ખાંભાના નાનુડી ગામે પ્રેમલગ્નના મનદુઃખમાં ગાળો આપી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે જયેશભાઈ ધનજીભાઈ પાટડિયા (ઉં.વ.૨૭) એ ગીતાબેન અશ્વિનભાઈ ચાવડા, રંજનબેન ભૂપતભાઈ ચાવડા, દયાબેન ભૂપતભાઈ ચાવડા, રવીનાબેન ભૂપતભાઈ ચાવડા, લાલાભાઈ લખમણભાઈ કોતરવાડિયા, ભૂપતભાઈ નાથાભાઈ ચાવડા, રાહુલભાઈ કમલેશભાઈ કોતરવાડિયા તથા વિશાલભાઈ કમલેશભાઈ કોતરવાડિયા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જયેશભાઈએ તેમના જ ગામના કમલેશભાઈ વલ્લભભાઈ કોતરવાડિયાની દીકરી વૈશાલી સાથે આજથી આશરે એકાદ વર્ષ પહેલાં ભાવનગર ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમના ઘર પાસે આવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ લોખંડની પાઇપનો ઘા વાંસા તથા માથાના ભાગે માર્યો હતો. ઉપરાંત સાહેદ મહેશભાઈ, કોમલબેન તથા વૈશાલીબેનને શરીરે આડેધડ ઢીકાપાટુ વડે મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ, સામા પક્ષે વિશાલભાઈ કમલેશભાઈ કોતરવાડિયા (ઉં.વ.૨૩) એ જયેશભાઈ ધનજીભાઈ પાટડિયા, મહેશભાઈ ધનજીભાઈ પાટડિયા તથા મંજુબેન ધનજીભાઈ પાટડિયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની મોટી બહેન વૈશાલીબેને તેમના ગામના ધનજીભાઈ મનજીભાઈ પાટડિયાના દીકરા જયેશભાઈ સાથે એકાદ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તે બંને મોટરસાઇકલ લઈ નીકળી તેમની સામે હોર્ન વગાડી કટાક્ષ (કાતરા) મારતા હતા. જેથી તેઓ તથા સાહેદો આરોપીના ઘરે ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી તેમને શરીરે આડેધડ ઢીકાપાટુ વડે મૂંઢ માર માર્યો હતો. ઉપરાંત લાકડાનો ધોકો (બડો) વાંસાના ભાગે માર્યો હતો તેમજ લોખંડની પાઇપ વડે વાંસાના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. પી. ધાંધળ વધુ તપાસ કરી રહ્યા છે.




































