૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં વિવિધ સમાજનાં રાજકીય નિવેદનો સામે આવી રહ્યાં છે. રાજકોટના જસદણ સ્થિત પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ૧૬ નવેમ્બરે સમસ્ત પાટીદાર પરિવારનો સખી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. તેમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ જાહેરમાં સ્વીકાર્યું કે પાટીદાર આંદોલનને કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ ગુમાવ્યું તેનો તેમને આજે પણ વસવસો છે. તેમણે જણાવ્યું કે આંદોલનથી અનામત અને યુવાનોને નોકરી સહિતનાં લાભ મળ્યા, પરંતુ સારા મુખ્યમંત્રી ગુમાવ્યાનું દુઃખ છે. તેના જવાબમાં અનાર પટેલે કહ્યું કે તેમના માતાના મનમાં કોઈ વાતનું દુઃખ નથી અને ટૂંક સમયમાં મુલાકાત કરાવશે. અલ્પેશ કથીરિયાએ બાંભણિયાને સમર્થન આપ્યું, જ્યારે ગીતા પટેલે આંદોલનકારીઓને દોષિત ગણવાનો અને માફી માગવાનો ઇનકાર કર્યો હતો.