ રહે છે પણ પગાર વધારાની માગણી માટે તલવાર તાણીને ઉભાં રહી જાય છે એ લોકોને પસંદ નથી આવી રહ્યું.

સરકારી બેંકો ખતમ થઈ જશે ?
ભારતમાં સરકારી બેંકો ધીરે ધીરે ઘટી રહી છે અને મોદી સરકારે તો દેશમાં માત્ર ૪ સરકારી બેંકો જ રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મોદી વડાપ્રધાન બન્યા એ પહેલાં દેશમાં ૨૦થી વધારે સરકારી બેંકો હતી પણ અત્યારે માત્ર ૧૨ જ સરકારી બેંકો છે. છેલ્લા એક દાયકામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જ ૯ બેંકોનું વિલિનીકરણ કરી દેવાયું છે. દેના બેંક અને વિજયા બેંક જેવી વરસોથી ચાલતી દસેક બેંકોનું પણ વિલિનીકરણ કરીને સરકારી બેંકોની સંખ્યા ઘટાડી દેવાઈ છે.
કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં ભારતમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ૧૨થી ઘટાડીને માત્ર ૪ કરી દેશે એવા અહેવાલ છે. નાની અને મધ્યમ કદની સરકારી બેંકોને ચાર મોટા બેંકિંગ જૂથોમાં વિલીન કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક કે કેનરા બેંક એમ ૪ જ બેંકો રખાશે એવું કહેવાય છે.
અમેરિકા સહિતના દેશોમાં સરકારી નહીં પણ ખાનગી બેંકોનો દબદબો છે. ચીન સામ્યવાદી દેશ હોવાથી ત્યાં સરકારી બેંકનો પ્રભાવ છે પણ ફ્રાન્સ, યુકે, જાપાન, દક્ષિણ કોરીયા સહિતના દેશોમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરળતાથી લોન મળી રહે એ માટે જ સરકારી બેંકો ચલાવાય છે, બાકીનું બધું કામકાજ ખાનગી બેંકો મારફતે જ થાય છે.
સરકારી બેંકોના કર્મચારીઓનું વલણ જોતાં ભારતમાં પણ એ દિવસો દૂર નથી દેખાતા. sanjogpurti@gmail.com