રાજુલા શહેર નજીક હિંડોરણા ચોકડી પાસે આવેલા ભંગારના ડેલામાં મોડી રાત્રે આશરે ૩ વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા વધતાં નજીકના રહેણાંક વિસ્તારમાં ફેલાવાની ભીતિ સર્જાઈ હતી, જેના પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. બનાવની જાણ થતાં રાજુલા પોલીસ, ૧૧૨ની ટીમ અને ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીપાવાવ, સ્વાન સિન્ટેક્સ અને રાજુલાની વિવિધ કંપનીઓના ફાયર ફાઇટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. તમામ ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. આશરે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દરમિયાન આસપાસ રાખવામાં આવેલી અંદાજે ૧૦ ગાયો અને ખેડૂતોના નિરણનો સમયસર બચાવ કરવામાં આવતાં મોટી નુકસાની ટળી હતી.