વડિયામાં ‘અમારા ઘર પાસે ફટાકડા ફોડતા નહીં’ તેમ કહેતા બબાલ થઈ હતી અને આ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી.આ અંગે વિલાસબેન બાલાભાઈ મકવાણા (ઉં.વ.૨૫)એ સંજયભાઈ ભીમજીભાઈ રાઠોડ, ભરતભાઈ ભીમજીભાઈ રાઠોડ, જયાબેન ભીમજીભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ભીમજીભાઈ રાઠોડ, ધર્મિષ્ઠાબેન સંજયભાઈ રાઠોડ તથા સંજયભાઈ રાઠોડના સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ શેરીમાં ફટાકડા ફોડતા હતા ત્યારે સંજયભાઈ રાઠોડે તેમને કહ્યું કે, ‘અમારા ઘર પાસે ફટાકડા ફોડતા નહીં’ તેમ કહી ગાળો આપી હતી. જેથી તેમણે ગાળો દેવાની ના પાડતા આરોપી તેમના ઘરેથી લાકડી લઈ આવી મારવા લાગ્યો હતો. ભરતભાઈ રાઠોડે ધક્કો માર્યો હતો તેમજ તેમની બહેનના વાળ પકડી ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો. ઉપરાંત, તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે, ધર્મિષ્ઠાબેન સંજયભાઈ રાઠોડ (ઉં.વ. ૨૬)એ વિશાલભાઈ બાલાભાઈ મકવાણા, બાલાભાઈ પાલાભાઈ મકવાણા, માધવીબેન બાલાભાઈ મકવાણા, દયાબેન બાલાભાઈ મકવાણા તથા વિલાસબેન બાલાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, વિશાલભાઈ મકવાણા શેરીમાં ફટાકડા ફોડતા હતા, જેથી ધર્મિષ્ઠાબેનના પતિએ તેમને કહ્યું હતું કે, ‘મારે નાની દીકરી છે, તેથી ફટાકડા દૂર જઈને ફોડો.’ આથી ઉશ્કેરાયેલા આરોપીએ તેમના પતિને ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો તેમજ તેમના સાસુના વાળ પકડી ઢીકાપાટુનો મૂઢમાર મારી ગાળો આપી હતી અને તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.ડી.ટી. બળસટિયા વધુ તપાસ કરી રહ્યા છે.