ધારી તાલુકાના લાખાપાદર ગામે સ્ટેટ મોનિટરીંગ યુનિટની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને દેશી દારૂ બનાવતી સક્રિય ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં વિપુલ માત્રામાં દેશી દારૂ, વોશ અને અન્ય સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત લાખાપાદર ગામે બાપા સીતારામની મઢી પાછળ આવેલા દેવજીભાઈ વાઘેલાના મકાન પાછળની ખુલ્લી જગ્યામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ ૨૫૧ લીટર દેશી દારૂ, ૨૪૭૫ લીટર ઠંડો વોશ, ૧૨૦ લીટર ગરમ વોશ, ૧૧૦૪ કિલો ગોળ, આઇ-૨૦ કાર, રોકડ રકમ તેમજ અન્ય સાધનો મળીને કુલ રૂ. ૫,૦૬,૧૭૫/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા પાંચ મુખ્ય આરોપીઓ તેમજ સંગઠિત ગુનાહિત કાવતરામાં સામેલ અન્ય ઇસમો વિરુધ્ધ પ્રોહીબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.